અમદાવાદ: સાબરમતી નદીમાંથી 108 પવિત્ર કળશમાં જળ લાવી ભગવાન જગન્નાથને જળાભિષેક કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Jal Yatra: અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે (29મી જૂન) પરંપરાગત ‘જળયાત્રા મહોત્સવ’નો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થઈ ગયો છે. જગન્નાથ મંદિર દ્વારા આયોજિત આ જળયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ લાખો ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે.

પૂર્વે સાબરમતીના જળથી ભગવાનને જળાભિષેક કરાયો
પરંપરા અનુસાર, સાબરમતી નદીમાંથી લાવવામાં આવેલા પવિત્ર જળ દ્વારા ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરના મહંત અને અન્ય સાધુ-સંતોની ઉપસ્થિતમાં વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે ભગવાનને ભગવાનનો જળાભિષેક કર્યો હતો.

ભુદરના આરેથી લવાશે પવિત્ર જળ, ભગવાનના થશે ગજવેશ દર્શન
આજે સવારે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતેથી વિધિવત રીતે જળયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે. આ યાત્રામાં બળદગાડા પર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ ભદ્રજી (બળદેવજી)ને બિરાજિત કરવામાં આવ્યા છે. યાત્રામાં ગજરાજ, ઘોડાગાડી, ધ્વજ-કળશ સાથે કાવડિયો અને અખાડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતું. આ જળયાત્રા સાબરમતી નદીના કિનારે આવેલા સોમનાથ ભૂદરના આરે પહોંચશે. જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે સાબરમતી નદીનું પવિત્ર જળ 108 કળશમાં ભરીને મંદિરે લાવવામાં આવશે. ત્યારબાદ ભગવાનનો ભવ્ય જળાભિષેક કરાશે અને ભગવાન ભક્તોને વિશેષ 'ગજવેશ'માં દર્શન આપશે.

500થી વધુ પોલીસકર્મીઓ તહેનાત
જળયાત્રાના સમગ્ર રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 500થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડ્સના જવાનો તૈનાત કરાયા છે. રથયાત્રા અને જળયાત્રાના બંદોબસ્તમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આખા રૂટનું ઝીણવટભર્યું ફુલ-સ્કેલ રિહર્સલ પણ યોજવામાં આવ્યું હતું. સમગ્ર રૂટ પર સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી પણ તીક્ષ્ણ નજર રાખવામાં આવી રહી છે.

પોલીસ અને મંદિર ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ, આગામી 16મી જુલાઈએ યોજાનારી ભવ્ય રથયાત્રા પૂર્વેનો આ જળયાત્રા ઉત્સવ એકદમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દિવસ-રાત કાર્યરત છે.









