Ahmedabad

VIDEO| હેરિટેજ સપ્તાહ પાછળ લાખોનો ખર્ચ, પણ અમદાવાદમાં ઐતિહાસિક વાવની દયનીય સ્થિતિ: ક્યાંક તાળા તો ક્યાંક દારૂની મહેફિલના આક્ષેપો

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં હેરિટેજ સપ્તાહની ઉજવણી પાછળ લાખોનો ખર્ચ થાય છે, પરંતુ શહેરની ઐતિહાસિક વાવો ખસ્તાહાલ છે. વાડજની સતી અહિલ્યા વાવ અને પાંચકૂવાની અમૃતવર્ષિણી વાવ રિનોવેશન બાદ બંધ છે, જેથી કલાપ્રેમીઓ નિરાશ થાય છે. મણિનગરની વાવ આસપાસ ગંદકી અને ગટરના પાણી ભરાયા છે, તેમજ રાત્રે અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની છે. તંત્ર માત્ર ઉજવણી નહિ, પરંતુ વર્ષભર જાળવણી કરે તેવી નાગરિકોની માંગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| હેરિટેજ સપ્તાહ પાછળ લાખોનો ખર્ચ, પણ અમદાવાદમાં ઐતિહાસિક વાવની દયનીય સ્થિતિ: ક્યાંક તાળા તો ક્યાંક દારૂની મહેફિલના આક્ષેપો

Ahmedabad Historical Stepwells Dilapidated Condition: તંત્ર દ્વારા હેરિટેજ સપ્તાહની ઉજવણી પાછળ અઢળક ખર્ચ કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ અમદાવાદમાં આવેલા અનેક ઐતિહાસિક સ્થાપત્યો તંત્રની અવગણનાને કારણે ખસ્તાહાલ બન્યા છે. કેટલાક સ્થાપત્યોના સમારકામની દરકાર લેવાતી નથી, તો જે સ્થાપત્યોનું રિનોવેશન કરાયું છે તેમાંથી કેટલાક પર ખંભાતી તાળા લટકતાં જોવા મળે છે, જેના કારણે મુલાકાતીઓ અને કલાપ્રેમીઓ તેનો લાભ લઈ શકતા નથી.

વાડજ અને પાંચકૂવાની વાવ બંધ હાલતમાં

થોડા સમય પહેલાં અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી સતી અહિલ્યાની વાવનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ તેને બંધ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પરિણામે કલાપ્રેમીઓ તેની મુલાકાતે આવીને નિરાશ થઈ પરત ફરી રહ્યા છે. આ જ રીતે શહેરના પાંચકૂવા વિસ્તારમાં આવેલી અમૃતવર્ષિણી વાવ પર પણ ખંભાતી તાળા લટકતા જોવા મળી રહ્યા છે.

મણિનગરની વાવ આસપાસ ગંદકી અને અસામાજિક પ્રવૃત્તિના આક્ષેપ

બીજી તરફ, મણિનગર વિસ્તારમાં ઉત્તમ નગર પાસે આવેલી વાવ અને તેની આસપાસની સ્થિતિ અત્યંત દયનીય બની છે. સ્થાનિક દ્રશ્યો મુજબ, વાવની આસપાસ સ્વચ્છતાનો અભાવ છે અને ઉકરડા જેવો માહોલ સર્જાયો છે, સાથે જ વાવમાં ગટરના પાણી ભરાયેલા જોવા મળે છે. આ ઉપરાંત, રાત પડતાંની સાથે અહીં દેશી તેમજ અંગ્રેજી દારૂની મહેફિલો જામતી હોવાના અને વાવ જાણે અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો બની ગઈ હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે.

કલાપ્રેમીઓની માગ: વર્ષભર જાળવણી જરૂરી

કલાપ્રેમીઓ અને જાગૃત નાગરિકોની માગ છે કે તંત્ર માત્ર ખાનાપૂર્તિ માટે વર્ષમાં એકવાર હેરિટેજ સપ્તાહની ઉજવણી કરવાને બદલે આખા વર્ષ દરમિયાન આ અમૂલ્ય વારસાની જાળવણી અને સારસંભાળ પર ધ્યાન આપે. નિયમિત જાળવણી અને સુરક્ષા વ્યવસ્થા જળવાય તો જ શહેરની ઐતિહાસિક ધરોહર ટકી રહેશે.