Ahmedabad

VIDEO: અમદાવાદમાં તહેવાર ટાણે ફૂલ બજારમાં મંદી! ખેડૂતો-વેપારીઓ ફૂલો કચરાની ગાડીમાં ફેંકવા મજબૂર

By GS Team
24 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાં તહેવારો ટાણે ફૂલોના ભાવ તળિયે બેસી ગયા છે. નવરાત્રિ પૂર્ણ થતાં જ ફૂલોની માંગ ઘટતા વેપારીઓ મસમોટો જથ્થો કચરામાં ફેંકવા મજબૂર બન્યા છે. ગુલાબ સિવાય અન્ય ફૂલો, ખાસ કરીને પીળા ફૂલો, 5 થી 10 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ખેડૂતો અને નાના વેપારીઓની હાલત કફોડી બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: અમદાવાદમાં તહેવાર ટાણે ફૂલ બજારમાં મંદી! ખેડૂતો-વેપારીઓ ફૂલો કચરાની ગાડીમાં ફેંકવા મજબૂર

Ahmedabad Flower Market Crisis: તહેવારોના માહોલ વચ્ચે જે ફૂલોથી મંદિરો અને ઘરો સજી ઉઠવા જોઇએ, તેની રેકેટો ભરી ભરીને કચરાની ગાડીમાં ફેંકી દેવા વેપારીઓ મજબૂર બન્યા છે. નવરાત્રિ પૂરી થતા અને દિવાળીના તહેવાર ટાણે ફૂલોના ભાવ તળિયે બેસી જતાં અમદાવાદના પ્રખ્યાત જમાલપુર ફૂલ બજારના વેપારીઓ ફૂલોનો મસમોટો જથ્થો કચરાની ગાડીમાં ફેંકી દેવા મજબૂર બન્યા છે.

અત્યારે બજાર બિલકુલ ઠંડું પડી ગયું છે: સ્થાનિક વેપારી

બજારની પરિસ્થિતિ અંગે વાત કરતા એક સ્થાનિક વેપારીએ પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું કે, 'અત્યારે બજાર બિલકુલ ઠંડું પડી ગયું છે. માત્ર ગુલાબની અછતના લીધે તેનો થોડો સારો ભાવ મળી રહ્યો છે. જ્યારે પીળા ફૂલ તો 5 થી 10 રૂપિયા પ્રતિ કિલોના ભાવ છે. અમુક સમયે તો ખેડૂતો બહાર ફેંકીને જતાં રહે છે. બીજું કે, સફેદ ફૂલોની જરૂરિયાત એટલી હોતી નથી. એ બહારથી મંગાઈએ છીએ. અહીં વધારે ગુલાબ ચાલે છે. પરંતુ અત્યારે બજાર સાવ ઠંડું છે, એનું કોઈ લેવલ નથી.'

ફૂલોના ભાવમાં ખૂબ જ મંદી: ફૂલ બજારના કમિટી મેમ્બર

ફૂલ બજારના કમિટી મેમ્બર નિમેષ મોદીના જણાવ્યા અનુસાર, 'નવરાત્રિ પર્વ પૂર્ણ થતાં જ ફૂલોના ભાવમાં ખૂબ જ મંદી આવી છે. જે ફૂલ નવરાત્રિમાં 40-50 રૂપિયા કિલો હતા, તે આજે 5 થી 10 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. ઓલઓવર દરેક ફૂલોનું બજાર મંદ પડી ગયું છે. જો કે, ગુલાબના ફૂલોમાં તેજી છે. ગુલાબ અત્યારે પણ 300 થી 400 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. શરદ પૂર્ણિમા નજીક છે, તેમ છતાં ભાવમાં કોઈ વધારો જોવા મળ્યો નથી.'

આટલું જ નહીં દર વર્ષે દશેરા પર્વે પોતાના વાહનોને હાર-તોરા કરતા લોકોના વાહનો પર પણ માત્ર કુમકુમના સાથિયા જ જોવા મળ્યા હતા, ઘણા ઓછા વાહનો પર ફૂલોના હાર જોવા મળ્યા હતા. મોટા ઉદ્યોગપતિઓ માટે કદાચ બજારમાં બધુ બરાબર હશે, પરંતુ રોજેરોજનું કમાઈને ખાતા આ નાના વેપારીઓ અને ખેડૂતોની હાલત કફોડી બની છે. જે ફૂલોથી તહેવારોમાં ઘરો અને મંદિરો સજાવવાના હતા, તે જ ફૂલો આજે કચરાના ઢગલામાં હોમાઈ રહ્યા છે.