રિવરફ્રન્ટનું 60 કરોડનું ધોળા હાથી સમાન મલ્ટીલેવલ પાર્કિંગ, ભાડાની આવક શૂન્ય, પ્રજા સુવિધાથી વંચિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Multilevel Parking: અમદાવાદ મ્યુનિસિપલની સાથે તેને સંલગ્ન એએમટીએસ, બીઆરટીએસ કે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન જેવા એકમો પણ પ્રજાના પૈસાનું પાણી કરી રહ્યા હોવાની વિગતો વારંવાર સામે આવતી રહે છે. એસઆરએફડીસીએલ તંત્રની અણઆવડતના નમૂના સમાન ફ્લાવર પાર્ક સામેનું 60 કરોડ રૂપિયાનું મલ્ટિલેવલ પાર્કિંગ એક વર્ષથી ઘરજમાઈ પડ્યું છે. તોતિંગ રકમનો ખર્ચ કર્યા બાદ પ્રજાને નથી તો પાર્કિંગની સુવિધા મળી રહી કે નથી તંત્રને ભાડાની આવક થઈ રહી!
હવે એકથી પાંચ માળનું પાર્કિંગ ભાડે આપવા કવાયત
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર પાર્ક સામે આવેલા મલ્ટિલેવલ પાર્કિંગના એકથી પાંચ માળ 36.42 લાખ રૂપિયાના વાર્ષિક ભાડે આપવાની કવાયત શરૂ કરવામાં આવી છે. તંત્ર માટે ગળાનું હાડકું થઈ ગયેલા આ પાર્કિંગના ભૂતકાળમાં જઈએ તો હાલના મેયર જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, ત્યારે સપ્ટેમ્બર 2023માં આ મલ્ટિલેવલ સ્માર્ટ પાર્કિંગનું લોકાર્પણ કરાયું હતું. 60 કરોડ રૂપિયાના ખર્ચે 700 કાર અને 1000 ટુવ્હીલર પાર્ક થઈ શકે તેવા આ પાર્કિંગની સ્માર્ટ સિસ્ટમથી લોકો પૂરા પરિચિત થાય, ત્યાં સુધીમાં તો તેના વળતા પાણી શરૂ થઈ ગયા હતા.
એકાદ વર્ષ પહેલાં જ્યારે આ પાર્કિંગ ભાડે આપવાની કવાયત કરવામાં આવી, ત્યારે કોન્ટ્રાક્ટરે 50 લાખ રૂપિયામાં પાર્કિંગ ભાડે રાખ્યું હતું. પરંતુ તેની સામે મહિને એકાદ લાખ રૂપિયાની પણ આવક ન થઈ રહી હોવાથી કોન્ટ્રાક્ટરે આ કરાર રદ કરવા રજૂઆત કરી હતી. આ કરાર રદ થઈ ગયા બાદ સાત માળના મલ્ટિલેવલ પાર્કિંગની આ આખી ઈમારત હાલમાં બિનઉપયોગી પડી છે. હાલમાં અહીં પાર્કિંગની સુવિધા બંધ છે, માટે લોકોને તેનો લાભ મળતો નથી, સામાપક્ષે તંત્રને પણ કોઈ આવક થઈ રહી નથી. ત્યારે પ્રજાના 60 કરોડ રૂપિયાનું આવી રીતે આંધણ કરવા બદલ જવાબદાર કોણ? તેવો સવાલ ઉઠ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સિંધુ ભવન રોડ અને પ્રહલાદ નગરના મલ્ટિલેવલ પાર્કિંગ પણ વિવાદમાં આવી ચૂક્યા છે. અમદાવાદમાં નિષ્ફળ ગયેલા મલ્ટિલેવલ પાર્કિંગ માટે મ્યુનિસિપલના અધિકારીઓ અને શાસકો શા માટે કરોડો રૂપિયા વેડફે છે? તે લોકોને સમજાતું નથી.
ભાડું ઘટાડવા તંત્રનું તિકડમ
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારીઓએ પાર્કિંગનું ભાડું ઘટાડવા માટે એક તિકડમ કર્યું છે. આ પાર્કિંગમાં આમ તો 1000થી વધુ ટુવ્હીલર અને 700થી વધુ ફોરવ્હીલર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા છે. પરંતુ નવા ટેન્ડર મુજબ પહેલા અને બીજા માળે 856 ટુવ્હીલર તથા 372 ફોરવ્હીલર પાર્કિંગની વ્યવસ્થા બતાવવામાં આવી છે. એટલે કે 500 વાહનોના પાર્કિંગને કાપી નાંખવામાં આવ્યા છે.
સાતમો માળ ગાર્ડન રેસ્ટોરન્ટ માટે અનામત રખાયો
એસઆરએફડીસીએલના સૂત્રોના જણાવ્યાનુસાર પાર્કિંગનો સાતમો માળ ગાર્ડન રેસ્ટોરન્ટ માટે રિઝર્વ રખાયો છે. તેમજ તેના પાર્કિંગ માટે છઠ્ઠો માળ ખાલી રખાયો છે. એટલે વાહન પાર્કિંગની સંખ્યા ઘટી જવાથી ભાડાની કુલ રકમમાં ઘટાડો થયો છે.
રિવરફ્રન્ટ મલ્ટિલેવલ પાર્કિંગની સ્માર્ટ સુવિધાઓ
આ મલ્ટિલેવલ પાર્કિંગમાં સીસીટીવી કેમેરાથી માંડીને ઈલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ પોઈન્ટ, ક્યુઆર કોડવાળી ટિકિટ, પેમેન્ટ માટેનું ડિજિટલ મશીન, વાહનના પાર્કિંગ માટેના સેન્સર, બૂમ બેરિયર સહિતની સ્માર્ટ વ્યવસ્થા ઓ છે. અહીં કેટલા વાહનો પાર્ક થયેલા છે અને કેટલી જગ્યા ખાલી છે? વગેરે ઓટોમેટિક ખ્યાલ આવી જાય, તેવું ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પણ છે. સ્માર્ટ પાર્કિંગની મોબાઈલ એપ્લિકેશન સાથે આ પાર્કિંગ જોડાયેલું છે.




