Ahmedabad

આધાર કાર્ડના નામે આતંકી પ્રવૃત્તિનો ડર બતાવી ઠગોએ નિવૃત્ત શિક્ષકના 21.50 લાખ પડાવ્યા

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં સાયબર ઠગોએ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને 77 વર્ષીય નિવૃત્ત શિક્ષક કાંતિલાલ ઠક્કર સાથે 21.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી. ઠગોએ આધાર કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગ અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં થતો હોવાનું કહી, ધરપકડનો ડર બતાવી RTGS દ્વારા અલગ-અલગ બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા. આ મામલે કાંતિલાલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આધાર કાર્ડના નામે આતંકી પ્રવૃત્તિનો ડર બતાવી ઠગોએ નિવૃત્ત શિક્ષકના 21.50 લાખ પડાવ્યા

Mumbai Crime Branch Cyber Fraud : સાયબર ઠગોએ મુંબઈ ક્રાઇમ બ્રાંચના અધિકારી હોવાની ઓળખ આપીને 77 વર્ષના નિવૃત્ત શિક્ષક સાથે 21.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. ઠગોએ શિક્ષકના આધાર કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગ અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં થતો હોવાનો ડર બતાવ્યો હતો. એટલું જ નહીં, ધરપકડથી બચાવવા અને બેંક ખાતામાં રહેલી રકમની ચકાસણી કરવાના બહાને તેમની પાસેથી અલગ-અલગ બેંક ખાતામાં RTGS મારફતે નાણાં ટ્રાન્સફર કરાવ્યાં હતાં. આ મામલે ભોગ બનનાર કાંતિલાલ ઠક્કરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

વોટ્સએપ વીડિયો કોલ કરીને ધરપકડનો ડર બતાવ્યો

ફરિયાદ મુજબ, 6થી 12 ઑક્ટોબર દરમિયાન કાંતિલાલ ઠક્કરને અજાણ્યા શખ્સોએ વોટ્સએપ પર વીડિયો કોલ કર્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાંચના અધિકારી તરીકે આપી હતી. ઠગોએ કાંતિલાલને જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને ખોટું સિમ કાર્ડ મેળવવામાં આવ્યું છે અને કેનેરા બેંકમાં ખાતું ખોલવામાં આવ્યું છે. આ ખાતાનો ઉપયોગ મની લોન્ડરિંગ અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો હોવાનો દાવો કરીને તેમની ધરપકડ થઈ શકે છે તેવી ધમકી આપવામાં આવી હતી.

ED અને સુપ્રીમ કોર્ટના નકલી દસ્તાવેજો મોકલ્યા

ઠગોએ કાંતિલાલ પર દબાણ વધારવા માટે મુંબઈ પોલીસ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), રિઝર્વ બેંક અને સુપ્રીમ કોર્ટના નામે નકલી પત્રો મોકલ્યા હતા. આ દસ્તાવેજો પર નકલી સહી અને સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેસમાંથી બચવા માટે સહકાર આપવો પડશે અને બેંકમાં રહેલી રકમની ચકાસણી કરાવવી પડશે તેમ કહી ઠગોએ તેમને વિશ્વાસમાં લીધા હતા.

બે દિવસમાં બે વખત નાણાં ટ્રાન્સફર કરાવ્યાં

ઠગોની વાતોમાં આવી ગયેલા કાંતિલાલે 8 ઑક્ટોબરે 15 લાખ રૂપિયા અને 9 ઑક્ટોબરે 6.50 લાખ રૂપિયા એમ કુલ 21.50 લાખ રૂપિયા બે અલગ-અલગ બેંક ખાતાંમાં RTGS મારફતે ટ્રાન્સફર કર્યા હતા. નાણાં મળ્યા બાદ ઠગોએ તેમને નકલી પહોંચ મોકલી હતી અને ત્યારબાદ સંપર્ક બંધ કરી દીધો હતો.

છેતરપિંડીની જાણ થતા ફરિયાદ

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં કાંતિલાલે સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાએ ફરી એક વખત સાબિત થયું છે કે, પોલીસ, તપાસ એજન્સી કે બેંકના અધિકારી હોવાનો દાવો કરીને વીડિયો કોલ પર ધરપકડનો ડર બતાવનાર વ્યક્તિઓથી સાવચેત રહેવું જરૂરી છે. કોઈ પણ સરકારી એજન્સી કે તપાસના નામે અજાણ્યા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતાં પહેલાં સત્તાવાર માધ્યમથી ખરાઈ કરવી જોઈએ.