સનાથલમાં પોલીસે કારનો ફિલ્મીઢબે પીછો કરીને દારૂનો જથ્થો જપ્ત કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ,શનિવાર
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ સનાથલથી દારૂ ભરેલી કારનો પીછો કરીને ડ્રાઇવરને ઝડપીને વિદેશી દારૂની ૧૨૦૦થી વધારે બોટલો જપ્ત કરીને એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો ચાંગોદરના દેવેન્દ્ર દરજી અને સંજય ચુનારાએ રાજસ્થાનથી મંગાવ્યો હતો. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
કુખ્યાત પ્રકાશ મારવાડી અને સુરેશ મારવાડીએ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનથી મોકલ્યો હતો
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે એક એસયુવી કાર સનાથલ સર્કલથી દારૂનો મોટો જથ્થો લઇને ડ્રાઇવર ચાંગોદર તરફ જવાનો છે. જેના આધારે ગત રાત્રીએ પોલીસે વોચ ગોઠવીને એસ પી રીંગ રોડ તરફથી સનાથલ જતી એક કારના ચાલકને ઉભા રહેવા માટે ઇશારો કર્યો હતો. પરંતુ, તેણે કારને પુરઝડપે હંકારી મુકી હતી. જેથી પોલીસે તેનો પીછો કરીને ચાંગોદર પાસેથી કારને રોકીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૧૦૦ જેટલી બોટલો મળી આવી હતી.
આ અંગે પોલીસે ડ્રાઇવર અલ્તાફ વોરા (રહે. છીપાનગર, મકરબા)ની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચાંગોદરમાં રહેતા દેવેન્દ્ર દરજી અને સંજય ચુનારાએ દારૂનો જથ્થો મંગાવ્યો હતો. આ માટે રાજસ્થાનના બુટલેગર પ્રકાશ મારવાડી અને સુરેશ મારવાડીએ દારૂ અમદાવાદ મોકલ્યો હતો અને પ્રકાશ મારવાડીએ અલ્તાફને કાર લઇને બારકોલ નદીના પટમાં કાર સાથે જવાનું કહ્યું હતું. જ્યા એક મીની બસમાંથી દારૃ કારમાં લોડ કરીને તે ચાંગોદર જતો હતો. એક ફેરાના તેને ૩૫ હજાર રૂપિયા મળવાના હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ મામલે એવી પણ વિગતો સામે આવી છે કે અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં પોલીસની રહેમનજર હેઠળ દારૂનું કંટીગ કરાવીને ટ્રકમાઁથી નાની કારમાં ભરવામાં આવે છે અને ત્યાર બાદ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં પોલીસને જાણ હોવા છતાંય, કોઇ કાર્યવાહી થતી નથી અને દારૂ બેરોકટોક બુટલેગર સુધી પહોંચી જાય છે.




