Ahmedabad

અમદાવાદમાં નવા શરુ થયેલા પોલીસ સ્ટેશનો ઓનલાઈન પોર્ટલ પર અસ્તિત્વમાં જ નથી, FIR માટે નાગરિકોને ધરમના ધક્કા

By GS Team
12 Nov 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 5 નવેમ્બરે મોટેરા, હંસપુરા અને વસ્ત્રાલમાં 3 નવા પોલીસ સ્ટેશનો શરૂ કરાયા. જોકે, ગૃહ વિભાગની બેદરકારીને કારણે મોટેરા અને હંસપુરા પોલીસ સ્ટેશનના નામ ગુજરાત પોલીસના ઓનલાઈન પોર્ટલ પરથી ગાયબ છે. પરિણામે, નાગરિકોને FIRની નકલ મેળવવા રૂબરૂ ધક્કા ખાવા પડે છે. માત્ર વસ્ત્રાલ પોલીસ સ્ટેશન જ પોર્ટલ પર ઉપલબ્ધ છે, જે તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં નવા શરુ થયેલા પોલીસ સ્ટેશનો ઓનલાઈન પોર્ટલ પર અસ્તિત્વમાં જ નથી, FIR માટે નાગરિકોને ધરમના ધક્કા
AI IMAGE

Ahmedabad Police Station : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને અને ઝડપી પોલીસ સહાય મળી રહે તે હેતુસર 3 નવા પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવા પોલીસ મથકો શરૂ થવાથી સ્થાનિકોને ઝડપી સુવિધા મળવાની આશા હતી. જોકે તંત્રની બેદરકારીના કારણે હવે નાગરિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

નવા ત્રણ પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ અને સ્ટેશન ડાયરીની શરૂઆત

ગત 5 નવેમ્બરના રોજ અમદાવાદમાં મોટેરા, હંસપુરા અને વસ્ત્રાલ એમ કુલ ત્રણ નવા પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન બાદ તરત જ નિયમાનુસાર ત્રણેય નવા પોલીસ મથકો પર સ્ટેશન ડાયરી એન્ટ્રીની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી, જેથી ગુનાહિત રેકોર્ડ અને દૈનિક કામગીરી સત્તાવાર રીતે આરંભ થઈ શકે.

ડિજિટલ પોર્ટલ પરથી મોટેરા અને હંસપુરા ગાયબ

સરકાર દ્વારા નવા પોલીસ મથકોનું ઉદઘાટન કરી દેવાયા બાદ પણ, ગુજરાત પોલીસના સત્તાવાર ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશનની સ્થિતિ અત્યંત નિરાશાજનક રહી છે. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાત પોલીસના ઓનલાઇન પોર્ટલ અને એપ્લિકેશનમાં એફઆઈઆર (FIR) નોંધવા અથવા તેની વિગતો મેળવવા માટેના વિકલ્પોમાં માત્ર 'વસ્ત્રાલ પોલીસ સ્ટેશન'નો જ સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે મોટેરા અને હંસપુરા પોલીસ સ્ટેશનો હજુ પણ ગૃહ વિભાગની ઓનલાઇન સિસ્ટમમાંથી સંપૂર્ણપણે ગાયબ છે. એક તરફ સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયા અને પેપરલેસ કે ઓનલાઇન સેવાઓની મોટી મોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ ખુદ ગૃહ વિભાગના ડિજિટલ પ્લેટફોર્મ પર નવા શરૂ થયેલા પોલીસ મથકોના નામ સમયસર ન ઉમેરાતા તંત્રની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.

નાગરિકોને એફઆઈઆરની નકલ માટે ખાવા પડી રહ્યા છે રૂબરૂ ધક્કા

સામાન્ય રીતે રાજ્યનો કોઈપણ નાગરિક ગૃહ વિભાગના અધિકૃત ગુજરાત પોલીસ પોર્ટલ કે મોબાઇલ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરીને, 'સર્ચ ડિટેલ્સ' હેઠળ 'કોપી ઓફ એફઆઈઆર' નામના વિકલ્પમાં જઈને કોઈપણ શહેર કે જિલ્લાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની વિગતો કે નકલ ઘર બેઠા સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. આ ડિજિટલ સુવિધાના કારણે નાગરિકોનો સમય અને શક્તિ બંને બચે છે.

પરંતુ, અમદાવાદમાં તાજેતરમાં શરૂ થયેલા આ ત્રણ નવા પોલીસ સ્ટેશનો પૈકી વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનું નામ તો ઉદ્ઘાટનના પૂરા 15 દિવસ અગાઉથી જ ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવ્યું હતું. તેની સામે, મોટેરા અને હંસપુરા પોલીસ સ્ટેશનોને લોકાર્પણના દિવસો વીતી જવા છતાં હજુ સુધી ઓનલાઇન એફઆઈઆર મેળવવાની સિસ્ટમમાં સામેલ કરવામાં આવ્યા નથી. આ ડિજિટલ સુવિધાના અભાવના કારણે આ વિસ્તારના નાગરિકોને જો કોઈ ફરિયાદની નકલ જોઈતી હોય અથવા તેની વિગતો મેળવવી હોય, તો ફરજિયાતપણે પોલીસ સ્ટેશને રૂબરૂ ધક્કા ખાવા પડી રહ્યા છે, જે અત્યંત દુખદ બાબત છે.

અગાઉથી આયોજન હોવા છતાં વહીવટી તંત્ર નિષ્ફળ

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ઉચ્ચ નેતૃત્વ અને પોલીસ વડાની ઉપસ્થિતિમાં ગત 5 નવેમ્બરે આ નવા પોલીસ સ્ટેશનો શરૂ કરવાનું આયોજન અગાઉથી જ નિર્ધારિત હતું. આમ છતાં, સંબંધિત આઈ.ટી. સેલ કે ગૃહ વિભાગના સંલગ્ન વિભાગ દ્વારા લોકાર્પણની તારીખ પહેલાં જ આ બંને પોલીસ મથકોને ઓનલાઈન પોર્ટલ સાથે સાંકળી લેવાની તકેદારી રાખવામાં આવી ન હતી.

હાલ માત્ર વસ્ત્રાલ પોલીસ સ્ટેશન જ પોર્ટલ પર કાર્યરત છે અને ત્યાંની એફઆઇઆર ઓનલાઇન ઉપલબ્ધ થઈ રહી છે, પરંતુ મોટેરા અને હંસપુરા મથકોના નામોનો સમાવેશ ન થવાથી ટેક્નિકલ ટીમની ગંભીર બેદરકારી ઉજાગર થાય છે. નાગરિકોની માગ છે કે વહેલી તકે આ બંને પોલીસ સ્ટેશનોને ઓનલાઈન પોર્ટલ અને એપ્લિકેશન સાથે જોડવામાં આવે, જેથી સામાન્ય પ્રજાને આ અસુવિધામાંથી કાયમી મુક્તિ મળી શકે.