Ahmedabad

અમદાવાદ: પીરાણા ડ્રેનેજ લાઇનમાં ખાબકેલી બાળકી 5 દિવસથી લાપતા, જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવા કોંગ્રેસની માગ

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના પીરાણા પાસે 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ડ્રેનેજ લાઈનમાં ખાબક્યાના પાંચ દિવસ બાદ પણ લાપતા છે. ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલુ છે. કોંગ્રેસે AMCના ઇજનેર ખાતા સહિત જવાબદાર અધિકારીઓ સામે બેદરકારી બદલ ગુનો નોંધવા નારોલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. બાળકીની સઘન શોધખોળ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીની માગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: પીરાણા ડ્રેનેજ લાઇનમાં ખાબકેલી બાળકી 5 દિવસથી લાપતા, જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવા કોંગ્રેસની માગ

Ahmedabad 10 Year Old Girl Missing In Drainage Line: અમદાવાદના વિશાલાથી નારોલ તરફ જતા રોડ પર પીરાણા ચાર રસ્તા પાસે ડમ્પિંગ સ્ટેશન નજીક ડ્રેનેજ લાઇનમાં ખાબકેલી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકીનો પાંચ દિવસ બાદ પણ પત્તો લાગ્યો નથી. અમદાવાદ ફાયર વિભાગ દ્વારા બાળકીની શોધખોળ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન, આ ઘટનામાં બેદરકારી બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMc)ના ઇજનેર ખાતા સહિત જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવાની માગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નારોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

પીરાણા ડ્રેનેજ લાઇનમાં ખાબકેલી બાળકી 5 દિવસથી લાપતા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ મહામંત્રી રાજેશ ટી. સોની દ્વારા આપવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે, ગંભીર દુર્ઘટનાને 90 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં બાળકીની ભાળ મળી નથી. આવી સ્થિતિમાં દુર્ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ અને સંબંધિત અધિકારીઓ સામે હજુ સુધી બેદરકારી અંગે ગુનો નોંધાયો ન હોવા અંગે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.

અરજીમાં કોર્પોરેશનના ઇજનેર ખાતા અને સંબંધિત વિભાગોની કામગીરી, સ્થળ પરની સુરક્ષા વ્યવસ્થા તથા દેખરેખ અંગે તપાસ કરવાની માગ કરવામાં આવી છે. જાહેર રસ્તાઓની જાળવણી અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી સંબંધિત તંત્રની હોવાનું જણાવી કોંગ્રેસે જો તપાસમાં ફરજમાં બેદરકારી કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હોવાના પુરાવા મળે તો જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.

જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવા કોંગ્રેસની માગ

કોંગ્રેસે પોલીસ સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. તેમાં બાળકીની શોધખોળ વધુ સઘન બનાવવા, ઘટનાની તાત્કાલિક તપાસ કરીને ભારતીય ન્યાય સંહિતાની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધવા તથા કોર્પોરેશનના ઇજનેર ખાતાના અધિકારીઓ અને સ્થળની દેખરેખ માટે જવાબદાર કર્મચારીઓની ભૂમિકાની તપાસ કરવાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ઘટનાસ્થળે સુરક્ષાની વ્યવસ્થા કેવી હતી, અગાઉ કોઈ ફરિયાદ કરવામાં આવી હતી કે કેમ, રસ્તાની જાળવણી અને કામગીરીના રેકોર્ડમાં શું વિગતો છે તથા કયા અધિકારીની શું જવાબદારી હતી તેની ઊંડાણપૂર્વક તપાસ કરવાની પણ માગ કરવામાં આવી છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, તપાસમાં કોઈ અધિકારીની બેદરકારી સામે આવે તો તેના હોદ્દાને ધ્યાનમાં લીધા વિના કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

હાલ ફાયર વિભાગ દ્વારા બાળકીની શોધખોળ ચાલુ છે. બીજી તરફ, કોંગ્રેસે આ ઘટનામાં માત્ર બચાવ કામગીરી જ નહીં, પરંતુ દુર્ઘટના પાછળ જવાબદાર પરિબળો અને અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવાની માગ ઉઠાવી છે.