મધ્ય પ્રદેશ લેપા હત્યાકાંડ: ઓળખ છુપાવી ગુરુગ્રામમાં રહેતો ₹30 હજારનો ઇનામી આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Madhya Pradesh Lepa Massacre Case: મધ્ય પ્રદેશના મુરેના જિલ્લાના ચકચારી 'લેપા હત્યાકાંડ'માં છેલ્લા લાંબા સમયથી ફરાર અને 30 હજાર રૂપિયાનું ઇનામ ધરાવતો આરોપી રામુસિંહ ધીરસિંહ તોમરને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે હરિયાણાના ગુરુગ્રામમાંથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ આરોપી જુદા-જુદા રાજ્યોમાં પોતાની ઓળખ છુપાવીને નાસતો ફરતો હતો. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા આ આરોપીને મધ્ય પ્રદેશના સિહોનિયા પોલીસ સ્ટેશનને સોંપવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વર્ષો જૂના જમીન વિવાદની અદાવત 6 લોકોની હત્યા
મળતી માહિતી અનુસાર, વર્ષ 2023માં મધ્ય પ્રદેશના મુરેના જિલ્લાના ચંબલ વિસ્તારમાં આવેલા સિહોનિયા ગામના લેપા ગામમાં રણજીતસિંહ તોમરના પરિવારમાં દીકરીના લગ્ન પ્રસંગનો માહોલ હતો. આ પ્રસંગે એકત્ર થયેલા લોકો પર જૂની અદાવતમાં કેટલાક શખસોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 3 પુરુષો અને 3 મહિલાઓ સહિત એક જ પરિવારના કુલ 6 લોકોના મોત થયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.
આ ઘટના પાછળનું મુખ્ય કારણ વર્ષ 2013થી ચાલતો જમીનનો વિવાદ હતો. વર્ષ 2013માં વર્તમાન આરોપી રામુસિંહના બે કાકાઓ (શોભારણસિંહ અને વીરભદ્રસિંહ)ની હત્યા થઈ હતી. પોતાના કાકાઓની હત્યાનો બદલો લેવા માટે આશરે 10 વર્ષ બાદ લગ્ન પ્રસંગ ટાણે આ હત્યાકાંડ આચરવામાં આવ્યો હતો. આ મામલે સિહોનિયા પોલીસ સ્ટેશનમાં કુલ 9 જેટલા શખસો સામે ગુનો નોંધાયો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચનું સફળ ઓપરેશન
ઘટનાના દિવસથી જ મુખ્ય આરોપી રામુસિંહ સતત પોલીસ પકડથી બચવા માટે ભાગતો ફરતો હતો. તેના પર મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા 30 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું અને વિસ્તારમાં તેના ભારે ત્રાસના કારણે લોકો તેના વિશે માહિતી આપતા પણ ડરતા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આ ગુનાનો ફરાર આરોપી હાલ ગુરુગ્રામના ગોપાલપુર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં કામ કરે છે. આ ઇનપુટના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે ગઢી-હરસરુ રોડ પર સતત વોચ ગોઠવીને આ ઇનામી આરોપીને દબોચી લીધો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી હત્યાકાંડને અંજામ આપ્યા બાદ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં ઓળખ છુપાવીને ક્યારેક સિક્યોરિટી ગાર્ડ તો ક્યારેક છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને છેલ્લા 1 વર્ષથી ગુરુગ્રામમાં છુપાઈને રહેતો હતો.
મધ્ય પ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ
આ આરોપીને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમ ઘણાં સમયથી સઘન વોચ રાખવામાં આવી હતી. પીએસઆઈ સિસોદિયા અને ઇન્સ્પેક્ટર ઘાસુરા તથા તેમની ટીમ દ્વારા 7 દિવસ સુધી સતત સાવચેતીપૂર્વક આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. હાલ મધ્ય પ્રદેશ પોલીસની એસ.આઈ.ટી. (SIT) ની ટીમ અમદાવાદ આવી પહોંચી છે, અને પકડાયેલા આરોપી રામુસિંહને આગળની તપાસ અર્થે તેમને હેન્ડઓવર કરવામાં આવી રહ્યો છે. એસ.આઈ.ટી. દ્વારા આ હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને અન્ય ફરાર આરોપીઓની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.




