અમદાવાદ: વીજ કંપનીની બેદરકારીથી પતિ ગુમાવ્યો, મૃતકની પત્નીને ₹12.07 લાખ વળતર ચૂકવવા UGVCLને કોર્ટનો આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rural Court Orders UGVCL Compensation: અમદાવાદના કણભા ખાતે છૂટા લબડતા વાયરના કારણે શોર્ટ સર્કિટથી 35 વર્ષીય વેપારીના મોતના ચર્ચિત કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ(UGVCL)ની બેદરકારી સામે મૃતકની વિધવા પત્નીને બે મહિનામાં ₹12,07,500નું વળતર ચૂકવી આપવા હુકમ કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
કણભાના ચીનુભાઈ પાર્ક ખાતે રહેતા અને છેલ્લા 5 વર્ષથી 'પરી પલક ચાર્ટ સેન્ટર' નામે ફાસ્ટ ફૂડનો ધંધો કરતા રામવિલાસ નિસાદ 15 ડિસેમ્બર 2019 ના રોજ સાંજે પોતાની કેબિન પાસે હતા. તે સમયે ભારે પવન આવતો હોવાથી તેઓ કેબિન બચાવવા માટે પ્લાસ્ટિકનું તાડપત્રી બાંધવા દોરી ઉપર નાખી રહ્યા હતા. દરમીયાન ત્યાંથી પસાર થતા વીજ કંપનીના છૂટા અને લબડતા વાયરો સાથે સંપર્ક થતાં તીવ્ર કરંટ લાગવાથી રામવિલાસનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું.
બાંહેધરી આપીને પણ વીજ કંપની ફરી ગઈ!
ઘટના બાદ UGVCLના કણભા સબ-સ્ટેશનના કર્મચારીઓએ સ્થળ તપાસ કરી જરૂરી દસ્તાવેજો મેળવીને વળતર આપવાની ખાતરી આપી હતી. તેમજ 16 જૂન 2020 ના રોજ પત્ર લખી ₹300 ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરી આપી જવાનું જણાવ્યું હતું. જોકે, 45 દિવસથી વધુ સમય વીતી જવા છતાં અને વારંવારની રજૂઆતો છતાં કંપનીએ વળતર ન ચૂકવતાં આખરે મૃતકની પત્ની નિલમદેવી નિસાદે એડવોકેટ મારફતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ₹20 લાખના વળતરનો દાવો દાખલ કર્યો હતો.
કોર્ટનું મહત્ત્વનું અવલોકન
અમદાવાદ ગ્રામ્ય કોર્ટના સિવિલ જજ એન. પી. પટેલે બંને પક્ષોની દલીલો અને રેકોર્ડ પર આવેલા પુરાવાઓને ધ્યાને રાખી અવલોકન કર્યું હતું કે, વાદી દ્વારા રજૂ કરાયેલા ઇન્કમટેક્સ રિટર્ન (ITR) મુજબ મૃતકની વાર્ષિક આવક ₹3 લાખથી વધુ હોવાનું સાબિત થાય છે. જો અકસ્માત ન થયો હોત તો તેઓ પત્ની અને બે સગીર પુત્રીઓના જીવનનો મુખ્ય આધાર બની રહ્યા હોત. વર્તમાન મોંઘવારી, પરિવારની ભવિષ્યની જરૂરિયાતો, ગુમાવેલી માસિક આવક અને સામાજિક નુકસાનને ધ્યાનમાં રાખીને ન્યાયના હિતમાં આ વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવે છે.




