Ahmedabad

દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, 500થી વધુ ગુજરાતી રચનાઓ સંગીતબદ્ધ કરી હતી

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
જાણીતા સંગીતકાર અને ગાયક ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું છે. સ્વ. અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગભાઈએ 5 વર્ષની ઉંમરે સંગીત યાત્રા શરૂ કરી હતી. તેમણે 100થી વધુ ગુજરાતી ફિલ્મો, જેમાં 'ભવની ભવાઈ' અને 'લાખો ફૂલણજી' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે, તેમાં સંગીત આપ્યું હતું. તેમના યોગદાન બદલ GIFA ગોલ્ડન એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, 500થી વધુ ગુજરાતી રચનાઓ સંગીતબદ્ધ કરી હતી

Gaurang Vyas Died : ગુજરાતી સંગીત અને ફિલ્મ જગત માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા સંગીતકાર અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં મોડી રાત્રે 87 વર્ષની વયે અવસાન થયું છે. દાયકાઓ સુધી પોતાના સૂરોથી સંગીતપ્રેમીઓના હૃદય પર રાજ કરનારા ગૌરાંગભાઈની વિદાયથી ગુજરાતી સુગમ સંગીત અને લોક સંસ્કૃતિની એક સુવર્ણ પેઢીનો અંત આવ્યો છે.

બાળપણ, બાળવયથી સંગીતનો પ્રારંભ અને અભ્યાસ

24 નવેમ્બર 1938ના રોજ જન્મેલા ગૌરાંગ વ્યાસને સંગીતકળા વારસામાં જ મળી હતી. તેઓ મહાન સંગીતકાર સ્વ. અવિનાશ વ્યાસના પુત્ર હતા. તેમણે માત્ર પાંચ વર્ષની વયે જ હાર્મોનિયમ પર ‘વૈષ્ણવ જન’ ભજન ગાઈને સંગીત યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જો કે, તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને મુંબઈમાં નોકરી પણ શરૂ કરી હતી. પરંતુ સંગીત પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ તેમને ખેંચી લાવ્યો અને તેમણે નોકરી છોડીને સમગ્ર જીવન આ કળાને સમર્પિત કરી દીધું.

સંગીત સફર: સહાયકથી સ્વતંત્ર સંગીતકાર સુધી

ગૌરાંગ વ્યાસે પિતા અવિનાશ વ્યાસ સાથે પ્રસિદ્ધ ફિલ્મ ‘જેસલ તોરલ’માં સહાયક તરીકે જોડાયા બાદ ફિલ્મ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. ત્યારબાદ તેમણે ‘લાખો ફૂલણજી’ ફિલ્મથી સ્વતંત્ર સંગીતકાર તરીકેની સફળ અને યાદગાર શરૂઆત કરી. સંગીત કારકિર્દીમાં તેમણે 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. જેમાં 'મણિયારો', 'નસીબની બલિહારી' અને 1981માં આવેલી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ ‘ભવની ભવાઈ’માં પણ તેમણે ઉત્કૃષ્ટ સંગીત આપ્યું હતું. 'લવની ભવાઈ' જેવી ફિલ્મોમાં પણ તેમનું સંગીત યાદગાર રહ્યું હતું.

લોકસંગીત, જાણીતા આલ્બમ્સ અને ગીતો

ગૌરાંગ વ્યાસે લોકસંગીત, ભજન, રાસ-ગરબા સહિતના વિવિધ ક્ષેત્રોમાં અપ્રતિમ યોગદાન આપ્યું છે. તેમણે 500થી વધુ ગુજરાતી ગીત-ગઝલ સહિતની રચનાઓને પોતાના મધુર સૂરથી સંગીતબદ્ધ કરી હતી. તેમના ઘણાં સંગીત આલ્બમ્સ ખૂબ લોકપ્રિય થયા હતા, જેમાં 'ભજન અનમોલ', 'જલારામની ઝૂંપડી', 'ગંગા સતીના ભજનો', 'કહત કબીર', 'નોન સ્ટોપ ડાંડિયા રાસ' અને પ્રાચીન પ્રભાતિયાં સામેલ છે. તેમના દ્વારા સ્વરબદ્ધ કરાયેલા ગીતોમાં ‘આજ વગડાવો રુડા શરણાઈ…’ અને ‘મને એકલી મેલીને’ જેવી રચનાઓ આજે પણ લોકોના મુખે ગવાય છે.

અનેક એવોર્ડ અને પ્રતિષ્ઠિત સન્માનો

ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતમાં આપેલા અદ્ભુત અને અવિસ્મરણીય યોગદાન બદલ ગૌરાંગ વ્યાસને GIFA (ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ) તરફથી ગોલ્ડન એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની વિદાયથી સંગીત ક્ષેત્રે ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે.