Ahmedabad

પોપ્યુલર બિલ્ડર્સ દશરથ પટેલના જામીન હાઇકોર્ટે ફગાવ્યા, બોગસ દસ્તાવેજોના આધારે જમીન પચાવી પાડી હતી

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલના ભાઈ દશરથ પટેલની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. દશરથ પટેલે તેમના ભાઈ સાથે સમાનતા દર્શાવીને જામીન મેળવવા અરજી કરી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી નથી. જસ્ટિસ નિર્ઝર દેસાઈએ જણાવ્યું કે, આરોપી સામે 9 પોલીસ ફરિયાદ છે અને 4 વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા હતા. 70 વર્ષની ઉંમરની દલીલ પણ કોર્ટે ફગાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

પોપ્યુલર બિલ્ડર્સ દશરથ પટેલના જામીન હાઇકોર્ટે ફગાવ્યા, બોગસ દસ્તાવેજોના આધારે જમીન પચાવી પાડી હતી

Gujarat High Court Rejects Dashrath Patel Bail: પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલના ભાઈ દશરથ પટેલની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. દશરથ પટેલે પોતાના ભાઈ રમણ પટેલ સાથે સમાનતા (Parity) દર્શાવીને જામીન મેળવવા અરજી કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી નથી.

ભાગેડુ આરોપી સામે ઉદારતા દાખવી શકાય નહીં: હાઇકોર્ટ

આ અરજીની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિર્ઝર દેસાઈએ અવલોકન કર્યું હતું કે, આરોપી દશરથ પટેલ સામે બનાવટી દસ્તાવેજો બનાવીને જમીન હડપવાની કુલ 9 પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી મોટા ભાગના કેસ લેન્ડ ગ્રેબિંગના છે. ગેરકાયદે રીતે જમીનો પચાવી પાડવાના અનેક ગુના આચરનાર સામે કોઈ ઉદાર વલણ રાખી શકાય નહીં. આ ઉપરાંત આરોપી 4 વર્ષથી પણ વધુ સમયથી નાસતા ફરતા હતા. તેમણે કોર્ટે આપેલી રાહતનો દુરુપયોગ કર્યો હતો, જેથી તેમની સામે ધરપકડ વોરંટ પણ જારી કરવું પડ્યું હતું.

70 વર્ષની ઉંમરની દલીલ પણ કોર્ટે ફગાવી

દશરથ પટેલની 70 વર્ષની વયને ધ્યાનમાં રાખીને જામીન આપવાની રજૂઆતને પણ હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે, આરોપીનો ભૂતકાળ જોતાં જણાય છે કે તેમણે 2004થી 2024 દરમિયાન જમીનના મૂળ માલિકોને ધમકી આપીને હેરાન કર્યા છે અને સાક્ષીઓને ફોડવાનો પ્રયાસ કર્યો છે. આરોપી ઉચ્ચ લાગવગ ધરાવતા હોવાથી અને સાક્ષીઓ તેમજ પુરાવા સાથે છેડછાડ કરવાની આદત ધરાવતા હોવાથી તેમની ઉંમરને વચ્ચે લાવી શકાય નહીં.

સરકારી વકીલોની મજબૂત દલીલો

આ સુનાવણીમાં સરકાર વતી હાજર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર મિતેશ અમીને દશરથ પટેલના ગંભીર ગુનાને ધ્યાનમાં રાખીને જામીન આપવાનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે પબ્લિક પ્રોસિક્યુટર હાર્દિક દવેએ દલીલ કરી હતી કે, આરોપી સામે અનેક ગંભીર ગુના હોવાથી તેમને કોઈપણ સંજોગોમાં જામીન મળવાપાત્ર નથી.

શું હતો સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે, દશરથ પટેલ સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજો બનાવીને કરોડો રૂપિયાની કિંમતી જમીન હડપવાનો ગુનો નોંધાયેલો છે. આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ એપ્રિલ 2026માં સાણંદના ગોધાવી વિસ્તારના જમીન કૌભાંડમાં લાંબા સમયથી વોન્ટેડ દશરથ પટેલની રાજસ્થાનના નાથદ્વારાથી ધરપકડ કરી હતી.