Ahmedabad

અમદાવાદ: સરખેજ MD ડ્રગ્સ ફેક્ટરીનું કનેક્શન GTU સુધી પહોંચ્યું, કેમિકલ ખરીદી આપતો PhD સ્ટુડન્ટ NCBના સકંજામાં

By GS Team
26 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સરખેજમાં ઝડપાયેલી MD ડ્રગ્સ ફેક્ટરીના તાર GTU સુધી પહોંચ્યા છે. NCBએ GTUમાં કેમિકલ એન્જિનિયરિંગમાં PhD કરતા હર્ષિલ પરીખની ધરપકડ કરી છે. તે મુખ્ય આરોપી મુદ્દસર પઠાણને ડ્રગ્સ બનાવવા માટે કેમિકલ પૂરા પાડતો હતો. રાજસ્થાનના અખ્તર અને જુનેદ બાદ હર્ષિલની ધરપકડ થતાં આ કેસમાં કુલ 4 આરોપીઓ ઝડપાયા છે. હર્ષિલ ક્યાંથી કેમિકલ ખરીદતો હતો તેની તપાસ ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સરખેજ MD ડ્રગ્સ ફેક્ટરીનું કનેક્શન GTU સુધી પહોંચ્યું, કેમિકલ ખરીદી આપતો PhD સ્ટુડન્ટ NCBના સકંજામાં

Sarkhej MD Drugs Factory Case GTU Connection Ahmedabad: અમદાવાદના સરખેજમાં બંગલાના ભોયરામાંથી ઝડપાયેલી MD ડ્રગ્સ બનાવવાની મિનિ ફેક્ટરીના તાર હવે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી(GTU) સુધી પહોંચ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ આ કેસમાં અમરાઈવાડીમાં રહેતા અને GTUમાં કેમિકલ એન્જિનિયરિંગમાં PhDનો અભ્યાસ કરતા હર્ષિલ પરીખની ધરપકડ કરી છે. તપાસમાં હર્ષિલ મુખ્ય આરોપી મુદ્દસર પઠાણને MD ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ ખરીદી આપતો હોવાની વિગતો સામે આવી છે. રાજસ્થાનના અખ્તર અને જુનેદ બાદ હર્ષિલની ધરપકડ થતાં આ કેસમાં અત્યાર સુધીમાં ચાર આરોપીઓ ઝડપાયા છે.

સરખેજ MD ડ્રગ્સ ફેક્ટરીનું કનેક્શન GTU સુધી પહોંચ્યું

NCBએ સરખેજની લેબેક પાર્ક સોસાયટીના એક બંગલાના ભોયરામાં MD ડ્રગ્સ બનાવવાની મિનિ ફેક્ટરી ઝડપી પાડી હતી. આ ફેક્ટરીનો પર્દાફાશ થયા બાદ NCBએ ડ્રગ્સ બનાવવા માટે વપરાતા કેમિકલના સપ્લાયર્સની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મુદ્દસર પઠાણ અને હર્ષિલ પરીખ વચ્ચેના સંપર્કો અને નાણાકીય વ્યવહારોની વિગતો સામે આવી હતી. હર્ષિલની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મુદ્દસરે અગાઉ તેને એકાદ-બે વખત નાણાકીય મદદ પણ કરી હતી. આ ઓળખાણના આધારે હર્ષિલ મુદ્દસરને જરૂરી કેમિકલ પહોંચાડતો હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે.

કેમિકલ ક્યાંથી ખરીદતો હતો તેની તપાસ

NCBની તપાસમાં હવે સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે, હર્ષિલ પ્રતિબંધિત કેમિકલ ક્યાંથી ખરીદતો હતો અને આ ખરીદી પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે નાણાકીય મદદગારની ભૂમિકા હતી કે કેમ? હર્ષિલે અત્યાર સુધીમાં કેટલો કેમિકલ ખરીદ્યો હતો અને તે કોને સપ્લાય કર્યો હતો તેની વિગતો પણ મેળવવામાં આવી રહી છે. ગુજરાતના હાઇવે પર પ્રતિબંધિત કેમિકલની ચોરી સાથે આ નેટવર્કના તાર જોડાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

કેમિકલ કંપનીઓના રેકોર્ડની ચકાસણી

NCB હવે કેમિકલ ઉત્પાદક કંપનીઓના વેચાણ અને વપરાશના રેકોર્ડનું ક્રોસ વેરિફિકેશન કરી રહી છે. ડ્રગ્સ બનાવવા માટે વપરાતા કેમિકલનો ઉપયોગ અન્ય રાજ્યોમાં પણ થયો હોવાની શક્યતાને પગલે તપાસનો વ્યાપ વધારાયો છે. હર્ષિલની પૂછપરછમાં કેમિકલ સપ્લાય ચેઇન, ખરીદીના સ્ત્રોત અને નાણાકીય વ્યવહારો અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.