Ahmedabad

ગુજરાત હાઈકોર્ટે સમયમર્યાદામાં કાર્યવાહી ન થતાં ડેવલપમેન્ટ પ્લાનનું રિઝર્વેશન કર્યું રદ, જમીનમાલિકને મોટી રાહત

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું કે, વિકાસ યોજનામાં ખાનગી જમીન અનિશ્ચિતકાળ સુધી અનામત રાખી શકાય નહીં. જો સત્તાધિકારીઓ સમયસર જમીન સંપાદિત ન કરે અથવા 10 વર્ષમાં ડેવલપમેન્ટ પ્લાનનું પુનઃરીક્ષણ શરૂ ન કરે, તો રિઝર્વેશન આપોઆપ રદ ગણાશે. ડીસામાં 50 વર્ષથી રોડ માટે અનામત 2529 ચો.મી. જમીનનું રિઝર્વેશન હાઈકોર્ટે રદ કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત હાઈકોર્ટે સમયમર્યાદામાં કાર્યવાહી ન થતાં ડેવલપમેન્ટ પ્લાનનું રિઝર્વેશન કર્યું રદ, જમીનમાલિકને મોટી રાહત
ફાઈલ તસવીર

Gujarat High Court on Development Plan Due: ગુજરાત હાઇકોર્ટે ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ, 1976ની કલમ 20(2) અને 21ની મહત્વપૂર્ણ વ્યાખ્યા કરતાં સ્પષ્ટ કર્યું છે કે વિકાસ યોજનામાં અનામત રાખેલી ખાનગી જમીનને અનિશ્ચિત સમય સુધી અટકાવી રાખી શકાય નહીં. જો સત્તાધિકારીઓ કાયદામાં નિર્ધારિત સમયમર્યાદામાં જમીન સંપાદિત ન કરે અથવા ડેવલપમેન્ટ પ્લાનના પુનઃરીક્ષણની પ્રક્રિયા શરૂ ન કરે તો અનામત આપોઆપ રદ ગણાશે.

50 વર્ષથી 24 મીટરના ડેવલપમેન્ટ પ્લાન રોડનું રિઝર્વેશન યથાવત હતું
બનાસકાંઠાના ડીસા સ્થિત સર્વે નં. 41 અને 42/પી-4ની આશરે 2529 ચોરસ મીટર જમીન પર છેલ્લા લગભગ 50 વર્ષથી 24 મીટરના ડેવલપમેન્ટ પ્લાન રોડનું રિઝર્વેશન યથાવત રાખવામાં આવ્યું હતું. જોકે, સંબંધિત સત્તાધિકારીઓએ ન તો સમયસર જમીન સંપાદિત કરી અને ન તો કાયદા મુજબ 10 વર્ષની અંદર ડેવલપમેન્ટ પ્લાનના પુનઃરીક્ષણની કાર્યવાહી શરૂ કરી હતી.

પ્લાનનું પુનઃરીક્ષણ ઓછામાં ઓછું દર દસ વર્ષે શરૂ થવું ફરજિયાત
હાઈકોર્ટે નોંધ્યું કે કાયદાની કલમ 21 મુજબ ડેવલપમેન્ટ પ્લાનનું પુનઃરીક્ષણ ઓછામાં ઓછું દર દસ વર્ષે શરૂ થવું ફરજિયાત છે. જો આ સમયમર્યાદાનું પાલન ન થાય તો જમીનમાલિકને કલમ 20(2) હેઠળ કાનૂની હક પ્રાપ્ત થાય છે. જમીનમાલિક દ્વારા નોટિસ આપ્યા બાદ પણ છ મહિનામાં સંપાદન પ્રક્રિયા શરૂ ન કરવામાં આવે તો રિઝર્વેશન કાયદેસર રીતે સમાપ્ત થઈ જાય છે.

અરજદારને અન્યાય થયો
કોર્ટના અવલોકન મુજબ ડીસા નગરપાલિકા દ્વારા દરેક તબક્કે ડેવલપમેન્ટ પ્લાનના પુનઃરીક્ષણની પ્રક્રિયા દસ વર્ષની મર્યાદા બાદ શરૂ કરવામાં આવી હતી. આ વિલંબને અદાલતે વહીવટી ઢીલાશ અને કાયદાની જોગવાઈઓની અવગણના ગણાવી હતી. વર્ષો સુધી જમીનનો ઉપયોગ ન કરી શકનાર અરજદારને અન્યાય થયો હોવાનું પણ કોર્ટે નોંધ્યું.

ડેવલપમેન્ટ પ્લાન રોડનું રિઝર્વેશન રદ જાહેર કર્યું
ગુજરાત હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું કે રાજ્ય અને આયોજન સત્તાધિકારીઓને જાહેર હિતમાં જમીન અનામત રાખવાનો અધિકાર છે, પરંતુ તે અધિકાર કાયદામાં નિર્ધારિત સમયમર્યાદા અને પ્રક્રિયાના કડક પાલન સાથે જ વાપરી શકાય. તેના ભંગથી જમીનમાલિકના કાયદાકીય અધિકારોને નુકસાન પહોંચાડી શકાય નહીં. આથી હાઇકોર્ટે અરજદારની અરજી મંજૂર કરી ડેવલપમેન્ટ પ્લાન રોડનું રિઝર્વેશન રદ જાહેર કર્યું તેમજ ચુકાદાના અમલ પર રોક મૂકવાની સત્તાધિકારીઓની માંગ પણ ફગાવી દીધી. આ નિર્ણય રાજ્યભરના સમાન પ્રકારના જમીન અનામતના વિવાદોમાં મહત્વપૂર્ણ માર્ગદર્શક પુરવાર થઈ શકે છે.