Ahmedabad

‘પોલીસ વર્દી પહેરે એટલે કાયદાથી ઉપર નથી...’ આરોપીઓના સરઘસ કાઢવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
પોલીસ દ્વારા જાહેરમાં આરોપીઓને માર મારવા અને સરઘસ કાઢવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અવમાનના અરજી દાખલ થઈ છે. 21 જૂને દારૂના કેસમાં 16-17 વર્ષના સગીરને 3 દિવસ ગેરકાયદે કસ્ટડીમાં રાખી, અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો. સુપ્રીમ કોર્ટના આદેશોનો ભંગ થતાં હાઇકોર્ટે પોલીસ પાસેથી તમામ વિગતો માંગી, વધુ સુનાવણી ગુરુવારે થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘પોલીસ વર્દી પહેરે એટલે કાયદાથી ઉપર નથી...’ આરોપીઓના સરઘસ કાઢવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન

Contempt Petition in Gujarat HC Over Police Public Parading and Custodial Violence : કોઈ પણ ગુનાના આરોપીને પોલીસે જાહેરમાં માર મારવો અને તેનું સરઘસ કાઢવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં, ગુજરાતમાં આવા બનાવો રોજિંદા થઈ રહ્યા છે. આ ગંભીર બાબતે ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પટ પિટિશન એટલે કે અદાલતન અવમાનનાની અરજી દાખલ કરાઈ છે. આ અરજીમાં રજૂઆત કરાઈ છે કે, ‘પોલીસ વર્દી પહેરે તેનો અર્થ એ નથી કે તે કાયદાથી ઉપર કે વધુ શક્તિશાળી છે. જાહેરમાં માનવ અધિકારોનું હનન કરીને કોઈને માર મારવો એ અત્યંત અપમાનજનક છે.’

16-17 વર્ષના સગીરને કસ્ટડીમાં ક્રૂરતાપૂર્વક ઢોર માર

અરજદાર આરોપી પક્ષે કોર્ટને રજૂઆત કરતા જણાવ્યું છે કે, ‘ગત 21 જૂનના રોજ દારૂના એક કેસમાં 16થી 17 વર્ષની વયના સગીર બાળકની ધરપકડ કરાઈ હતી. તેને સતત 3 દિવસ સુધી ગેરકાયદે રીતે પોલીસ કસ્ટડીમાં પૂરી રખાયો હતો. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરાયો, ત્યારે કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. સગીરના પિતાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ કસ્ટડીમાં તેમના પુત્ર પર અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો. સગીરના શરીરના વિવિધ ભાગો પર તીક્ષ્ણ હથિયાર/ઘાના નિશાનો મળ્યા હોવાના પુરાવા પણ છે.

કલમ 151 હેઠળ 3 દિવસ જેલમાં ન રખાયઃ સુપ્રીમ કોર્ટના આદેશોનો ભંગ

આરોપી પક્ષે દલીલ કરી હતી કે સીઆરપીસી કલમ 151 હેઠળ કોઈ પણ વ્યક્તિને 3 દિવસ સુધી કસ્ટડીમાં ના રાખી શકાય. જો કે, સગીરને 3 વખત કલમ 151 હેઠળ અટકાયતમાં લઈ ગેરકાયદે રખાયો હતો. એટલું જ નહીં, જાહેરમાં તેનું સરઘસ પણ કઢાયું હતું, જે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનો અનાદર છે. સામે પક્ષે પોલીસે બચાવ કરતા જણાવ્યું હતું કે, જામીન આપી દેવાયા હોવાથી માર મારવાનો પ્રશ્ન ઊભો થતો નથી.

સરઘસ કાઢીને માફી માગવાથી બનાવો અટકશે?: હાઇકોર્ટ

આ અરજી બાદ પોલીસે ગુજરાત હાઇકોર્ટમાં માફી માગી હતી. પરંતુ અરજદારે સવાલ કર્યો છે કે, શું પોલીસ સરઘસ કાઢીને બાદમાં માત્ર માફી માગી લેવાથી આવા બનાવો બનતા અટકશે? આ મામલાની ગંભીરતા જોઈ હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે સગીરની કયા સમયે ધરપકડ કરાઈ હતી અને તેને કેટલો સમય કસ્ટડીમાં રખાયો હતો.

હાઇકોર્ટે તમામ ચોંકાવનારી વિગતો મગાવી, વધુ સુનાવણી ગુરુવારે

આ મામલે ગુજરાત હાઇકોર્ટે પોલીસ તંત્ર પાસે બનાવની શરૂઆતથી લઈને આરોપીને મુક્ત કરાયો, ત્યાં સુધીની તમામ વિગતો અને ટાઈમલાઈન કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી આગામી ગુરુવારે મુકરર કરાઈ છે.