Ahmedabad

રાજ્યની તમામ લેબર અને ઈન્ડસ્ટ્રિયલ કોર્ટના વકીલો પણ હડતાળે, કેમ કરી રહ્યા છે વિરોધ?

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં નવા લેબર કોડની વિવાદાસ્પદ જોગવાઈઓના વિરોધમાં રાજ્યભરના લેબર અને ઇન્ડસ્ટ્રિયલ કોર્ટના વકીલો આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. કેન્દ્ર સરકારે 21 નવેમ્બર 2025થી લાગુ કરેલા આ કોડમાં કોર્ટોની સત્તા વહીવટી અધિકારીઓને અપાતા હજારો મજૂર કેસો ઠપ થયા છે. વકીલોએ દેખાવો યોજી રોષ વ્યક્ત કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યની તમામ લેબર અને ઈન્ડસ્ટ્રિયલ કોર્ટના વકીલો પણ હડતાળે, કેમ કરી રહ્યા છે વિરોધ?

New Labor Code Protest Gujarat : ગુજરાતમાં ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યભરના વકીલોની હડતાલ માંડ માંડ સમેટાઈ છે ત્યાં તો નવા લેબર કોડની વિવાદાસ્પદ જોગવાઈઓના વિરોધમાં ગુજરાત રાજ્યની તમામ લેબર કોર્ટો અને ઇન્ડસ્ટ્રિયલ કોર્ટોના વકીલો આજથી અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. જેના કારણે ગરીબ મજૂરો, રોજમદારો, કામદારોના હજારો કેસોને અસર થઈ છે અને લેબર કોર્ટો તેમજ ઇન્ડસ્ટ્રિયલ કોર્ટોમાં ન્યાયિક કામગીરી બિલકુલ ઠપ થઈ ગઈ છે. બીજીબાજુ, અચોક્કસ મુદતના હડતાલના પહેલા દિવસે આજે વકીલોએ દેખાવો, ધરણાં અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજ્યો હતો.

નવો કાયદો લાગુ

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ચાર નવા લેબર કોડ સત્તાવાર રીતે 21 નવેમ્બર 2025થી લાગુ કરી દેવામાં આવ્યા છે, અને ગુજરાત સરકાર તેના તમામ નિયમો ફાઇનલ કરી અમલમાં આવ્યા છે, જેમાં વેતન સંહિતા, સામાજિક સુરક્ષા સંહિતા, દૌગિક સંબંધ સંહિતા અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્ય પરિસ્થિતિઓ સંહિતાનો સમાવેશ થાય છે.

મુખ્ય સત્તાઓ અધિકારીઓ પાસે

નવા લેબર કોડમાં હવે મુખ્ય સત્તાઓ લેબર કોર્ટો અને ઇન્ડસ્ટ્રિયલ કોર્ટો પાસેથી છીનવી લઈ સરકારના વહીવટી અધિકારીઓને આપી દેવાઈ છે, જેના પરિણામે રાજ્યભરના લેબર કોર્ટ પ્રોટેક્શનર્સ અને ઇન્ડસ્ટ્રિયલ કોર્ટના વકીલોમાં ઉગ્ર રોષ અને નારાજગીની લાગણી ફેલાઈ ગઈ છે. જૂની પદ્ધતિમાં, વિવિધ મજૂર કાયદાઓ અન્વયે દાખલ થતાં તમામ કેસો ચલાવીને પૂરા કરવાની સત્તા માત્ર મજૂર અદાલતો પાસે હતી પરંતુ નવા લેબર કોડની વિવાદાસ્પદ જોગવાઈમાં કોર્ટો પાસેથી આ સત્તા અને અધિકાર છીનવી લઈ લેબર ડિપાર્ટમેન્ટના વહીવટી અધિકારીઓને આપી દેવાઈ છે, જે પૂરતી લાયકાત કે ન્યાયિક કેસો ચલાવવાનો અનુભવ સુદ્ધાં ધરાવતા નથી.

લેબર ડિપાર્ટમેન્ટમાં જગ્યાઓ ખાલી હોવાના ગંભીર પ્રશ્નો

બીજી સૌથી નોંધનીય વાત એ છે કે, સરકારના લેબર ડિપાર્ટમેન્ટમાં મોટાપાયે જગ્યાઓ ખાલી છે. ડેપ્યુટી લેબર કમિશનર અને આસિસ્ટન્ટ લેબર કમિશનરો એકથી વધુ સ્થળના ઇન્ચાર્જ તરીકે કામના બોજા હેઠળ કામ કરી રહ્યા છે. વળી, સરકાર ઘણું કામ તો આઉટસોર્સિંગથી કરાવે છે. માંડ 30 થી 40 ટકાની ક્ષમતા સાથે ડિપાર્ટમેન્ટમાં કામગીરી ચાલી રહી છે, તેની પર પહેલેથી જ અસરો પડી રહી છે ત્યાં લેબર કોર્ટો અને ઇન્ડસ્ટ્રિયલ કોર્ટોની કામગીરી તેમને આપવામાં આવી છે તો એ કેવી રીતે પહોંચી વળાશે અને કદાચ જો કામગીરી કરે તો વહીવટી કામગીરી કરનાર અધિકારીઓની શું ન્યાયિક કામગીરી કરતા આવડશે…?? તે સહિતના બહુ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે કારણ કે, આ ગરીબ મજૂરો, રોજમદારો અને કામદારોના હિત, અધિકાર અને અસ્તિત્વની લડાઈના પ્રશ્નો હોય છે.