ગાંધીના ગુજરાતમાં નશાનો ભરડો: રોજ સરેરાશ 344 યુવાનો સારવાર લેવા મજબૂર, 6 વર્ષમાં દર્દીઓ 65 ટકા વધ્યા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Drug Addiction Cases Gujarat: ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોના સેવનના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલના આંકડા મુજબ, 'સબ્સ્ટન્સ રીલેટેડ ડિસઓર્ડર્સ' (નશાકારક પદાર્થોના સેવન સાથે સંકળાયેલા કેસ) વર્ષ 2019-20માં 79,098 હતા, જે વધીને 1.25 લાખ સુધી પહોંચી ગયા છે. આમ, માત્ર 6 વર્ષમાં જ આ કેસોમાં 95 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે.
એક જ ભૂલ બની જાય છે આદત: નશો છોડવો કેમ મુશ્કેલ?
નશાની શરૂઆત મોટે ભાગે મિત્રોની સંગત, ઉત્સુકતા, તણાવમાંથી મુક્તિ મેળવવાની ઇચ્છા કે માત્ર એક જ વાર અજમાવવાના વિચારથી થતી હોય છે. પરંતુ ધીમે ધીમે આ આદત એટલી ગંભીર બની જાય છે કે વ્યક્તિ લાખ પ્રયત્નો છતાં તેને છોડી શકતી નથી. નશાની આ અસરો માત્ર શારીરિક સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ વિચારવાની ક્ષમતા, લાગણીઓ, પારિવારિક સંબંધો અને રોજગાર પર પણ ભારે નુકસાન પહોંચાડે છે.
વ્યસનમુક્તિ શક્ય છે: સક્ષમ માર્ગદર્શનથી બદલી શકાય છે જીવન
વ્યસનનો અર્થ માત્ર દારૂ કે ડ્રગ્સ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં તમાકુ, ગાંજો, અફીણ અને અન્ય નશાકારક પદાર્થોનો પણ સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિ પદાર્થ સેવન પરનો કાબૂ ગુમાવી દે છે અને જીવનમાં અનેક મુશ્કેલીઓ ઊભી થવા છતાં તેનું સેવન ચાલુ રાખે છે. જોકે, સક્ષમ માર્ગદર્શનથી આ સમસ્યામાંથી બહાર આવવું સંપૂર્ણપણે શક્ય છે.
વ્યસનમુક્તિ માટે યોગ્ય માર્ગદર્શન: જાણો વિવિધ સારવાર પદ્ધતિઓ
મનોચિકિત્સક, વ્યસનમુક્તિ નિષ્ણાત અને તાલીમપ્રાપ્ત કાઉન્સેલરની મદદથી દર્દી માટે યોગ્ય સારવાર નક્કી કરી શકાય છે. નશાની આદત છોડાવવા માટે નીચે મુજબની વિવિધ સારવાર પદ્ધતિઓ અપાય છે:
તબીબી તપાસ અને નિદાન: નિષ્ણાતો વ્યક્તિ કયા પદાર્થનું, કેટલા પ્રમાણમાં અને કેટલા સમયથી સેવન કરે છે તેની ચકાસણી કરે છે.
તબીબી સારવાર: અચાનક નશો બંધ કરવાથી થતી ધ્રુજારી, બેચેની અને અનિદ્રા જેવી સ્થિતિમાં તબીબી દેખરેખ હેઠળ સારવાર અપાય છે.
કાઉન્સેલિંગ: વ્યક્તિને નશો કરવાની ઈચ્છા ક્યારે અને શા માટે થાય છે તે સમજવામાં મદદરૂપ બને છે.
દવાઓથી સારવાર: પદાર્થના પ્રકાર મુજબ દવાઓ આપીને દારૂ કે અન્ય નશાની લત ઘટાડવામાં આવે છે.
પરિવારનો સાથ: પરિવારને વ્યસન અંગે માર્ગદર્શન આપીને દર્દીને દોષિત ઠેરવવાને બદલે સારવારમાં સહકાર આપવા પ્રોત્સાહિત કરાય છે. સારવાર દરમિયાન ફરીથી સેવન શરૂ થઈ જાય તો તેને નિષ્ફળતા ન માનતા સારવારની યોજના ફરીથી ચકાસવી જરૂરી છે.
ગુજરાતમાં નશાનો કરોડોનો કારોબાર
છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં ડ્રગ્સનું સેવન કરનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવવા માટે એક સુવ્યવસ્થિત નેટવર્ક સક્રિય છે. રાજ્યમાંથી દર વર્ષે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતું હોય છે, પરંતુ આ તો માત્ર હિમશીલાની ટોચ સમાન છે. જે ડ્રગ્સ ઝડપાય છે તેમાંથી માત્ર 10 ટકા જ સત્તાવાર રીતે જાહેર થાય છે અને 90 ટકા જેટલો જથ્થો વેચાણ માટે મૂકી દેવાતો હોય છે. ચર્ચા અનુસાર, આ ડ્રગ્સ નેટવર્કમાં રાજકારણીઓની પણ સંડોવણી હોવાનું મનાય છે.




