"નાગરિકો હેરાન થાય છે ને કોર્ટનો સમય વેડફાય છે!": NA મંજૂરી મુદ્દે મહેસૂલ તંત્રને હાઇકોર્ટે ઝાટકી, 15 વર્ષથી કાયદો સ્પષ્ટ છે છતાં વિવાદ કેમ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court Slams Revenue Department NA Disputes: બિનખેતી(NA) મંજૂરીના મામલે મહેસૂલ તંત્રની કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટે ફરી એક વખત આકરી નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે, વર્ષ 2011થી 2026 દરમિયાન અનેક ચુકાદાઓ મારફતે કાયદાની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી હોવા છતાં NA મંજૂરીના નિર્ણયો સામે વારંવાર અદાલતી વિવાદ ઊભા થઈ રહ્યા છે. તેના કારણે માત્ર બંધારણીય અદાલતનો કિંમતી સમય જ વેડફાતો નથી, પરંતુ નાગરિકોને પણ બિનજરૂરી હેરાનગતિ ભોગવવી પડે છે.
"નાગરિકો હેરાન થાય છે ને કોર્ટનો સમય વેડફાય છે!"
જસ્ટિસ નિરલ આર. મહેતાની અદાલતે 24 સપ્ટેમ્બરના રોજ સતવારા પરસોતમ માધવજી અને અન્યની અરજીમાં આ મુદ્દે મહત્ત્વની નોંધ કરી હતી. મહેસૂલ વિભાગના વધારાના મુખ્ય સચિવ ડૉ. જયંતિ એસ. રવિ દ્વારા રજૂ કરાયેલા પત્રમાં NA અરજીઓ અંગે હાઇકોર્ટે ઉઠાવેલા મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો હોવાનું અને તેના ઉકેલ માટે ચર્ચા ચાલી રહી હોવાનું જણાવાયું હતું. હાઇકોર્ટે આ ચર્ચાને અસરકારક અને કાયમી ઉકેલ સુધી પહોંચવા માટે થોડો સમય આપ્યો છે.
NA મંજૂરી મુદ્દે મહેસૂલ તંત્રને હાઇકોર્ટે ઝાટકી
હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે NA મંજૂરીના મોટા ભાગના વિવાદો યોગ્ય રીતે ટાળી શકાય તેવા છે. મહેસૂલ અધિકારીઓને અદાલતે જાહેર કરેલા કાયદાથી યોગ્ય રીતે માહિતગાર અને સંવેદનશીલ કરવામાં આવે તો નાગરિકોની હેરાનગતિ અટકી શકે, કોર્ટનો સમય બચી શકે અને આવા કેસોમાં સરકારને બચાવ પાછળ થતો ખર્ચ પણ ઘટાડી શકાય.
અદાલતે 2025ના અગાઉના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં મહેસૂલ અધિકારીઓને તાલીમ, કાર્યશાળા અને માર્ગદર્શન કાર્યક્રમો યોજવા તથા જરૂર પડે ત્યાં જવાબદારી નક્કી કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં વિવાદોની સ્થિતિમાં ખાસ ફેરફાર ન થતાં હાઇકોર્ટે નોંધ્યું કે અગાઉના ચુકાદાનો હેતુ હજુ સુધી યોગ્ય રીતે અમલમાં આવ્યો નથી.
15 વર્ષથી કાયદો સ્પષ્ટ છે છતાં વિવાદ કેમ?
હાઇકોર્ટે ખાસ નોંધ્યું કે, આ કેસમાં જામનગર કલેક્ટર પાસે વલણ અંગે ખુલાસો માંગવામાં આવ્યો ત્યારે તેમણે કોર્ટ દ્વારા નક્કી કરાયેલા કાયદાકીય સિદ્ધાંતને બદલે સરકારી ઠરાવનો આધાર રજૂ કર્યો હતો. અદાલતે કહ્યું કે, આ દર્શાવે છે કે અધિકારીઓ સરકારી ઠરાવોથી વધુ પ્રભાવિત છે અને અદાલતના નક્કી કરેલા કાયદા પ્રત્યે બેદરકાર રહ્યા છે.
હાઇકોર્ટે હવે 5 ઓક્ટોબર, 2026ના રોજ મામલો ફરી મુકવાનો આદેશ કર્યો છે. તે દિવસે મહેસૂલ સત્તાવાળાઓએ ચર્ચાની પ્રગતિ અંગે અદાલતને માહિતગાર કરવાની રહેશે તેમજ હાલમાં અમલમાં રહેલા NA મંજૂરી સંબંધિત તમામ સરકારી ઠરાવો રેકોર્ડ પર રજૂ કરવાના રહેશે.




