Ahmedabad

નવરાત્રિના આયોજનથી અમદાવાદના અર્થતંત્રને 700 કરોડના વેપારનો બુસ્ટર ડૉઝ, 10 સ્થળોએ નવી માર્કેટ

By GS Team
11 Oct 20267 mins read
TukuTouch Logo
અમદાવાદમાં નવરાત્રિ 2026ની તૈયારીઓ પૂરજોશમાં છે. ખેલૈયાઓ ચણિયાચોળી, કેડિયા, આભૂષણો ખરીદવા બજારોમાં ઉમટી પડ્યા છે. પાર્ટી પ્લોટના પાસ માટે 250 કરોડનો ખર્ચ થશે. આ 10 દિવસના આયોજનોથી શહેરના અર્થતંત્રને 700 કરોડનો બૂસ્ટ મળશે. AI અને ફેસ-રેકગ્નિશન જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રિના આયોજનથી અમદાવાદના અર્થતંત્રને 700 કરોડના વેપારનો બુસ્ટર ડૉઝ, 10 સ્થળોએ નવી માર્કેટ

Ahmedabad Navratri 2026: આસોના ભણકારા વાગતા ખેલૈયાઓમાં વનગનાટ શરૂ થઈ ગયો છે. ચણિયાચોળી, કેડિયા, આભૂષણો ખરીદવા અમદાવાદના બજારોમાં ભીડ ઉમટી પડી છે. જ્યારે સોસાયટીઓમાં મંડપ, ડેકોરેશન, લાઈટિંગ લગાવી આધાશક્તિ માટે ચાચર ચોક તૈયાર કરાઈ રહ્યા છે. શેરી, મહોલ્લામાં બાળકો માટીમાંથી ગબ્બર બનાવી તેને આખરી ઓપ આપી રહ્યા છે. બીજી બાજુ ગરબા રસિકોમાં પાર્ટી પ્લોટના પાસનું સેટિંગ ક્યાંથી કરવું? તેવા આયોજનો ચાલે છે. ત્યારે માટીના ગરબામાં દીપ પ્રગટાવી આધાશક્તિની આરાધના કરવાની હજારો વર્ષ જૂની સહજ પરંપરા આજે ફક્ત પરંપરા રહી નથી. ચાચર ચોકમાં ખુલ્લા આકાશ નીચે ગરબે ઘુમવાથી શરૂ થયેલી આ પ્રણાલી હવે પાર્ટી પ્લોટ અને એસી ડોમના હાઈફાઈ ગરબા જેવા કરોડોના આયોજનો સુધી પહોંચી ગઈ છે.

શક્તિ અને ભક્તિનું આ પર્વ અમદાવાદના અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકી રહ્યું છે. નવરાત્રિમાં અમદાવાદ શહેરમાં ખેલૈયાઓ 250 કરોડ રૂપિયાના તો ફક્ત પાર્ટી પ્લોટના પાસ ખરીદે છે. આ સિવાય થીમ આધારિત સજાવટ, સ્ટેજ, લાઈટિંગ, ઓર્કેસ્ટ્રા, સાઉન્ડ સીસ્ટમ, ગાયક કલાકારો, સિક્યોરિટી, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, કેટરિંગ અને ખાણીપીણી જેવા તમામ વ્યવસાયોમાં દિવાળી જેવી રોનક આવી ગઈ છે. 10 દિવસના ફક્ત રાસગરબાના આયોજનો જે અમદાવાદના અર્થતંત્રને 700 કરોડ રૂપિયાનો બૂસ્ટર ડોઝ અને સેંકડોને રોજગારી આપી જાય છે.

લો ગાર્ડન અને માણેક ચોક સિવાય અન્ય 10 સ્થળે નવી માર્કેટ ખુલી

એક સમયે અમદાવાદ શહેરમાં લો ગાર્ડન અને માણેક ચોકમાં રાત્રિના હજારો પાસ ફ્રક્ત બે જ જગ્યાએ ચણિયાચોળીની બજાર ભરાતી હતી. પરંતુ આ વર્ષે નિકોલ, વસ્ત્રાલ, બોપલ સહિત 10થી 15 જગ્યાએ નવરાત્રિની સીઝનલ બજાર ભરાઈ છે. જ્યાં પખવાડિયાથી ખેલૈયાઓની ભીડ ઉમટી પડી છે. નવરાત્રીની એક સૌથી મોટી ખાસિયત તેનો પરંપરાગત પોશાક છે. સમય સાથે ઉજવણીની રીત બદલાઈ છે, પરંતુ આજના ફેશનેબલ યુગમાં પણ ચણિયાચોળી અને કેડિયાનો ક્રેઝ ઓવરગ્રીન છે. અલબત્ત, દર વર્ષે તેમાં અવનવા ટ્રેન્ડ અવશ્ય જોવા મળે છે. જેમ બધી વસ્તુઓમાં રિમિક્સ થઈ રહ્યું છે, તેમ દર વર્ષે જૂની ડિઝાઇન નવા લુક સાથે બજારમાં ધૂમ મચાવે છે. વર્ષો પહેલાં ચાલતી મિરર વર્ક અને કોડીવાળી ચણિયાચોળી આ વખતે નવા અંદાજમાં વેચાઈ રહી છે. શોર્ટ ચોળીના બદલે રાઉન્ડ કટ અને દોરીની લટકણવાળી લાંબી ચોળી તેમજ માતાજીના પગલાં, સાથિયાની ડિઝાઇનવાળા રોમન સિલ્કના ચણિયા યુવતીઓની પહેલી પસંદ બન્યા છે.

બજારમાં હાલ 2થી 5 હજાર રૂપિયાની ચણિયાચોળી સૌથી વધુ વેચાઈ રહી છે. આ સાથે કચ્છી ભરતવાળા કેડિયા અને કુર્તાની પણ માંગ જોવા મળે છે. માત્ર ગુજરાત કે ભારત જ નહીં, વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં ચણિયાચોળીના ઓર્ડર આવ્યા છે. આ સાથે જ નવ દિવસના નવ અલગ-અલગ ચણિયાચોળી ભાડે લેવાનો પણ ટ્રેન્ડ બની ગયો છે. આ વખતે શહેરમાં આશરે ત્રણ લાખથી વધુ ચણિયાચોળી વેચાઈ હોવાનો વિક્રેતાઓ અંદાજ સાધે છે. ચણિયાચોળી અને કેડિયા મોટાભાગે અમદાવાદ, સુરત, બોમ્બે અને દિલ્હીમાં તૈયાર થાય છે.

20261011-276066-1791661261.jpeg

ગરબા ગ્લો ટ્રેન્ડ: વિટામિન અને મિનરલ્સની બોટલ ચડાવવાનો ક્રેઝ

ગરબા માટે તૈયાર થવા બ્યુટીશિયન્સ પાસે નવ દિવસ 10થી 12 વર્ષની બાળકીઓથી લઈને 60 વર્ષના મહિલાઓની કતારો લાગે છે. ઉપરાંત આ વર્ષે તો ગરબા ગ્લો ટ્રેન્ડ બધાનું ધ્યાન ખેંચ્યું છે. નવ દિવસ ચહેરા પર ગ્લો રહે અને ગરબા રમવા માટે સ્ફૂર્તિ રહે તે માટે કેટલાક લોકો ગ્લોઇંગ ક્લિનિકમાં જઈ આઈવી ડ્રિપ ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. જેના માટે 12થી 15 હજાર રૂપિયા ચૂકવી ખેલૈયાઓ વિટામિન અને મિનરલ્સની બોટલ ચઢાવાવી રહ્યા છે.

100 વર્ષ કરતા વધારે સમયથી ચાલતી હાંસડી!

નેકલેસ, બુટ્ટી, નથ, ટીકો, કમરબંધ, કડાં, બંગડી, બાજુબંધની સાથે જ આજે પણ ગળામાં પહેરવાની હાંસડીનું ચલણ વધાયું છે. આમ તો હાંસડી એ ગુજરાત, રાજસ્થાન તથા મધ્ય પ્રદેશના કેટલાક સમુદાયોમાં સેંકડો વર્ષોથી પહેરાતું પરંપરાગત આભૂષણ છે. પરંતુ છેલ્લા કેટલાક દાયકાથી હાંસડી નવરાત્રિ સમયે ખેલૈયાઓની પણ પહેલી પસંદ બની છે.

સિલ્વર, ગોલ્ડન શેડની 'ડબલ ટોન' જ્વેલરી ટ્રેન્ડમાં

ખેલૈયાઓનો લૂક માત્ર ચણિયા-ચોળી કે કેડિયા પૂરતો સીમિત રહેતો નથી. ખેલૈયાઓના આકર્ષક પરિધાનને સંપૂર્ણ અને સોહામણો બનાવવા માટે આભૂષણની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ રહે છે. આમ તો નવરાત્રિની પરંપરાગત શ્રૃંગારમાં ઓક્સિડાઈઝ અને સિલ્વર જ્વેલરીનો દબદબો સદાબહાર રહ્યો છે. પરંતુ આ વર્ષે ફેશનના ફ્લડ પર એક નવો જ વળાંક જોવા મળી રહ્યો છે. આ વખતે સિલ્વર અને ગોલ્ડન શેડનું અદ્ભુત સંયોજન ધરાવતી 'ડબલ ટોન' જ્વેલરી ખેલૈયાઓની પ્રથમ પસંદ બની છે. ચાંદીના ચમકારા સાથે સોનાની મનોહર કાંતિ અને તેના પર કરેલું મીનાકારીનું કામ નેકલેસ, ઝુમખા, હાથના કડા, માથા પટ્ટી અને કમરબંધને અત્યંત કલાત્મક લૂક આપે છે. આસિવાય પ્લાસ્ટિક અને કાચની બંગડીઓ પર રંગબેરંગી રેશમી કાપડ, આભલા, ગોટા-પટ્ટી લપેટીને તૈયાર કરાયેલી બંગડીઓ હાથની શોભા વધારી રહી છે.

સંબંધોમાં શંકા, ગરબા ગ્રાઉન્ડમાં જાસૂસોની સંખ્યા વધી

આજના બદલાતા સમય સાથે ગરબાના મેદાનમાં સંતાનોને મોકલતા પહેલાં માતા-પિતાના મનમાં એક અલગ જ ચિંતા ઘેરાતી હોય છે. દીકરો કે દીકરી કોની સાથે રમવા જાય છે, તેની સાથે ફરતી વ્યક્તિનો સ્વભાવ કેવો છે, તેની સંગત કેવી છે તે જાણવા માટે હવે કેટલાક વાલીઓ જાસૂસી એજન્સીની મદદ લઈ રહ્યા છે. પ્રાઈવેટ ડિટેક્ટિવ શિવ શુક્લાના જણાવ્યાનુસાર, છેલ્લાં પાંચ વર્ષથી નવરાત્રિ સમયે જાસૂસની મદદ લેવાનું ચલણ ખૂબ વધ્યું છે. ખાસ કરીને એનઆરઆઈ પરિવારમાં આ પ્રકારની પૂછપરછ અને તપાસનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જે દંપતી છૂટાછેડાની કગાર પર હોય તેઓ સામેવાળા પાર્ટનર કોની સાથે અફેર ચાલે છે કે કેમ તે જાણવા પણ આ સમયે જાસૂસોની મદદ લે છે. આ વર્ષે ગુજરાતભરમાં નવરાત્રિ સમયે જાસૂસોની મદદ લેવાના કિસ્સામાં અંદાજે 50 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. આ ટ્રેન્ડ બદલાતા સમયથી સાથે વાલીઓની બદલાતી માનસિકતાનો પણ સંકેત આપે છે.

શ્વાન- બિલાડી માટે પણ ગરબાના કપડાંની ડિમાન્ડ

નવરાત્રિના એક મહિના પહેલાંથી જ ખેલૈયાઓ પોતાના કપડાં-આભૂષણની ખરીદીમાં લાગી જાય છે. પરંતુ હવે લોકો માત્ર પોતાના જ નહીં પરંતુ પોતાના પેટ્સભી માટે પણ કપડાં લેવાનું ચૂકતાં નથી. પાસ કરીને પાલતુ શ્વાન અને બિલાડી માટે લોકો 700થી લઈ 2500 રૂપિયા સુધીના કપડાં ખાસ નવરાત્રિ માટે ખરીદી રહ્યા છે.

લ્યો બોલો, હવે એઆઈ ખેલૈયાઓનો લૂક નક્કી કરશે

નવરાત્રિમાં સ્ટાઇલિંગ અને પરફેક્ટ લૂક મેળવવો એક મોટો ટાસ્ક બની જાય છે. પરંતુ હવે આ ઝંઝટમાંથી છૂટકારો મેળવવા લોકો વિવિધ એઆઈ ટૂલની મદદ લઈ રહ્યા છે. લોકો પોતાના કપડાં, ઓર્નામેન્ટ એઆઈને આપી તેમાંથી કેવો લૂક ક્રીએટ કરી શકાય, તેની સાથે કેવો મેકઅપ, કેવી હેર સ્ટાયલ કરવી તે અંગે મદદ લઈ રહ્યા છે.

પાસની ઝંઝટ મટી, એઆઈ અને કેમેરા એન્ટ્રી આપશે

સામાન્ય રીતે ગરબા ગ્રાઉન્ડ પર એન્ટ્રી લેવા માટે ટિકિટની પ્રિન્ટ આપવા ભાડ આયોજકો તેને સ્કેન કરીને એન્ટ્રી આપે છે. ભીડ હોવાના કારણે આ પ્રક્રિયા ખૂબ લાંબી અને સમય લેઈ લે છે. પરંતુ આ વર્ષે મોટાભાગના આયોજકો દ્વારા ફેસ- રેકગ્નિશન પ્રક્રિયા દ્વારા એન્ટ્રી આપવામાં આવશે. જેમાં ટિકિટ બુક કરાવતા સમયે પોતાનો ફોટો અપલોડ કરાશે. અને એન્ટ્રી સમયે તમારા ફેસનું બાયોમેટ્રિક લઈ એન્ટ્રી અપાશે.

પ્રિન્ટ, લાઈટ અને ડિઝાઇનવાળા દાંડિયાનું ચલણ

નવરાત્રિમાં હાથતાળીના ગરબા રમ્યા બાદ પણ ગરબાની રાત દાંડિયા રાસ વગર અધૂરી માનવામાં આવે છે. જે ને લઈ બજારમાં વિવિધ પ્રકારના દાંડિયાએ ધૂમ મચાવી છે. આ વર્ષે લાકડાના દાંડિયા પર ખેલૈયાઓ, ચણિયાચોળી, રાધા-કૃષ્ણની પ્રિન્ટ વાળા દાંડિયા ખૂબ ચલણમાં છે. સાથે જ લાઈટ્સવાળા અને મેટલના દાંડિયા પણ ખેલૈયાઓનાં પસંદ બન્યા છે.

લાઈટ્સ, કેમેરા, એકશન… ગરબા ગ્રાઉન્ડ પર રીલનો ક્રેઝ

રૂપેરી પ્રકાશ, ગુંજીઉઠતા ગંજૂર અને ઘનગનતા ઘેર સાથે આજે નવરાત્રિમાં ગરબાના તાલ સાથે સોશિયલ મીડિયા પર રીલનો ક્રેઝ પણ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. પોતાના મનોહર રાસ- ગરબાની એક-એક ક્ષણને જીવંત રાખવા ખેલૈયાઓ હવે પ્રોફેશનલ વીડિયોગ્રાફર અને એડિટરની મદદ લઈ રહ્યા છે. 500થી 2500 સુધીનો સરપંચ ખર્ચ કરીને લોકો પોશાક, સિનેમેટિક એંગલ અને મધુર સંગીતના સુમેળથી પોતાની યાદોને કેમેરાના કેમેરા કંડારી વાયરલ થવાનો રોમાંચ માણી રહ્યા છે.

દેશી ગુલાબના બદલે કાશ્મીરી ગુલાબના હારનો દબદબો

ફૂલને ભક્તિનું પવિત્ર અને સુંદર માધ્યમ ગણવામાં આવે છે. જેથી પૂજા-તહેવાર સમયે ફૂલ ચડાવવાની સાથે જ તેના દ્વારા સજાવટ કરવામાં આવે છે. નવરાત્રિની વાત કરીએ તો સૌથી વધુ ગુલાબ અને ગલગોટા વધુ વપરાય છે. તેમાં પણ દેશી ગુલાબના બદલે હવે કાશ્મીરી ગુલાબમાંથી બનતા માતાજી માટેના હાર વધુ લોકપ્રિય છે.

માતાજી માટે બીટ, લેસ, ઝરીવાળી ચુંદડી પ્રથમ પસંદ

આસમાનની રંગની ચૂંદડી રે, રુડી ચુંદડી રે… નવરાત્રિ શરૂ થતાં જ આ ગરબો દરેક ઘરમાં વાગે છે. પોતાના શણગારની સાથે જ માતાજીને પણ ચુંદડી ચડાવવાનું લોકો ભૂલતા નથી. શહેરની બજારોમાં લાલ, લીલા, પીળા, કેસરી, ગુલાબી, રાણી ગુલાબી, વાદળી રંગની ચુંદડીનું ધૂમ વેચાણ છે. આભલા, બીટ, લેસ, ઝરીવાળી એક ફુટથી લઈને ચાર ફુટ સુધીની ચુંદડી લોકોની પ્રથમ પસંદ છે.