Ahmedabad

અમદાવાદના નરોડામાં વિદ્યાર્થિની અને પિતાના ફોટા સાથે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ, પૂર્વ પ્રેમીની પત્ની સામે ફરિયાદ

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નરોડામાં AMTS બસ ડ્રાઇવરની પત્નીએ 21 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયા પર બદનામ કરી છે. વિદ્યાર્થિનીએ ડ્રાઇવર પરિણીત હોવાનું જાણતા સંબંધ તોડ્યો હતો. તેમ છતાં, ડ્રાઇવરની પત્નીએ શંકા રાખી યુવતી અને તેના પિતાના ફોટા સાથે અભદ્ર લખાણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું. નરોડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના નરોડામાં વિદ્યાર્થિની અને પિતાના ફોટા સાથે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ, પૂર્વ પ્રેમીની પત્ની સામે ફરિયાદ

Ahmedabad Harassment Case: અમદાવાદના નરોડામાં રહેતી 21 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થિની સાથે અગાઉ પ્રેમસંબંધ ધરાવતા AMTS બસ ડ્રાઇવરની પત્નીએ સોશિયલ મીડિયા પર યુવતી તેમજ તેના પિતાના ફોટોગ્રાફ્સ સાથે અભદ્ર લખાણ પોસ્ટ કરી બદનામ કરતાં નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. યુવતીને બસ ડ્રાઇવર પરિણીત હોવાની જાણ થતાં તેણે સંબંધ તોડી નાખ્યો હોવા છતાં, ડ્રાઇવરની પત્નીએ શંકા રાખી હેરાનગતિ શરૂ કરી ઇન્સ્ટાગ્રામ પર વાંધાજનક સ્ટોરી મૂકી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધો તોડી નાખ્યા છતાં પજવણી ચાલુ રહી

​નરોડા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 21 વર્ષીય યુવતી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરે છે. એક વર્ષ અગાઉ યુવતી AMTS બસમાં બેસીને તેના ફોઈના ઘરે જઈ રહી હતી, ત્યારે બસ ડ્રાઇવર સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી વોટ્સએપ પર વાતચીત શરૂ કરી હતી અને પ્રેમસંબંધ બંધાતાં અલગ-અલગ સ્થળે મળતાં હતાં. આ દરમિયાન યુવતીએ યુવકના મોબાઇલમાં તેના પરિવારના ફોટા જોતાં તે પરિણીત હોવાનું સામે આવ્યું હતું.

પિતાના ફોટા પર પણ અભદ્ર લખાણ લખી સ્ટોરી મૂકી

​ડ્રાઇવર પરિણીત હોવાની જાણ થતાં જ વિદ્યાર્થિનીએ તેની સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતા અને વાતચીત બંધ કરી દીધી હતી. બીજી તરફ, ડ્રાઇવરની પત્નીને આ જૂના સંબંધોની જાણ થતાં તેણે યુવતીને ફોન અને મેસેજ કરી સંબંધ તોડી નાખવા કહ્યું હતું. યુવતીએ પોતે સંબંધ પૂર્ણ કરી દીધો હોવાની સ્પષ્ટતા કરી હોવા છતાં, ડ્રાઇવર બહાર જાય ત્યારે યુવતી સાથે જતો હોવાની શંકા રાખી તેની પત્નીએ પજવણી ચાલુ રાખી હતી. આખરે પૂર્વ પ્રેમીની પત્નીએ યુવતીના ફોટા સાથે અભદ્ર લખાણ લખી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અપલોડ કરી હતી. આ ઉપરાંત યુવતીના પિતાના ફોટા પર પણ અભદ્ર લખાણ પોસ્ટ કર્યું હતું. આ મામલે યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં પૂર્વ પ્રેમીની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.