Ahmedabad

અમદાવાદ મનપસંદ જીમખાના જુગાર કેસ: 10 આરોપીઓનો છૂટકારો, જામીન પર છૂટતાં જ મુખ્ય આરોપી ગોવિંદ પટેલની પાસા હેઠળ અટકાયત

By GS Team
8 Aug 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના દરિયાપુર 'મનપસંદ જીમખાના' જુગાર કેસમાં કોર્ટે મુખ્ય આરોપી ગામા ઉર્ફ ગોવિંદ પટેલ સહિત 9 આરોપીઓને ₹20,000ના શરતી જામીન પર મુક્ત કર્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) દ્વારા 187 આરોપીઓની ધરપકડ બાદ, પોલીસે 10 મુખ્ય આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર રાખ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ કોર્ટે જામીન આપ્યા, પરંતુ ગોવિંદ પટેલની 'પાસા' હેઠળ અટકાયત થતાં ફરી ચકચાર જાગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ મનપસંદ જીમખાના જુગાર કેસ: 10 આરોપીઓનો છૂટકારો, જામીન પર છૂટતાં જ મુખ્ય આરોપી ગોવિંદ પટેલની પાસા હેઠળ અટકાયત

Ahmedabad Manpasand Gymkhana Gambling Case: અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચર્ચાસ્પદ 'મનપસંદ જીમખાના' માંથી ઝડપાયેલા હાઈ-પ્રોફાઈલ જુગાર કૌભાંડમાં કોર્ટે આરોપીઓને રાહત આપી છે. જ્યુડિશયલ મેજિસ્ટ્રેટ એચ.ડી. રાજપરાની કોર્ટે મુખ્ય આરોપી ગામા ઉર્ફ ગોવિંદ પટેલ સહિત 9 આરોપીઓને 20 હજાર રૂપિયાના શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. જામીન મળ્યાની આ ઘટના બાદ પોલીસ અને આરોપીઓ વચ્ચે રોચક ઘટનાક્રમ જોવા મળ્યો હતો.

પોલીસની પકડ અને જામીનની સમગ્ર ઘટના પર એક નજર

ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC)ની ટીમે ગત રવિવારે મનપસંદ જીમખાના પર સપાટો બોલાવીને ગોવિંદ પટેલ સહિત કુલ 187 આરોપીઓની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી માટે પોલીસે 20 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જેમાંથી અગાઉ કોર્ટે 178 આરોપીઓને જામીન પર મુક્ત કર્યા હતા. જ્યારે ગોવિંદ પટેલ સહિતના 9 મુખ્ય આરોપીઓને 4 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા.

રિમાન્ડ પૂર્ણ થતાં જામીન અરજી

શનિવારે(8 ઓગસ્ટ) રિમાન્ડ પૂરા થતાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરી નહોતી. આ તકનો લાભ લઈને આરોપીઓના વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ જામીન અરજી કરી હતી. જેમાં વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીઓ 4 દિવસથી કસ્ટડીમાં છે, તેમની પાસેથી હવે કોઈ રિકવરી બાકી નથી અને આ ગુનામાં 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, જેથી ન્યાયના હિતમાં જામીન આપવા જોઈએ. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તમામ 9 આરોપીઓને 20 હજારના શરતી જામીન પર મુક્ત કર્યા હતા.

જામીન મળતા જ પોલીસની 'પાસા' કાર્યવાહી અને દોડધામ

મુખ્ય આરોપી ગોવિંદ પટેલ જેવો જામીન પર મુક્ત થયો કે તરત જ દરિયાપુર પોલીસે તેની 'પાસા' (PASA) ધારા હેઠળ અટકાયત કરી લીધી હતી. આ ઉપરાંત, કોર્ટ બહાર અન્ય આરોપીઓના સગા-સંબંધીઓએ પણ દોડાદોડી કરીને તેમને જે તે વાહનોમાં બેસાડીને રવાના થઈ જવાની ભારે ભાગમભાગ કરી હતી. કુખ્યાત જીમખાનામાં ઝડપાયેલા જુગારના આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પોલીસ અને આરોપીઓ વચ્ચેની આ લુકાછૂપી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

વધુ એક આરોપીના રિમાન્ડ નામંજરૂ, કોર્ટે જામીન પર મુક્ત કર્યો

મનપસંદ જીમખાનામાં ચાલતા હાઇ પ્રોફાઇલ જુગાર ધામના કેસમાં કેનેડા ભાગી ગયેલા કબુતર બાજ પંકજ ખત્રીના માસીના દીકરા અને 6 ગંભીર ગુનામાં સંડોવાયેલા સહ આરોપી બંદિશ અજયભાઈ ખત્રીની સ્ટેટ મોનિટરીંગ સેલે ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં ભાગેડુ પંકજ ખત્રીના કહેવાથી આરોપી બંદિશ અને ગોવિંદ પટેલ વચ્ચે જ્યાં મનપસંદ જીમખાના ક્લબ ચાલે છે. તે રેવા ભુવન બિલ્ડીંગનો એગ્રીમેન્ટ કરાર કર્યો હતો. જેમાં દર મહિને રૂ.1.50 લાખ આરોપી બંદિશ ખત્રી લેતો હતો અને બાકીના રૂપિયા ભાગેડુ પંકજ ખત્રીના કહેવાથી તેની પત્નીના ઘરે મોકલાવતો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં ગેરકાયદે કફ સીરપનું મોટું રેકેટ ઝડપાયું, રૂ.60 લાખથી વધુની 5,050 બોટલો જપ્ત

કેનેડામા બેઠેલા પંકજ ખત્રી અને બંદિશ મોબાઈલ ફોન પર વોટ્સએપ પર સતત સંપર્કમાં રહે છે. અને મનપસંદ જીમખાનામાં વર્ષોથી હાઈ પ્રોફાઈલ જુગારનો ધંધો ચલાવે છે. નવાઈની વાત એ છે કે, આ ગુનામા અગાઉ પકડાયેલા 9 આરોપીઓને કોર્ટે 4 દિવસના રિમાન્ડ આપ્યા હતા. જ્યારે શનિવારે આરોપી બંદિશને પોલીસે કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, આરોપી બંદિશ તરફે હાજર રહેલા ધારાશાસ્ત્રીએ રિમાન્ડ અરજીનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે, ક્લબની બિલ્ડીંગવાળી મિલકતના ત્રણ ભાગીદારે એગ્રીમેન્ટ કરાર કર્યો છે. જેમાં દર મહિને રૂ.60 હજાર પૈકી ભાડા પેટે રૂ.20 હજાર મળતા હતા. જુગારના અડ્ડા સાથે કોઈ લેવાદેવા નથી. આથી પોલીસની રિમાન્ડ અરજી ફગાવી દઈને જામીન પર મુક્ત કરવા જોઈએ. કોર્ટે બંને પક્ષકારોને સાંભળીને રિમાન્ડ અરજી નામંજૂર કરી આરોપીને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.