અમદાવાદમાં સંબંધીને ત્યાં આવેલી યુકેમાં રહેતી સગીરા પર જાતીય હુમલાનો કેસ, સેશન્સ કોર્ટે કિશોરના આગોતરા જામીન ફગાવ્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Sessions Court POCSO Anticipatory Bail Rejected: યુકેમાં રહેતી સગીરા અને તેનો પરિવાર અમદાવાદમાં સંબંધીને ત્યાં આવ્યા હતા, ત્યારે સગીરે સગીરા પર જાતીય હુમલો કર્યો હતો. જે કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે સગીરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી. કિશોરની આગોતરા જામીન અરજી ફગાવતા કોર્ટે અવલોકન કર્યું હતું કે, 'અરજદાર સગીર સામે IPC અને પોક્સોની કલમ હેઠળ ગંભીર આરોપો છે. યુકેમાં નોંધાયેલી ફરિયાદ અને મેડિકલ રિપોર્ટસ ધ્યાને લેતા મામલાની તપાસ હાલ ખૂબ જ નાજુક તબક્કામાં છે. યોગ્ય તપાસ માટે આરોપીની હાજરી જરૂરી જણાતા ન્યાયના હિતમાં જામીન આપી શકાય નહીં.'
શું છે સમગ્ર ઘટના?
યુકેમાં રહેતું પરિવાર વર્ષ 2022માં અમદાવાદમાં સંબંધીને ત્યાં આવ્યું હતું. ત્યારે સબંધીના સગીરવયના દીકરાએ સગીરા પર જાતીય હુમલો કર્યો હતો. ત્યારે સગીરાની ઉંમર 13 વર્ષની હતી. સગીરા યુકેમાં પાછી ગયી હતી ત્યારે તણાવમાં રહેતી હતી અને સતત રડ્યા કરતી હતી. જેથી સગીરાની માતાએ તેણીની પૂછપરછ કરતા સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આથી સગીરાને યુકેમાં મેડિકલ તપાસ કરાવી હતી અને તેણીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. અને સુસાઇડ વૉચ કેટેગરીમાં રાખવામાં આવી હતી. આથી સગીરાની માતાએ યુકે પોલીસમાં જાણ કરતા તેણીનું નિવેદન નોંધ્યા બાદ સમગ્ર મામલો અમદાવાદના પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
સગીરે પિતા મારફતે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરાવી
પોલીસની સંભવિત ધરપક્કડ ના થાય તે માટે સગીરે તેના પિતા મારફતે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ગૂનો 4 વર્ષના વિલંબ પછી નોંધવામાં આવ્યો છે. જે આક્ષેપોની સત્યતા સામે સવાલ ઊભા કરે છે. અરજદારની ઉંમર 17 વર્ષ અને 7 મહિના છે. તે ફાર્મસીમાં અભ્યાસ કરતો તેજસ્વી વિદ્યાર્થી છે. પીડિતા યુકેમાં રહે છે અને તેણી તણાવમાં હતી. જેથી અરજદાર સગીરને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, કોર્ટ જે શરતો મૂકશે તેનું પાલન કરવા તૈયાર છે.
સરકારી વકીલે શું કહ્યું?
સગીરની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, સગીરા સામેના જાતીય અપરાધોમાં સામાજિક ડર, આઘાત અને શરમના કારણે ફરિયાદ કરવામાં વિલંબ થવો સ્વાભાવિક છે. ઘટના સમયે પીડિતા માત્ર 13 વર્ષની ઉંમરની હતી. સગીરાએ મે 2024માં યુકેમાં કાઉન્સિલિંગ દરમિયાન પોતાની માતાને ઘટનાની જાણ કરી હતી.
યુકેના તબીબી સત્તામંડળો દ્વારા સગીરાને હાઈ રિસ્ક ચાઇલ્ડ અને સુસાઇડ વોચ હેઠળ રાખવામાં આવી હતી. યુકે પોલીસ દ્વારા નિવેદન નોંધ્યા બાદ અમદાવાદ પૂર્વ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આક્ષેપો ખૂબ જ ગંભીર પ્રકારના છે. આરોપી તેમજ પીડિતા વચ્ચે નજીકના કૌટુંબિક સંબંધો છે. આથી આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દેવી જોઈએ. કોર્ટે બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.




