Ahmedabad

VIDEO: 'આવતા વર્ષે વહેલા આવજો...' ગુજરાતભરમાં ભવ્ય શોભાયાત્રા સાથે શ્રીજીને વિદાય! અમદાવાદ-સુરતમાં અશ્રુભીની આંખે ગણેશ વિસર્જન

By GS Team
25 Sep 202610 mins read
TukuTouch Logo
ગુજરાતભરમાં 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ સાથે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થયું. અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાં ઢોલ-નગારા અને શોભાયાત્રા સાથે બાપ્પાને વિદાય અપાઈ. અમદાવાદમાં 38, સુરતમાં 21 કૃત્રિમ કુંડ અને 3 કુદરતી ઓવારા પર વિસર્જન કરાયું. શાંતિ અને સુરક્ષા માટે પોલીસે CCTV, ડ્રોન અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો. ટ્રાફિક માટે રૂટ ડાયવર્ટ કરાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: 'આવતા વર્ષે વહેલા આવજો...' ગુજરાતભરમાં ભવ્ય શોભાયાત્રા સાથે શ્રીજીને વિદાય! અમદાવાદ-સુરતમાં અશ્રુભીની આંખે ગણેશ વિસર્જન

Ganesh Visarjan: ગુજરાતભરમાં ભાદરવા સુદ ચૌદસના પવિત્ર પર્વે 'ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વરસે વહેલા આવજો'ના ગગનભેદી નાદ સાથે શ્રીજીની પ્રતિમાઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ, સુરત અને છોટા ઉદેપુરના નસવાડી સહિત રાજ્યના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ઢોલ-નગારા અને ભવ્ય શોભાયાત્રાઓ સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી રહી છે. સુરતમાં મળસ્કેથી જ વિસર્જન યાત્રાઓનો ધમધમાટ શરૂ થયો હતો, તો અમદાવાદમાં પણ પર્યાવરણની જાળવણી સાથે વિસર્જન માટે 38થી વધુ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. ભક્તોની સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી, ડ્રોન કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત સાથે બાજ નજર રાખવામાં આવી રહી છે. એક તરફ ઉત્સવ પૂર્ણ થતાં ભક્તોમાં ભાવુકતા જોવા મળી તો બીજી તરફ આગામી વર્ષે બાપ્પાના પુનઃ આગમનની આશા સાથે સમગ્ર વાતાવરણ ગણેશમય બન્યું છે.

અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે 38 કૃત્રિમ કુંડ તૈયાર

અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જનના પવિત્ર પર્વને શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન કરાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા વ્યાપક અને સજ્જડ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ પર્યાવરણની જાળવણી સાથે આસ્થાભેર ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 38થી વધુ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે.

વિસર્જન યાત્રા પર ડ્રોન કેમેરા અને CCTVથી પોલીસની બાજ નજર

આ ઉપરાંત, વિસર્જન યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર વિસર્જન યાત્રા અને સંવેદનશીલ વિસ્તારો પર ડ્રોન કેમેરા તથા CCTV નેટવર્ક મારફતે સતત અને બાજ નજર રાખવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકોને નિર્ધારિત કૃત્રિમ કુંડમાં જ વિસર્જન કરી સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. વ્યવસ્થા અને સલામતી માટે વિવિધ સ્થળોએ ફાયર બ્રિગેડના 290 જવાનો તથા સેફ્ટી ગાર્ડ્સ ઉપલબ્ધ રહેશે. મોટા કદની ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે 38 ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

અમદાવાદમાં ગણેશ વિસર્જનના પર્વને ધ્યાનમાં રાખીને શહેરના ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર બપોરે 1 વાગ્યા પછી સરદાર બ્રિજ, એલિસબ્રિજ તેમજ રિવરફ્રન્ટ ઈસ્ટ અને વેસ્ટ સહિતના અનેક મુખ્ય રસ્તાઓ સામાન્ય વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે. ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ અને શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે આશ્રમ રોડ અને શહેરના અન્ય મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવરનું ભારણ વધવાની પૂરેપૂરી શક્યતા છે, જેથી સુરક્ષા માટે વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

રસ્તાઓ બંધ થવાના કારણે એસ ટી ગીતામંદિરથી જમાલપુર બ્રિજ થઈ પાલડી તરફ જતો રસ્તો બંધ રહેશે, જેના બદલે વાહનચાલકો જમાલપુર બ્રિજ નીચેથી બહેરામપુરા, દાણીલીમડા ચાર રસ્તા, આંબેડકર બ્રિજ અને અંજલી ચાર રસ્તા થઈને પાલડી કે આશ્રમ રોડ તરફ જઈ શકશે. તે જ રીતે ગીતામંદિરથી રાયપુર અને સારંગપુર થઈને રેલવે સ્ટેશન જતો માર્ગ બંધ હોવાથી ભુલાભાઈ ચાર રસ્તા, કાંકરિયા ચોકી, અપ્સરા અને અનુપમ સિનેમા થઈ ગોમતીપુર તેમજ કાલુપુર બ્રિજ મારફતે નરોડા તરફ જઈ શકાશે. કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર, આસ્ટોડિયા, ખમાસા, વિક્ટોરિયા ગાર્ડનથી એલિસબ્રિજ ટાઉન હોલ સુધીનો રસ્તો બંધ રહેવાથી તેના બદલે દાણીલીમડા અને આંબેડકર બ્રિજ વાળા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સલાહ અપાઈ છે.

આ ઉપરાંત રખિયાલ ચાર રસ્તાથી સરસપુર આઇટીઆઇ થઈ ગુરુદ્વારા ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ હોવાથી ગરીબ નગર ચાર રસ્તા, મેમ્કો અને નરોડા ફ્રૂટ માર્કેટના રૂટ પરથી કાલુપુર જઈ શકાશે. દિલ્હી દરવાજાથી દધીચી બ્રિજ તથા લીમડા ચોકથી દધીચી બ્રિજ સુધીના રસ્તા પણ બંધ કરાયા છે, જેના બદલે ઈદગાહ સર્કલથી અસારવા અને શાહીબાગ અથવા શાહપુર ચાર રસ્તા, શંકરભુવન અને ગાંધી બ્રિજ થઈ આવન-જાવન કરી શકાશે. રિવરફ્રન્ટના બંને કાંઠાના રસ્તાઓ બંધ રહેવાના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. આથી જ ખાસ કરીને ઍરપૉર્ટ કે રેલવે સ્ટેશન તરફ જઈ રહેલા મુસાફરોને કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે સમયસર પહોંચવા પોતાના ઘરેથી એકથી બે કલાક વહેલા નીકળવા માટે પોલીસ પ્રશાસન દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે.

ધોળકા, બાવળા, બગોદરામાં ગણેશ વિસર્જન

અમદાવાદ જિલ્લાના બાવળા, ધોળકા, બગોદરા પંથકમાં ગણેશ વિસર્જનને લઇ રોડ રસ્તા પર ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા. 200થી વધારે ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં ચીખલી તળાવ, બલાસ તળાવ, વૌઠા નદીમાં તથા ગ્રામ્યના અલગ અલગ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ધોળકા કલિકુંજથી પાછોના સર્કલ સુધી ગણેશ વિસર્જન દરમિયાન ભારે ભક્તોની ભીડ જામી હતી. કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિક જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. તંત્રોની ફાયર વિભાગની ટીમ દ્વારા ગણેશ મૂર્તિઓનું યોગ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું.

Gujarat Samachar - 2026-09-25T202807.557.jpg

સુરતમાં શ્રીજીની વિદાય યાત્રાનો માહોલ જામ્યો

મધ્યરાત્રિથી જ ‘ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વરસે વહેલા આવજો’ના નાદ સાથે સુરતમાં શ્રીજીની વિદાય યાત્રાનો માહોલ જામ્યો હતો. આનંદ ચૌદસનો સૂર્યોદય થાય તે પહેલાં જ ઢોલ-નગારાના તાલ અને ભક્તિના નાદ સાથે ગણેશ આયોજકો બાપ્પાને વિદાય આપવા નીકળી પડ્યા હતા. મળસ્કે ચાર વાગ્યાની આસપાસ ભાગળ ચાર રસ્તા પર અનેક શ્રીજીની પ્રતિમાઓ આવી પહોંચતા જાણે દિવસ ઊગે તે પહેલાં જ શહેરમાં ગણેશ વિસર્જનની શરૂઆત થઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. ક્યાંક ઢોલના તાલે યુવાનો ઝૂમી રહ્યા હતા તો ક્યાંક હાથમાં ધજા અને ગુલાલ સાથે ભક્તો બાપ્પાની વિદાયના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. 'બાપ્પા મોરિયા’ના ગગનભેદી નાદથી વાતાવરણ ગૂંજી રહ્યું હતું. મોટી પ્રતિમાઓની વિસર્જન યાત્રા માટે નક્કી કરાયેલા રૂટ પર વહેલી સવારથી જ ધમધમાટ શરૂ થઈ ગયો હતો, જ્યારે પાલિકાના કૃત્રિમ તળાવો તરફ નાની પ્રતિમાઓ સાથે આવતા શ્રદ્ધાળુઓનો પ્રવાહ પણ જોવા મળ્યો હતો.

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળી વિસર્જન યાત્રાઓ

ગણેશ ચતુર્થીથી સ્થાપના કરાયેલા શ્રીજીને આજે(25 સપ્ટેમ્બરે) આનંદ ચૌદસે વિદાય આપવાનો દિવસ હોવાથી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી વહેલી સવારથી જ વિસર્જન યાત્રાઓ નીકળવા લાગી હતી. અનેક ગણેશ મંડળોએ સવારના સમયને જ વિસર્જન માટે પસંદ કરતાં શહેરના મુખ્ય માર્ગો પર મળસ્કેથી જ ગણેશમય માહોલ જોવા મળ્યો હતો. ભાગળ ચાર રસ્તા સહિત વિવિધ માર્ગો પર શ્રીજીની પ્રતિમાઓ સાથે નીકળેલી યાત્રાઓને જોવા માટે વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા. પરિવાર સાથે આવેલા લોકો રસ્તાની બંને બાજુ ઊભા રહીને બાપ્પાના અંતિમ દર્શન કરી રહ્યા હતા. આ વર્ષે કેટલાક વિસ્તારોમાં ગણેશ ચતુર્થીની મોડી રાત સુધી આગમન યાત્રાઓ નીકળી હોવાના કારણે પાંચમના દિવસે પણ કેટલીક જગ્યાએ શ્રીજીની સ્થાપના થઈ હતી. તેમ છતાં વિસર્જનના દિવસે આયોજકો અને ભક્તોમાં બાપ્પાને વિદાય આપવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

પૂજા-વિધિ બાદ ભક્તિભાવપૂર્વક બાપ્પાનું વિસર્જન

બીજી તરફ નાની પ્રતિમાઓ માટે પાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવો ખાતે પણ સવારથી જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ જોવા મળ્યો હતો. લોકો બાઇક, કાર તેમજ અન્ય વાહનોમાં શ્રીજીની પ્રતિમા લઈને કૃત્રિમ તળાવ સુધી પહોંચ્યા હતા અને પૂજા-વિધિ બાદ ભક્તિભાવપૂર્વક બાપ્પાનું વિસર્જન કર્યું હતું. વિસર્જન યાત્રા દરમિયાન અનેક સ્થળોએ ઢોલ-નગારાના તાલ સાથે યુવાનો અને ભક્તો ઝૂમતા જોવા મળ્યા હતા. ‘ગણપતિ બાપ્પા મોરિયા’ અને ‘આવતા વરસે વહેલા આવજો’ના નાદ વચ્ચે ગુલાલ ઉડતો હતો અને ભક્તો બાપ્પાની એક ઝલક મેળવવા માટે રસ્તાની બંને બાજુ ઊભા રહી જતા હતા. અનેક પરિવારોએ બાળકો સાથે વિસર્જન યાત્રા નિહાળી હતી. કેટલાક સ્થળોએ ભક્તોએ શ્રીજીની આરતી કરી અંતિમ દર્શન કર્યા બાદ વિદાય આપી હતી. એક તરફ ઉત્સવ પૂર્ણ થવાની લાગણી હતી તો બીજી તરફ આગામી વર્ષે ફરી બાપ્પાના આગમનની આશા સાથે ભક્તોમાં ભાવુકતા પણ જોવા મળી હતી. આનંદ ચૌદસના દિવસે વહેલી સવારથી શરૂ થયેલી શ્રીજીની વિદાય યાત્રા દિવસ દરમિયાન પણ સતત ચાલુ રહી હતી.

ભક્તિ સાથે ભાવુક દૃશ્યો પણ જોવા મળ્યા

વિસર્જન યાત્રામાં મહિલાઓ અને બાળકોની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી. અનેક ગણેશ મંડળોના સભ્યો એકસરખા ડ્રેસમાં જોડાયા હતા અને બાપ્પાની વિદાયને યાદગાર બનાવી હતી. ડીજે પર પ્રતિબંધ હોવાથી ઢોલ-નગારાના તાલ અને બેન્ડ સાથે શોભાયાત્રાઓ આગળ વધી રહી હતી. દરમિયાન એક સ્થળે શ્રીજીના વિસર્જન સમયે એક બાળકી બાપ્પાને વિદાય આપતી વખતે ભાવુક બની ગઈ હતી અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. બાળકીના આ ભાવુક દ્રશ્યથી આસપાસનું વાતાવરણ પણ કરુણ બની ગયું હતું.

સુરતની સોસાયટીમાં જ બાપ્પાના વિસર્જનનો ટ્રેન્ડ વધ્યો

પાલિકાના કૃત્રિમ તળાવ સુધી વિસર્જન માટે જવાની પરંપરાથી અલગ હવે સુરતમાં અનેક રહેણાંક સોસાયટીઓમાં જ બાપ્પાને વિદાય આપવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગણેશોત્સવ દરમિયાન સોસાયટીમાં સ્થાપના કરાયેલા શ્રીજીની વિદાય યાત્રા પણ કેમ્પસમાં જ કાઢવામાં આવી હતી. ઢોલ-નગારા સાથે બાપ્પાને વિદાય આપ્યા બાદ મોટા તપેલા, ટબ, પવાલી કે સોસાયટીમાં બનાવેલા નાના કૃત્રિમ તળાવમાં પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. સુરત શહેરમાં આજે(25 સપ્ટેમ્બર) ગણેશ વિસર્જનને લઈને ઠેરઠેર ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા પાલિકાના કૃત્રિમ તળાવ તેમજ દરિયામાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોથી રહેણાંક સોસાયટીઓમાં જ સ્થાપના અને વિસર્જન કરવાની પરંપરા પણ વધી રહી છે.આ વર્ષે શહેરમાં 85 હજારથી વધુ નાની-મોટી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. રહેણાંક સોસાયટીઓમાં સામાન્ય રીતે પાંચ ફૂટથી નાની અને માટીની પ્રતિમા સ્થાપિત કરવાનો આગ્રહ જોવા મળ્યો હતો. ગણેશોત્સવના અંતિમ દિવસે સવારથી જ અનેક સોસાયટીઓમાં પૂજા અને આરતી બાદ રહીશોએ ઢોલ-નગારા સાથે બાપ્પાની વિદાય યાત્રા કાઢી હતી.

Gujarat Samachar - 2026-09-25T195347.820.jpg

સોસાયટીના કોમન પ્લોટમાં જ યાત્રા ફરી અને ત્યારબાદ વિસર્જન કરવામાં આવ્યું હતું. કેટલીક સોસાયટીઓમાં મોટા તપેલામાં, તો ક્યાંક ટબ કે પવાલીમાં શ્રીજીનું વિસર્જન કરાયું હતું. કેટલીક સોસાયટીઓમાં નાના કૃત્રિમ તળાવ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. અગાઉ સોસાયટીના રહીશો પ્રતિમા વિસર્જન માટે પાલિકાના કૃત્રિમ તળાવ અથવા તાપીના ઓવારા સુધી જતા હતા, પરંતુ પર્યાવરણ જાળવણી અંગેની જાગૃતિના કારણે સોસાયટીમાં જ વિસર્જનની પદ્ધતિને વેગ મળ્યો છે. વિસર્જન બાદ પ્રતિમાની માટીને ફેંકી દેવાને બદલે તેનો પુનઃઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. કેટલીક સોસાયટીઓમાં આ માટીનો ઉપયોગ ગાર્ડનમાં ફૂલ-છોડ ઉગાડવા માટે કરાયો હતો. આમ, બાપ્પાની વિદાય સાથે માટીને ફરી જમીનમાં પરત કરવાનો પ્રયાસ જોવા મળ્યો હતો અને બહારના વિસર્જન સ્થળો પરનું ભારણ પણ ઘટ્યું હતું.

વિસર્જનને પગલે તંત્ર ઍલર્ટ મોડમાં

શ્રીજીની વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે પાલિકા, પોલીસ અને વહીવટી તંત્રની ટીમો મધ્યરાત્રિથી જ રસ્તા પર ઉતરી ગઈ હતી. વિસર્જન રૂટ પર પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા અને બેરિકેડિંગ ગોઠવવામાં આવ્યા હતા. પાલિકાની ટીમો દ્વારા વિસર્જન સ્થળો પર જરૂરી વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. મોટી પ્રતિમાઓના વિસર્જન સ્થળો પર પણ સતત દેખરેખ રાખવામાં આવી હતી. મોડી રાત સુધી વિસર્જન યાત્રાઓ ચાલુ રહેવાની હોવાથી તંત્રની ટીમો પણ રાતભર ખડેપગે રહી દોડધામ કરતી જોવા મળી હતી.

DCPએ શું કહ્યું?

DCPએ જણાવ્યું કે, ત્રણ કુદરતી ઓવારાઓ (હજીરા, મગદલ્લા અને ડુમસ) તેમજ 21 કૃત્રિમ તળાવો મળીને આજે કુલ 80 હજારથી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન. જેમાં માત્ર હજીરા ઓવારા પર જ સવારથી 39 જેટલી મૂર્તિઓનું વિસર્જન સંપન્ન થઈ ચૂક્યું છે સુરત પોલીસના સમગ્ર સ્ટાફને અગાઉથી જ પોઇન્ટ-ટૂ-પોઇન્ટ બ્રીફિંગ આપવામાં આવી છે. હજીરા ઓવારા પર વિસર્જનની કામગીરી સરળ બને તે માટે 12 ક્રેન અને 12 ફોર્કલિફ્ટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ દરિયામાં 'લો ટાઈડ' સ્થિતિ સર્જાય તો પણ વિસર્જન અટકે નહીં તે માટે આગળના ભાગમાં એક વધારાની એક્સ્ટ્રા ક્રેનની પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી ભક્તો કોઈ પણ અડચણ ન પડે.

સાવરકુંડલામાં સદ્ભાવના ગ્રૂપના ગણેશ મહોત્સવનું ભવ્ય સમાપન

નસવાડીમાં ગણપતિ બાપ્પાની ભક્તિમય વિદાય

છોટા ઉદેપુરના નસવાડીમાં ગણપતિ મહોત્સવના સમાપન પ્રસંગે અલગ-અલગ વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવેલી ગણપતિ બાપ્પાની મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઢોલ-નગારા અને ડીજેના તાલે નીકળેલી ગણેશજીની વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. યુવાધન ડીજેના તાલે ઝૂમી ઉઠ્યું હતું, જ્યારે મહિલાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

image.png

અશ્વિન નદીમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન

ગણપતિ બાપ્પાની વિદાય વખતે ભક્તો દ્વારા "ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના"ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિસર્જન યાત્રા અશ્વિન નદીના કિનારે પહોંચી હતી, જ્યાં ગણપતિ બાપ્પાની આરતી ઉતારી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું અશ્વિન નદીમાં શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું.

નસવાડી તેમજ આસપાસના વિસ્તારો અને ગામોમાંથી પણ ગણપતિ બાપ્પાની વિસર્જન યાત્રાઓ નીકળતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કર્મચારીઓ દ્વારા યાત્રાના માર્ગો અને વિસર્જન સ્થળો પર સતત દેખરેખ રાખવામાં આવી હતી. આમ, ગણપતિ બાપ્પાની વિદાય પ્રસંગે નસવાડીમાં ભક્તિ, ઉત્સાહ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

ગણેશ વિસર્જન માટેના મુહૂર્ત