'હાથ-પગ ભાંગી નાખીશ, દોરડે ટીંગાડી દઈશ...', અમદાવાદના ખાડિયામાં મંદિરે દર્શન-આરતી કરવા બાબતે ધમકી, 2 સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના શાહપુર-ખાડિયા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ખાડિયાની માંડવી પોલસ્થિત રામજી મંદિરમાં દર્શન કરવા અને પૂજાના સમય બાબતે થયેલી નજીવી બોલાચાલીએ ભારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સમય બાબતે થયેલી તકરાર બાદ બે શખસોએ હાથ-પગ ભાંગી નાખવાની અને દોરડા વડે ટીંગાડી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ખાડિયામાં મંદિરે દર્શન-આરતી કરવા બાબતે ધમકી
બનાવની વિગત અનુસાર, ખાડિયાની માંડવી પોળમાં રહેતા અને ઘરેથી જ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સેવા આપતા 58 વર્ષીય શૌલિન હરિવદનભાઈ લી ગત 28 ઓગસ્ટના રોજ બપોરે માંડવી પોળ સ્થિત રામજી મંદિરે દર્શન કરવા ગયા હતા. આ સમયે ઘોડાસર-ઈસનપુર વિસ્તારમાં રહેતો રાકેશભાઈ રાવળ નામનો શખસ પણ ત્યાં આવ્યો હતો.
'હાથ-પગ ભાંગી નાખીશ, દોરડે ટીંગાડી દઈશ…'
ફરિયાદીના જણાવ્યા મુજબ, રાકેશ રાવળને દર્શન અને પૂજા માટે આરતીના સમયે આવવા અંગે જણાવતાં તે ઉશ્કેરાઈ ગયો હતો. રાકેશે મંદિર પરિસરમાં જ હાજર શ્રદ્ધાળુઓ સાથે ઉચ્ચા અવાજે અસભ્ય વર્તન કરી ઝઘડો શરૂ કર્યો હતો. એટલું જ નહીં, રાકેશે લોકોને ફોન કરીને બોલાવી લેવાની અને હાજર લોકોના હાથ-પગ ભાંગી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી.
ત્યારબાદ દર્શન કરીને બહાર નીકળતી વખતે રાકેશે ફરિયાદી શૌલિનભાઈ અને અન્ય લોકોને દોરડા વડે ટીંગાડી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સિવાય દર્શન નામના અન્ય એક અજાણ્યા શખસ સાથે મળીને આ બંને જણાએ પોળના રહીશોમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.
ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે, રાકેશ રાવળનો મોટો ભાઈ પોળમાં જ રહેતો હોવાથી તે વારંવાર મંદિરે દર્શન કરવા આવે છે. આ અંગે શૌલિને ખાડિયા પોલીસ મથકે રાકેશ રાવળ અને દર્શન નામના શખસ સામે રજૂઆત કરતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




