VIDEO: અમદાવાદમાં દિવાળી ટાણે જ દારૂના વેચાણનો વીડિયો વાયરલ, લારી પર બિયર અને માતાજીની દેરી પાસે ખુલ્લેઆમ વેચાતો દેશી દારૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Illegal Liquor Sale Viral Video: દિવાળીને હવે એક બે દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે મોટાભાગના લોકો ખરીદીમાં વ્યસ્ત છે. અત્યારે માર્કેટમાં દારૂખાનું અને દારૂનું બંનેનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોય એવો એક કથિત વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, આ વીડિયો અમદાવાદના મેઘાણીનગરના અલગ અલગ વિસ્તારના હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના PIને પૂછતાં ફક્ત 'ઓકે, ઠીક' તેવું જણાવ્યું હતું. હવે આ વાઈરલ થયેલા વીડિયો પરથી પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.
અમદાવાદમાં દિવાળી ટાણે જ દારૂના વેચાણનો વીડિયો વાઈરલ
વાઈરલ વીડિયોમાં દેખાતા દ્રશ્યો મુજબ, ખુલ્લેઆમ દારૂના વેચાણનો વીડિયો મેઘાણીનગર અને તેની આસપાસના વિસ્તારોનો હોવાનું પ્રાથમિક રીતે ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં વરુણ રોહિદાસ ચાર રસ્તા, કલાપીનગર, રેલવે કોલોની નજીક આવેલી સાઈ બાબા સોસાયટી, નાગરાજ મદ્રાસીની ચાલી અને રામેશ્વર બ્રિજ નીચે આ બિન્દાસ વેપલો ચાલતો જોવા મળે છે. હદ તો ત્યારે થઈ જ્યારે એક વીડિયોમાં લારી પર જાહેરમાં બિયરના ટીન વેચાતા જોવા મળ્યા, તો અન્ય એક દ્રશ્યમાં માતાજીની ડેરી પાસે જ બેસીને એક શખસ ખુલ્લેઆમ દેશી દારૂની પોટલીઓ વેચી રહ્યો છે.
લારી પર બિયર અને માતાજીની દેરી પાસે ખુલ્લેઆમ વેચાતો દેશી દારૂ
આ સમગ્ર મામલે જ્યારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી તેમને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે માત્ર 'ઓકે, ઠીક છે' એવો ખૂબ જ સામાન્ય જવાબ આપ્યો હતો. પોલીસ અધિકારીના આવા વલણથી આશ્ચર્ય સર્જાયું છે. જાહેરમાં દારૂના વેચાણનો વીડિયો વાઈરલ થયાના સ્પષ્ટ પુરાવાઓ બાદ પોલીસ તંત્ર ખરેખર કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી આ મામલે પણ ભીનું સંકેલી લેવામાં આવશે, તે જોવું રહ્યું.




