અમદાવાદ: વેપારીનો વિશ્વાસ કેળવી ₹87 લાખની છેતરપિંડી, જડતર કામના બહાને સોનાના સેટ લઈ દંપતી સહિત 3 ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Jewellery Fraud: અમદાવાદ શહેરના સીજી રોડ પર જ્વેલરીનો શોરૂમ ધરાવતા પ્રહલાદનગરના વેપારી સંજય શાહ સાથે નવા વાડજના ત્રણ વેપારીઓએ જડતર કામના નામે રૂ.87.81 લાખની કિંમતના 17 સોનાના સેટ મેળવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ‘એસ.એસ. ઓર્નામેન્ટ્સ’ના સંચાલક દિપેન અશોક સોની, પત્ની ખુશ્બુ સોની અને ભાગીદાર પાર્થ સોની વિશ્વાસ કેળવ્યા બાદ રાતોરાત પોતાની ભાડાની દુકાન અને ન્યૂ રાણીપનું મકાન ખાલી કરીને ફરાર થઈ ગયા છે. વાડજ પોલીસે ત્રણેય આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વેપારીનો વિશ્વાસ કેળવી ₹87 લાખની છેતરપિંડી
પોલીસ ફરિયાદ અનુસાર, પ્રહલાદનગરમાં રહેતા અને સીજી રોડ પર સોના-ચાંદીના દાગીનાનો શોરૂમ ધરાવતા સંજય શાહે જડતર કામ કરાવવા માટે નવા વાડજ ખાતે 'એસ.એસ. ઓર્નામેન્ટ્સ' ચલાવતા દિપેન સોની, તેના પત્ની ખુશ્બુ સોની અને ભાગીદાર પાર્થ સોનીનો સંપર્ક કર્યો હતો. ડિસેમ્બર 2025ની શરૂઆતમાં સંજયે ત્રણ સોનાના સેટ જડતર કામ માટે આપ્યા હતા, જે સમયસર પરત મળી જતાં તેમને ત્રિપુટી પર વિશ્વાસ બેસી ગયો હતો.
જડતર કામના બહાને સોનાના સેટ લઈ દંપતી સહિત 3 ફરાર
ત્યારબાદ તેમણે રૂ.87.81 લાખની કિંમતના વધુ 17 સોનાના સેટ જડતર કામ માટે આપ્યા હતા. આ દાગીના દિપેન અને પાર્થે સ્વીકાર્યા હતા, જ્યારે પહોંચ ખુશ્બુ સોનીએ આપી હતી. કામ પૂરું થયા બાદ સંજયના કારીગરે દિપેનને ફોન કરતાં તેણે રાત્રે દાગીના લઈ જવા જણાવ્યું હતું. જો કે, ત્યારબાદ તેના તમામ મોબાઈલ નંબર સ્વીચ ઓફ થઈ ગયા હતા. સંજયના માણસોએ બીજા દિવસે નવા વાડજ સ્થિત દુકાને પહોંચી તપાસ કરતાં સોસાયટીના ચેરમેન પાસેથી જાણવા મળ્યું હતું કે, ત્રણેય જણા આગલી રાત્રે જ દુકાન ખાલી કરીને નીકળી ગયા છે. વેપારીએ ન્યૂ રાણીપ સ્થિત તેમના નિવાસસ્થાને તપાસ કરતાં ઘર પણ ખાલી મળ્યું હતું. સમગ્ર મામલે ત્રણેય સામે વાડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.




