જસદણ સામુહિક દુષ્કર્મ કેસ: સ્પેશિયલ PPને બદલવા સામે પીડિતાના પિતાની હાઇકોર્ટમાં અરજી, સરકારની ભૂમિકા સામે ઉઠાવ્યા સવાલો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jasdan Gang Rape Case High Court : રાજકોટ જિલ્લાના જસદણ ખાતે આવેલી મહિલા હોસ્ટેલમાં 21 વર્ષીય યુવતી પર થયેલા સામુહિક દુષ્કર્મના ચકચારી કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસ હાલ ચાર્જફ્રેમના મહત્ત્વના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેસમાં નિયુક્ત કરાયેલા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર (PP) ને અચાનક બદલી નાખવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે. આ નિર્ણય સામે પીડિતાના પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સત્તાવાર અરજી દાખલ કરીને સરકારની કામગીરી અને ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટની એસઓપીના અનાદરનો ગંભીર આરોપ
અરજદાર તરફથી હાઇકોર્ટમાં હાજર રહેલા એડવોકેટ આનંદ યાજ્ઞિકે દલીલ કરી હતી કે દિલ્હીના નિર્ભયાકાંડ બાદ સુપ્રીમ કોર્ટે સામુહિક દુષ્કર્મના કેસોની ટ્રાયલ માટે ખાસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ (SOP) બનાવી છે. આ નિયમ અનુસાર કેસમાં નિયુક્ત થનાર પબ્લિક પ્રોસિક્યુટર પાસે ઓછામાં ઓછો 20 વર્ષનો બહોળો અનુભવ હોવો અનિવાર્ય છે. આ કેસમાં 40 વર્ષનો દીર્ઘ અનુભવ ધરાવતા જાણીતા એડવોકેટ અનિલ દેસાઈની સ્પેશ્યલ પીપી તરીકે નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ સરકારે તેમની નિમણૂકના માત્ર 3 જ દિવસમાં તેમની જગ્યાએ માત્ર 10 વર્ષનો અનુભવ ધરાવતા અન્ય વકીલની નિમણૂક કરી દીધી છે, જે સીધી રીતે સુપ્રીમ કોર્ટની એસઓપીનો ભંગ છે.
સરકારના દાવા સામે વકીલનું નિવેદન અને હાઇકોર્ટની લાલ આંખ
સરકાર તરફથી કોર્ટમાં એવું નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું કે એડવોકેટ અનિલ દેસાઈ વ્યસ્ત હોવાના કારણે આ કેસ લડવાની ના પાડી છે. જો કે, ખુદ એડવોકેટ અનિલ દેસાઈએ આ દાવાને ફગાવતા સ્પષ્ટ કર્યું હતું કે તેમણે કોઈ પત્ર લખ્યો નથી અને આ કેસ લડવાની ક્યારેય ના પાડી નથી. આ વિસંગતતા અને સરકારની નીતિ સામે સવાલ ઉઠાવતા સુનાવણી દરમિયાન જસ્ટિસ મોક્ષા ઠક્કરે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને સરકારને સીધો સવાલ કર્યો હતો કે, આખરે સરકારને પીપી બદલવામાં શું રસ છે? હાઇકોર્ટે આ ગંભીર મામલે રાજ્ય સરકાર પાસે સ્પષ્ટ ખુલાસો માંગ્યો છે અને આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.




