અમદાવાદ રેલવે સ્ટેશન પર ચામાં નશાકારક પદાર્થ ભેળવી મહારાષ્ટ્રના વેપારી સાથે ઠગાઈ, સોનાની ચેઇન અને બેંક ટ્રાન્સફર મારફતે લૂંટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Kalupur Railway Station Robbery Case: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મહારાષ્ટ્રના ઈલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરને એક અજાણ્યા યુવકે પગાર ન મળ્યાની ખોટી વિતકકથા સંભળાવી મિત્રતા કેળવી હતી. આ દરમિયાન યુવકે કોન્ટ્રાક્ટરને ચા અપાવવાનું કહ્યું હતું. જો કે, ચા પીધા બાદ કોન્ટ્રાક્ટર અચાનક બેભાન જેવી સ્થિતિમાં આવી ગયા હતા. તેવામાં યુવક સહિતના બે અજાણ્યા શખસોએ કોન્ટ્રાક્ટરની સોનાની ચેઇન અને બેંક ટ્રાન્સફર મારફતે લૂંટ કરી ઠગાઈ આચરી હોવાની ફરિયાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચામાં નશાકારક પદાર્થ ભેળવી મહારાષ્ટ્રના વેપારી સાથે ઠગાઈ
આ ઘટના 7 સપ્ટેમ્બરે સવારે 8.45 વાગ્યે ઘટી હતી, જ્યારે ઈલેક્ટ્રિકલ ફિટિંગના કામ અર્થે અમદાવાદ આવેલા ફરિયાદી જયપ્રકાશ શિવમણિ જટ, પોતાના કારીગર ક્રિશ્નાકાંત કમલેશ યાદવ સાથે મહારાષ્ટ્ર જતી ટ્રેન પકડવા માટે રેલવે સ્ટેશન પર રાહ જોઈ રહ્યા હતા.
સોનાની ચેઇન અને બેંક ટ્રાન્સફર મારફતે લૂંટ
રેલવે સ્ટેશનના સીડીઓ પાસે આશરે 25 વર્ષની વયના યુવકે ફરિયાદી પાસે આવીને પોતાનું નામ રાજેશ યાદવ જણાવ્યું હતું. રાજેશે ફરિયાદીને જણાવ્યું હતું કે તેના શેઠે તેને માર માર્યો છે અને તેનો પગાર પણ અટકાવી રાખ્યો છે. રાજેશે પોતાની બેગમાં રોકડ રકમના બંડલો બતાવીને એવો દાવો કર્યો હતો કે તેની પાસે આશરે ₹2 લાખ છે, પરંતુ તે જાહેરમાં ઉપાડી કે નાણાકીય વ્યવહાર કરી શકે તેમ નથી.
શું હતી સમગ્ર ઘટના?
ત્યારબાદ રાજેશે ફરિયાદીને ચા અને પાણી અપાવવા માટે વિનંતી કરી હતી. ફરિયાદી રાજેશ સાથે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન 20-22 વર્ષની વયનો અન્ય એક યુવક ત્યાં આવી પહોંચ્યો હતો અને ફરિયાદીને ચેતવ્યા હતા કે, રાજેશ પાસે મોટી રકમ હોવાથી તે લૂંટાઈ શકે છે. એટલે ફિયાદીને વાતમાં લઈને આરોપી યુવકે રેલવે સ્ટેશન બહાર ઈ-ગેટ નજીકની એક ચાની કિટલી પર જવા માટે રાજી કર્યા હતા.
ચા પીધા બાદ ફરિયાદીને અચાનક માથું ભારે થયુ
ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે, તે, રાજેશ અને બીજો યુવક ચાની કિટલી પર ગયા હતા, જ્યારે તેમનો કારીગર નજીકમાં જ ઉભો રહ્યો હતો. ચા પીધા બાદ ફરિયાદીને અચાનક માથું ભારે લાગવા માંડ્યું હતું અને તેઓ બેભાન જેવી સ્થિતિમાં આવી ગયા હતા. તેમની આ સ્થિતિનો લાભ ઉઠાવીને બંને શખસો તેમણે પહેરેલી સોનાની ચેઇન અને મોબાઇલ ફોન કાઢીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ફરિયાદીએ આરોપીઓ સામે જ પોતાના મોબાઇલ ફોનનો પાસવર્ડ એન્ટર કર્યો હતો. આ જ પાસવર્ડનો ઉપયોગ કરીને આરોપીઓએ તેમના ગૂગલ પે એકાઉન્ટનો એક્સેસ મેળવ્યો હતો, જે બાદ તેમની યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકના એકાઉન્ટમાંથી વિવિધ એકાઉન્ટ્સમાં ₹77,086 ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ પણ વાંચો: 'વંદે માતરમ્'ના વિવાદ અંગે ઈમરાન ખેડાવાલાએ આપ્યો જવાબ, ભાજપે ગણાવ્યું દેશનું અપમાન
ફરિયાદના એક વિભાગમાં સોનાની ચેઇનની કિંમત આશરે ₹75,000 દર્શાવવામાં આવી છે, જ્યારે અન્ય વિભાગમાં તે ₹2.75 લાખ હોવાનું ઉલ્લેખાયું છે. આ ઉપરાંત મોબાઇલ ફોનની કિંમત ₹15,000 અને બેંક ટ્રાન્સફરના ₹77,086 નોંધવામાં આવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન ચોક્કસ કિંમત અને કુલ થયેલા નુકસાનનો આંકડો સ્પષ્ટ કરે તેવી શક્યતા છે.




