Ahmedabad

VIDEO| નવરાત્રિમાં લુપ્ત થતી પરંપરાનો જીવંત વારસો: અમદાવાદના કોટ વિસ્તારમાં આજે પણ બિરાજે છે 'મલ્લા માતા'

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં નવરાત્રિ પર્વ દરમિયાન પોળો અને જૂની સોસાયટીઓમાં 'મલ્લા માતા' સ્થાપવાની પરંપરા આધુનિકતાના કારણે લુપ્ત થતી જાય છે. જોકે, પશ્ચિમ અમદાવાદના મીઠાખળી ગામના ખારાવાડા માર્ગ પર આવેલું 'જય અંબે યુવક મંડળ' છેલ્લા 25 વર્ષથી આ પરંપરા જીવંત રાખી રહ્યું છે. આ વર્ષે તેમણે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' અને પહાડી મંદિરની આકર્ષક થીમ પર મોટા કદના મલ્લા માતા તૈયાર કર્યા છે. નવ દિવસ સવાર-સાંજ મહાઆરતી યોજાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| નવરાત્રિમાં લુપ્ત થતી પરંપરાનો જીવંત વારસો: અમદાવાદના કોટ વિસ્તારમાં આજે પણ બિરાજે છે 'મલ્લા માતા'

Malla Mata Tradition Ahmedabad: નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન અમદાવાદની ઓળખ સમી પોળો અને જૂની સોસાયટીઓમાં નવ દિવસ સુધી 'મલ્લા માતા'ની સ્થાપના કરવાની એક વિશેષ પરંપરા હતી. બદલાતા સમય સાથે અને આધુનિકતાના દોડમાં આ અનોખી લોકપરંપરા હવે લુપ્તતાના આરે પહોંચી છે. આમ છતાં, કોટ વિસ્તારની કેટલીક પોળો અને સોસાયટીઓએ આ વારસાને આજે પણ જીવંત રાખ્યો છે, જેમાંથી એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પશ્ચિમ અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં જોવા મળી રહ્યું છે.

મીઠાખળીમાં 25 વર્ષથી જળવાઈ રહી છે પરંપરા

અમદાવાદના મીઠાખળી ગામના ખારાવાડા માર્ગ પર આવેલું 'જય અંબે યુવક મંડળ' છેલ્લા 25 વર્ષથી સતત પરંપરાગત રીતે મલ્લા માતાની સ્થાપના કરી રહ્યું છે. આજકાલ ઘણા વિસ્તારોમાં સમયના અભાવે નાના કદના મલ્લા માતા બનાવવામાં આવે છે, પરંતુ જય અંબે યુવક મંડળના આશિષભાઈ ઠાકોર અને તેમની ટીમ આજે પણ જૂની પદ્ધતિથી પરંપરાગત અને મોટા કદના મલ્લા માતા તૈયાર કરે છે.

આ વર્ષે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' અને પહાડી મંદિરની થીમ

આ મંડળ દ્વારા દર વર્ષે અનોખી અને આકર્ષક થીમ આધારિત શણગાર કરવામાં આવે છે. આ નવરાત્રિમાં તેમણે પહાડ બનાવી તેના પર મંદિરની સ્થાપના કરી છે અને તેને વિવિધ પ્રકારના આકર્ષક રમકડાં અને સુશોભનની વસ્તુઓથી સજાવ્યું છે. આ શણગારમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની પ્રતિકૃતિ બન્યું છે.

આ ઉપરાંત, શહેરના અન્ય એક વિસ્તારમાં સોનેરી પર્વત પર માતાજી બિરાજમાન હોય તેવા દ્રશ્ય સાથેના મલ્લા માતાની સ્થાપના પણ કરવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણ જમાવી રહી છે.

નવ દિવસ સવાર-સાંજ ભક્તિમય મહાઆરતી

નવરાત્રિના આ નવેય દિવસ દરમિયાન આ મલ્લા માતાના સ્થાનકે સવાર અને સાંજ એમ બંને ટાઈમ શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય આરતી કરવામાં આવે છે. આસપાસના રહીશો તેમજ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થઈને માતાજીના આશીર્વાદ મેળવે છે અને પોતાની પ્રાચીન સંસ્કૃતિના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.