ઇંદોરથી અમદાવાદ આવતી ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી 10.11 લાખના પાર્સલની ચોરી, ડ્રાઇવર સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: ઇંદોરથી અમદાવાદ વચ્ચે ચાલતી ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી 10.11 લાખ રૂપિયાની કિંમતના 4 કિંમતી પાર્સલ ચોરી કરી ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. આ મામલે પીપળજ પીરાણા રોડ પર જે એન્ડ કે લોજિસ્ટિક પાર્કમાં આવેલી ‘શ્રીનાથ કાર્ગો પ્રા. લિ.’ના સંચાલક હબીબ ઉમડિયાએ ટ્રક ડ્રાઇવર અફઝલખાન ગુલહસનખાન સામે ચોરી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
25માંથી 4 પાર્સલ ગાયબ થતાં શંકા ગઈ
મળતી માહિતી અનુસાર, 24મી સપ્ટેમ્બર 2026ના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે શ્રીનાથ કાર્ગોની ટ્રક ઇંદોરથી અલગ-અલગ કંપનીઓના કુલ 25 પાર્સલ ભરીને અમદાવાદ આવવા નીકળી હતી. આ ટ્રક ડ્રાઇવર અફઝલખાન ગુલહસનખાન ચલાવી રહ્યો હતો. બપોરે આશરે ત્રણ વાગ્યે ટ્રક પીપળજ ખાતેની ઓફિસે પહોંચ્યા બાદ માલ ખાલી કરતી વખતે ‘મા એન્ટરપ્રાઇઝ’ના 6 પાર્સલમાંથી માત્ર 2 પાર્સલ મળ્યા હતા અને 4 પાર્સલ ગાયબ હતા.
ઇંદોર ઓફિસ ખાતે ખરાઈ કરતા તમામ 25 પાર્સલ ટ્રકમાં લોડ કરાયા હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ અંગે ડ્રાઇવર અફઝલખાનની પૂછપરછ કરાતાં તેણે અજાણ હોવાનો ડોળ કર્યો હતો. આ દરમિયાન સાતમી ઓક્ટોબર 2026ના રોજ ડ્રાઇવર ઓફિસે કોઈને જાણ કર્યા વગર નીકળી ગયો હતો અને પોતાનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. આંતરિક તપાસ અને સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ ડ્રાઇવરે જ રસ્તામાં રૂ. 10,11,839નો માલસામાન ચોરી કર્યો હોવાનું સ્પષ્ટ થતાં અંતે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.




