અમદાવાદ: 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર 33 વર્ષીય આરોપીને 20 વર્ષની સખત કેદની સજા, પોક્સો કોર્ટનો ચુકાદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના માધુપુરા વિસ્તારમાં 13 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં અમદાવાદની પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે 33 વર્ષીય આરોપી આનંદ વિરેન્દ્રસિંહ ભદોરીયાને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ અને રૂ.20 હજારનો દંડ ફટકાર્યો છે.
પોક્સો કોર્ટના ખાસ જજ એન. એચ. વસવેલીયાએ ચુકાદો આપતા સખત અવલોકન કર્યું હતું કે, આરોપી સામેનો કેસ અત્યંત ગંભીર છે અને આવા કેસમાં આરોપી સામે કોઈપણ પ્રકારની દયા દાખવી શકાય નહીં.
શું હતી સમગ્ર ઘટના?
માધુપુરામાં આવેલી વોરા મન્સૂરીની ચાલીમાં રહેતો 33 વર્ષીય આનંદ ભદોરીયા મજૂરી કામ કરતો હતો. તેણે પડોશમાં રહેતી 13 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી હતી. સગીરાના માતા-પિતા ઘરમાં હાજર ન હોય ત્યારે આરોપીએ ઘરમાં ઘૂસીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સિવાય 31 માર્ચ, 2022ના રોજ આરોપી સગીરાને ઈન્કમટેક્સ નજીક આવેલી ‘માંગલીય પેલેસ’ હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં પણ બેથી ત્રણ વખત શરીર સંબંધ બાંધ્યો હતો.
પિતાને છરી મારવાની આપી હતી ધમકી
25 સપ્ટેમ્બર, 2022ના રોજ આરોપી આનંદે સગીરાના પિતાને ફોન કરીને ધમકી આપી હતી કે, "હું અને તમારી દીકરી એકબીજાને પ્રેમ કરીએ છીએ અને મારે તેની સાથે લગ્ન કરવા છે. જો તમે અમારા લગ્ન નહીં કરાવો તો બધાને છરી મારી દઈશ."
કોર્ટે કયા પુરાવા ગ્રાહ્ય રાખ્યા?
ઘટના અંગે સગીરાના પિતાએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન રજૂ કરાયેલા મહત્ત્વના પુરાવા જેવા કે સગીરાની જુબાની, મેડિકલ રિપોર્ટ, જન્મનું પ્રમાણપત્ર, હોટલનું રજિસ્ટર અને સત્તાવાર ઓળખ પુરાવા અને સરકારી વકીલ વિજયસિંહ ચાવડાની દલીલને કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપીને કડકમાં કડક સજા ફટકારી હતી.









