અમદાવાદમાં ઓનસાઈટ ભીના કચરાનું પ્રોસેસિંગ નહીં કરાય તો રૂપિયા એક લાખ સુધી દંડ કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Solid Waste Management: અમદાવાદમાં હવે ચાર પ્રકારનોકચરો અલગ નહીં આપવા બદલ 3750 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. તેમજ રસ્તા, જળાશયો જેવા જાહેર સ્થળો પર કચરો ફેંકવા બદલ 12,500 રૂપિયા સુધી દંડ થશે. મ્યુનિસિપલની હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં નવા નિયમોને મંજૂરી અપાઈ છે. જે મુજબ સોસાયટી, રેસ્ટોરન્ટ, મોલ, કચેરીઓ સહિત દૈનિક 100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમો દ્વારા ઓન-સાઈટ ભીના કચરાનું પ્રોસેસિંગ નહીં કરાય તો એક લાખ સુધી પેનલ્ટી વસૂલાશે.
ચાર પ્રકારનો કચરો અલગ નહીં આપ્યો, રસ્તા, જળાશયોમાં કચરો ફેંક્યો તો ચૂકવવા પડશે
અમદાવાદમાં સૂકો, ભીનો, સેનીટરી અને જોખમી એમ ચાર પ્રકારનો કચરો એક સાથે આપ્યો ગુનો ગણાશે. મ્યુનિસિપલ વિભાગિત કર્યા વગર કચરો આપતા રહેણાંક અને વાણિજ્ય એકમો પાસેથી દંડ વસૂલાશે. જેમાં ગંભીર પ્રકારની બેદરકારી હશે તો સામાન્ય કરતા ત્રણ ગણો દંડ પણ ચૂકવવો પડી શકે છે. સુપ્રીમ કોર્ટના સૂચનાના છ મહિના બાદ આખરે મ્યુનિસિપલ દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નવા નિયમના અમલમાં મૂકાયા છે. જે મુજબ દૈનિક 100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા બલ્ક વેસ્ટ જનરેટર એકમોએ ભીના કચરાનું ફરજિયાત ઓન-સાઈટ પ્રોસેસિંગ કરવું પડશે. જો સોસાયટીઓ દ્વારા આ કચરાનું પ્રોસેસિંગ નહીં કરાય તો રૂપિયા પાંચથી વીસ હજારનો, જ્યારે વાણિજ્ય એકમો, સરકારી-બાનગી સંસ્થાઓ પાસેથી 10 હજાર રૂપિયાથી એક લાખ સુધીનો દંડ વસૂલાશે. બીજી તરફ રસ્તા, નદી, તળાવ, કેનાલ જેવા જાહેર સ્થળોએ કે ચાલુ વાહનમાંથી બહાર કચરો ફેંકવો તો 12,500 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. જ્યારે સભા, સરઘસ જેવા જાહેર કાર્યક્રમો બાદ આયોજકો દ્વારા સફાઈ નહીં કરાય તો પણ પાંચ હજાર પેનલ્ટી ફટકારાશે.
સ્વચ્છતા જાળવવા લોકો પાસેથી નિયમોનું પાલન કરવાય તે બરાબર છે. પરંતુ મ્યુનિ.ના અધિકારીઓ અને કર્મચારીઓ બેદરકારી દાખવે ત્યારે નિયમ યાદ આવશે ખરા!

મ્યુનિ.ના અધિકારીઓ અને કર્મચારીઓ બેદરકારી દાખવે તો?
વેપારીઓ જાહેરમાં કચરો ફેંકે તો દંડ, લોકો કચરો અલગ કરીને ન આપે તો દંડ, આ બધી વસ્તુઓ તો બરાબર છે. વ્યવસ્થાના ભાગરૂપે સજાની જોગવાઈ હોવી જ જોઈએ. પરંતુ મ્યુનિ.ના અધિકારીઓ કે કર્મચારીઓ બેદરકારી દાખવે તો? કોઈ શિક્ષાત્મક પગલાં લેવાશે ખરા? નિયમિત સફાઈ ન થવી, ડૂર ટૂ ડૂર કલેક્શનમાં બેદરકારી, ખુલ્લા પ્લોટમાં રચાતા ઉકરડા વગેરે બાબતે પણ ચોક્કસ દંડની જોગવાઈ હોવી જોઈએ.




