VIDEO| અમદાવાદ: દિવાળી વેકેશનમાં પ્રવાસીઓથી ઊભરાયું કાંકરિયા, 3 દિવસમાં 1.57 લાખ લોકોએ માણી મજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kankaria Lake Visitors Surge On Diwali: દિવાળી વેકેશન દરમિયાન અમદાવાદના લોકપ્રિય પર્યટન સ્થળ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. 9થી 11 નવેમ્બર દરમિયાન માત્ર ત્રણ દિવસમાં 1,57,690 લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી હતી. ખાસ વાત એ છે કે, ગયા મહિને એટલે કે ઑક્ટોબરની આ જ તારીખો દરમિયાન ત્રણ દિવસમાં માત્ર 34,063 મુલાકાતીઓ નોંધાયા હતા. આમ, એક જ મહિનામાં આ ત્રણ દિવસની મુલાકાતીઓની સંખ્યામાં 1,23,627નો વધારો થયો છે, જે ટકાવારીમાં આશરે 363 ટકાનો ઉછાળો દર્શાવે છે. એટલે કે નવેમ્બરમાં મુલાકાતીઓની સંખ્યા ઓક્ટોબરની સરખામણીએ 4.63 ગણી થઈ હતી.
દિવાળી વેકેશનમાં પ્રવાસીઓથી ઊભરાયું કાંકરિયા
મુલાકાતીઓના આંકડા પર નજર કરીએ તો 9 નવેમ્બરે સોમવાર હોવા છતાં કોર્પોરેશન દ્વારા કાંકરિયા પરિસર મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવ્યુ હતુ. આ દિવસે 28,572 લોકોએ મુલાકાત લીધી હતી. તેની સામે 9 ઑક્ટોબરે માત્ર 5,941 મુલાકાતીઓ નોંધાયા હતા. એટલે કે એક મહિનામાં આ તારીખે મુલાકાતીઓની સંખ્યામાં 381 ટકાથી વધુનો વધારો થયો હતો.
10 નવેમ્બરે કાંકરિયામાં સૌથી વધુ ધસારો જોવા મળ્યો હતો. આ દિવસે 67,097 લોકોએ મુલાકાત લીધી હતી, જ્યારે 10 ઑક્ટોબરે 10,522 મુલાકાતીઓ આવ્યા હતા. આમ, એક જ મહિનામાં આ તારીખે મુલાકાતીઓની સંખ્યામાં આશરે 538 ટકાનો વધારો નોંધાયો હતો. ત્રણ દિવસના કુલ આંકડામાં આ દિવસનો હિસ્સો સૌથી વધુ રહ્યો હતો. 11 નવેમ્બરે પણ 62,021 મુલાકાતીઓ નોંધાયા હતા. તેની સામે 11 ઓક્ટોબરે 17,600 લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી હતી. એટલે કે આ તારીખે પણ મુલાકાતીઓની સંખ્યામાં આશરે 252 ટકાનો વધારો થયો હતો.
સામાન્ય દિવસોમાં 6થી 17 હજાર મુલાકાતીઓ આવતા હોય છે
સામાન્ય દિવસોમાં કાંકરિયા લેકફ્રન્ટ ખાતે દરરોજ 6 હજારથી 17 હજાર જેટલા મુલાકાતીઓ આવતા હોય છે. જો કે, દિવાળી વેકેશન દરમિયાન આ સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો હતો. ખાસ કરીને 10 અને 11 નવેમ્બરના રોજ સતત બે દિવસ 60 હજારથી વધુ સહેલાણીઓ કાંકરિયા પહોંચ્યા હતા. કોર્પોરેશન દ્વારા 9 નવેમ્બરે સોમવાર હોવા છતાં કાંકરિયા ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.
પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા સહિતના આકર્ષણો મુલાકાતીઓમાં મુખ્ય રહ્યા
કાંકરિયા ખાતે આવેલું પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, નોક્ટર્નલ ઝૂ, અટલ એક્સપ્રેસ ટ્રેન, બટરફ્લાય પાર્ક અને વિવિધ એમ્યુઝમેન્ટ રાઇડ્સ બાળકો તથા પરિવારો માટે મુખ્ય આકર્ષણ રહ્યાં હતાં. દિવાળી વેકેશનના કારણે અમદાવાદ ઉપરાંત બહારગામથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ કાંકરિયા પહોંચ્યા હતા. મુલાકાતીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સ્વચ્છતા, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપન પર ધ્યાન આપવામાં આવ્યુ હતુ.




