Ahmedabad

VIDEO| અમદાવાદ: ગરબામાં ખુરશી બાબતે મહિલાઓનો ઝઘડો, અદાવતમાં ચેરમેન-પોલીસકર્મી પર હુમલો, 2ની અટકાયત

By GS Team
16 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નવા નરોડા સર્જન સ્કાય ફ્લેટમાં નવરાત્રિ દરમિયાન ખુરશી બાબતે મહિલાઓની બોલાચાલીએ હિંસક સ્વરૂપ લીધું. સમાધાન કરાવવા ગયેલા ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ અને સોસાયટીના ચેરમેન અનિલ નાયક પર અસામાજિક તત્ત્વોએ જીવલેણ હુમલો કર્યો. લોહીલુહાણ હાલતમાં અનિલને હોસ્પિટલે ખસેડાયા. નરોડા પોલીસે CCTV ફૂટેજના આધારે 2 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમદાવાદ: ગરબામાં ખુરશી બાબતે મહિલાઓનો ઝઘડો, અદાવતમાં ચેરમેન-પોલીસકર્મી પર હુમલો, 2ની અટકાયત

Ahmedabad News: અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલા સર્જન સ્કાય ફ્લેટમાં 15 ઓક્ટોબરની રાત્રે નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખુરશીમાં બેસવા બાબતે બે મહિલાઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે સમાધાન કરાવવા ગયેલા સોસાયટીના ચેરમેન અને ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિલ નાયક પર બહારથી આવેલા અસામાજિક તત્ત્વોએ દંડા અને પંચ જેવા હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં ચેરમેનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નરોડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી બે આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગરબામાં ખુરશી બાબતે મહિલાઓનો ઝઘડો

નવા નરોડા સર્જન સ્કાય ફ્લેટમાં પરિવાર સાથે રહેતા અનિલ નાયક શહેર ટ્રાફિક પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને સોસાયટીના ચેરમેન પણ છે. 15 ઓક્ટોબરના રોજ સોસાયટીમાં ગરબાનું આયોજન ચાલુ હતું ત્યારે સોસાયટીમાં જ રહેતાં નિધિ લાડવા અને હીનાબહેન પંચાલ વચ્ચે ખુરશી લેવા બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન નિધિ લાડવાના પિતા છગનભાઈ પણ ત્યાં દોડી આવ્યા હતા. જો કે, સોસાયટીના સભ્યોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો અને સમાધાન કરાવ્યું હતું.

અદાવતમાં ચેરમેન-પોલીસકર્મી પર હુમલો

સમાધાન થયાની થોડી જ વારમાં બાઇક પર હિતેન્દ્ર લાડવા સહિત બે શખસો સોસાયટીમાં આવ્યા હતા અને નિધિ લાડવાનું ઉપરાણું લઈને ગાળાગાળી કરવા લાગ્યા હતા. ચેરમેન અનિલ અને સભ્યોએ તેમને સમજાવીને બહાર મોકલી દીધા હતા. જો કે, ગણતરીની મિનિટોમાં જ બે એક્ટિવા પર ચાર શખસો હાથમાં લાકડાના દંડા લઈને ગેટ પાસે પહોંચી ગયા હતા. તે પૈકી એક શખસે જાહેરમાં પોતાનું ટીશર્ટ કાઢી નાખી ગાળાગાળી કરી દંડા વડે અનિલ પર હુમલો કરી બે ફટકા મારી દીધા હતા.

2ની અટકાયત

હુમલાખોરો પૈકી અંશ લાડવા, મહાવીરસિંહ રાણા, કૃતાર્થસિંહ રાઓલ અને અન્ય એક શખસે સોસાયટીના પરિસરમાં ઘૂસીને મારામારી કરી હતી. અનિલ વચ્ચે પડીને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અંશ લાડવાએ તેના માથાના ભાગે પંચ જેવું તીક્ષ્ણ હથિયાર મારી દેતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સોસાયટીના રહીશો દોડી આવતાં હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નરોડા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફરિયાદના આધારે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.