Ahmedabad

અમદાવાદ AMTS બસ સેવા વિવાદોમાં, એક જ રૂટ પર એકસરખી નંબર પ્લેટવાળી બે બસ દોડતી દેખાઈ

By GS Team
19 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના મેઘાણીનગરમાં AMTSની 2 ઈ-બસો એક જ નંબર પ્લેટ સાથે એક જ રૂટ પર દોડતી જોવા મળતા લોકો આશ્ચર્યચકિત થયા. એક બસમાં HSRP અને બીજીમાં સાદી નંબર પ્લેટ હતી. આ ઘટનાથી AMTSના રૂટ, GPS મોનિટરિંગ અને સમયપત્રકની વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. અધિકારીઓએ ઓપરેટરને ભારે પેનલ્ટી કરવાની વાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ AMTS બસ સેવા વિવાદોમાં, એક જ રૂટ પર એકસરખી નંબર પ્લેટવાળી બે બસ દોડતી દેખાઈ

Two AMTS E-Buses With Same Number: સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં AMTSની બસ સેવા અંગે એક અજબ સ્થિતિ સામે આવી છે. મેઘાણીનગર વિસ્તારમાં એક જ નંબરની બે ઈ-બસ એક જ રૂટ પર એકસાથે દોડતી જોવા મળતાં લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. સામાન્ય રીતે બસોના રૂટ, સમયપત્રક અને GPS લોકેશનનું મોનિટરિંગ થતું હોવા છતાં આવી સ્થિતિ કેવી રીતે સર્જાઈ તે અંગે હવે સવાલો ઊભા થયા છે. મહત્ત્વનું છે કે, એક બસમાં એચએસઆરપીની નંબર પ્લેટ છે અને બીજી બસ ઉપર એચએસઆરપી વગરની નંબર પ્લેટ છે. દર્શાવે છે કે, ખોટી રીતે નંબર પ્લેટ લગાવવામાં આવી છે.

એક જ નંબરની બે બસો દોડતી જોવા મળી

મેઘાણીનગર વિસ્તારમાં મુસાફરો અને સ્થાનિક લોકોની નજર સામે એક જ નંબર ધરાવતી બે ઈ-બસ એક જ રૂટ પર દોડતી જોવા મળી હતી. બંને બસો એક જ રૂટ પર સંચાલિત થતી હોવાનું સામે આવતા આ ઘટનાએ AMTSના બસ સંચાલનની વ્યવસ્થા અંગે ચર્ચા જગાવી છે. એક તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં મુસાફરોને બસની રાહ જોવી પડતી હોવાની ફરિયાદો રહે છે, ત્યારે બીજી તરફ એક જ રૂટ પર એક જ નંબરની બે બસો દોડતી જોવા મળતાં બસોના રૂટ અને શિડ્યુલ ફાળવણીની પ્રક્રિયા સામે સવાલ ઊભા થયા છે.

GPS મોનિટરિંગ છતાં આવી સ્થિતિ કેવી રીતે?

AMTSની બસોમાં GPS આધારિત ટ્રેકિંગ અને કંટ્રોલ રૂમ મારફતે મોનિટરિંગની વ્યવસ્થા હોવા છતાં એક જ નંબરની બે બસો એક જ રૂટ પર દોડતી હોવાની સ્થિતિ કેવી રીતે ઊભી થઈ તે મહત્વનો પ્રશ્ન છે.

આ મામલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રવક્તા અતિક સૈયદે પ્રશ્ન કર્યો કે, 'શું બંને બસોના GPS લોકેશન કંટ્રોલ રૂમ સુધી પહોંચી રહ્યા હતા? જો હા, તો એક જ નંબરની બે બસો એક જ રૂટ પર હોવાની જાણકારી મોનિટરિંગ દરમિયાન કેમ ન મળી? બસોના ડ્યુટી શિડ્યુલ અને રૂટ ફાળવણીમાં કોઈ ગેરસમજ થઈ હતી કે ટેકનિકલ સમસ્યા હતી, તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે.'

બસ સંચાલનની વ્યવસ્થા સામે સવાલ

આ ઘટનાને પગલે AMTSમાં બસોના રૂટ મેનેજમેન્ટ, ડ્રાઈવરોના ડ્યુટી શિડ્યુલ અને GPS મોનિટરિંગની કામગીરીની સમીક્ષા કરવાની જરૂરિયાત સામે આવી છે. ખાસ કરીને ઈ-બસોના સંચાલનમાં ડિજિટલ ટ્રેકિંગ વ્યવસ્થા હોવા છતાં આવી સ્થિતિ સર્જાય તો સ્માર્ટ બસ સેવા ખરેખર કેટલી ‘સ્માર્ટ’ રીતે સંચાલિત થઈ રહી છે? તેવો કટાક્ષ પણ થઈ રહ્યો છે.

સમગ્ર મામલે AMTS તંત્ર દ્વારા બંને બસો એક જ નંબર સાથે એક જ રૂટ પર કેવી રીતે દોડી અને આ સ્થિતિ માટે જવાબદાર કારણ શું હતું તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે તો વહીવટી ખામીનું સાચું કારણ સામે આવી શકે છે.

ઓપરેટરને ભારે પેનલ્ટી કરાશે

આ મામલે AMTSના અધિકારીએ જણાવ્યું કે, 'બંને બસોના RTO રજીસ્ટ્રેશન નંબર અલગ છે. પણ નંબર પ્લેટમાં છેડછાડ કરવામાં આવી છે. ઓપરેટરને 5 લાખ રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી છે.'