Ahmedabad

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ: અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ સહિત ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. સોમવારે વહેલી સવારથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટી હતી, જેથી વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખવી પડી. હવામાન વિભાગે આગામી 3 કલાકમાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ સહિત 13 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ: અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી

Ahmedabad Rain: અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં સોમવારે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે ધીમી અને મધ્યમ ધારે વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સોલા, પ્રહલાદ નગર, જોધપુર અને આણંદ નગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વિઝિબિલિટી નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને સવારના સમયે પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી.

13 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવના

હવામાન વિભાગ દ્વારા 11મી ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે આગામી ૩ કલાક માટે જાહેર કરવામાં આવેલી હવામાન આગાહી અનુસાર, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદ મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોના છૂટાછવાયા સ્થળોએ 41 કિમી/કલાકથી ઓછી ઝડપે ફૂંકાતા પવન અને હળવી ગાજવીજ સાથે મધ્યમ વરસાદ (5થી 15 મિ.મી. પ્રતિ કલાક) પડવાની શક્યતા છે. આ દરમિયાન વીજળી પડવાની શક્યતા 30%થી પણ ઓછી દર્શાવવામાં આવી છે.

રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે

આ ઉપરાંત જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પંથકોમાં હળવો વરસાદ (5 મિ.મી. પ્રતિ કલાકથી ઓછો) વરસી શકે છે.

તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવા અપીલ

હવામાન વિભાગની આ આગાહીને પગલે કેટલાક નીચાણવાળા માર્ગો પર પાણી ભરાવા, વાહનવ્યવહાર ખોરવાવા, ગટરના પાણી ઓવરફ્લો થવા, નબળા બાંધકામો કે જૂની ઇમારતોને નુકસાન પહોંચવા, ભારે પવનના કારણે વૃક્ષો કે હોર્ડિંગ્સ પડી જવા અને એરપોર્ટ પર ફ્લાઇટ સંચાલનમાં વિલંબ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

સવારે 6થી 10 વાગ્યા સુધી અમદાવાદના 10 વિસ્તારમાં સૌથી વધુ વરસાદ

•કઠવાડા: 2.22 ઇંચ
•હંસપુરા: 1.52 ઇંચ
•ઓઢવ ડ્રેનેજ પંપીંગ: 1.20 ઇંચ
•નિકોલ: 1.18 ઇંચ
•નરોડા: 0.98 ઇંચ
•વસ્ત્રાલ: 0.98 ઇંચ
•વિરાટનગર: 0.87 ઇંચ
•ઓઢવ: 0.83 ઇંચ
•સરદારનગર: 0.83 ઇંચ
•મેમ્કો: 0.73 ઇંચ