Ahmedabad

બાળકીના અપહરણ-દુષ્કર્મના 28 વર્ષ જૂના કેસમાં સરકાર આરોપ સાબિત ન કરી શકી, આખરે નિર્દોષ જાહેર

By GS Team
22 Nov 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટે POCSO કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટના આરોપીને નિર્દોષ છોડવાના ચુકાદાને સમર્થન આપ્યું છે. રાજ્ય સરકારે દાખલ કરેલી અપીલને હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું કે ફરિયાદ પક્ષ આરોપીને ગુના સાથે જોડતા વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. પીડિતાએ ડૉક્ટરને રમતી વખતે પડી જવાથી ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું. આથી, પુરાવાના અભાવે આરોપી નિર્દોષ જાહેર થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાળકીના અપહરણ-દુષ્કર્મના 28 વર્ષ જૂના કેસમાં સરકાર આરોપ સાબિત ન કરી શકી, આખરે નિર્દોષ જાહેર

Gujarat High Court POCSO Case Appeal: POCSO કાયદા હેઠળના એક કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરવાના નડિયાદ સેશન્સ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટે પણ સમર્થન આપ્યું છે. હાઈકોર્ટે રાજ્ય સરકારની અપીલ ફગાવી દેતાં નોંધ્યું હતું કે ફરિયાદપક્ષ આરોપીને ગુના સાથે સાંકળતા વિશ્વસનીય અને નિર્ણાયક પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. કેસમાં ઓળખ પરેડની પ્રક્રિયા, તબીબી જુબાની, સ્વતંત્ર સાક્ષીઓ અને વૈજ્ઞાનિક પુરાવાઓ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે સરકારની અપીલ ફગાવી હતી. હાઈકોર્ટે નોંધ્યું હતું કે તપાસનીશ અધિકારી અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ઓળખ પરેડ માટેની જોગવાઈઓનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નહોતું. આ ઉપરાંત, કેસમાં રજૂ થયેલા પુરાવાઓ આરોપીને ગુના સાથે જોડવા પૂરતા અને નિર્ણાયક ન હોવાનું પણ કોર્ટે જણાવ્યું હતું.

પીડિતાએ ડૉક્ટરને ઈજા રમતી વખતે પડી જવાથી થઈ હોવાનું કહ્યું હતું

કેસમાં ડૉક્ટરની જુબાનીની હાઈકોર્ટે ખાસ નોંધ લીધી હતી. ડૉક્ટરના જણાવ્યા મુજબ, પીડિતાએ તેમને કહ્યું હતું કે રમતી વખતે પડી જવાથી તેને ઈજાઓ થઈ હતી. ફરિયાદી પિતા દ્વારા વર્ણવવામાં આવેલી કથિત ઘટનાની વિગતો પીડિતાએ ડૉક્ટર સમક્ષ જાહેર કરી નહોતી. આ ઉપરાંત, એક સ્વતંત્ર સાક્ષીએ પણ જુબાનીમાં જણાવ્યું હતું કે પીડિતાને ઈજાઓ અંગે પૂછતાં તેણે રમતી વખતે પડી જવાથી ઈજા થઈ હોવાનું કહ્યું હતું. હાઈકોર્ટે સીરોલોજિકલ રિપોર્ટ સહિતના વૈજ્ઞાનિક અને દસ્તાવેજી પુરાવાઓની પણ નોંધ લીધી હતી. રિપોર્ટમાં ફરિયાદપક્ષ દ્વારા પીડિતા કે આરોપીના લોહીના નમૂના લેવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે કહ્યું હતું કે ફરિયાદપક્ષ આરોપીને ગુના સાથે જોડતા મજબૂત પુરાવા રજૂ કરી શક્યો નથી.

19 ડિસેમ્બર, 1996ના રોજ બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં મળી હતી

કેસની વિગતો મુજબ, 19 ડિસેમ્બર, 1996ના રોજ બાળકી શાળામાંથી ઘરે આવ્યા બાદ માતા પાસેથી 50 પૈસા લઈને પાનના ગલ્લે ગઈ હતી. ત્યારબાદ તે ઘરે પરત ન ફરતાં માતાએ તેની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન બાળકી બસ સ્ટેન્ડ નજીક બેભાન અને ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. તેના કપડાં પર લોહીના ડાઘ અને ગુપ્ત ભાગે ઈજાઓ જણાતાં તેને પ્રથમ સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ મામલે માતર પોલીસમથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે આરોપી પ્રવીણ પ્રજાપતિની ધરપકડ કરી હતી.

સેશન્સ કોર્ટના ચુકાદા સામે સરકારની અપીલ પણ ફગાવી

આ કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટે 31 જાન્યુઆરી, 1998ના રોજ આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. સેશન્સ કોર્ટના આ ચુકાદાને પડકારતાં રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જોકે, હાઈકોર્ટે પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ સરકારની અપીલ ફગાવી દીધી હતી અને આરોપીને નિર્દોષ જાહેર કરવાના સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો.