અમદાવાદના અમરાઈવાડીમાં બોલાચાલી બાદ મારામારી, યુવકે લોહીની ઊલટી થયા બાદ મોત, બે સામે હત્યાનો ગુનો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના અમરાઈવાડી મહાલક્ષ્મીનગરના ગેટ આગળ જાહેરમાં બોલાચાલી અને મારામારી થયા બાદ 24 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. મારામારીમાં ઇન્ટરનલ ઇન્જરી થવાના કારણે યુવકનું સવારે મોત નીપજ્યું હતું. જોગમાયાનગરમાં રહેતો યુવક અને તેના મિત્ર સાથે થયેલી ઝપાઝપીમાં અક્ષય નીચે પટકાયો હતો, ત્યારબાદ ઘરે પહોંચેલા યુવકને વહેલી સવારે લોહીની ઊલટીઓ થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે મૃતકની બહેનની ફરિયાદના આધારે અમરાઈવાડી પોલીસે મારા મારી કરનાર બે સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, અમરાઈવાડી મહાલક્ષ્મીનગર ચારમાળિયા ખાતે 24 વર્ષીય અક્ષય માતા-પિતાના અવસાન બાદ એકલો રહેતો હતો. ગુરુવારે (આઠમી ઓક્ટોમ્બર) સાંજે તે મહાલક્ષ્મીનગરના ગેટ આગળ હાજર હતો, ત્યારે જોગમાયાનગરમાં રહેતો પરેશ ઉર્ફે લતીફ સાગઠિયા તથા તેનો મિત્ર ત્યાં આવ્યા હતા. બંનેએ કોઈ કારણસર અક્ષય સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી છૂટા હાથની મારામારી કરી હતી. મારામારી દરમિયાન અક્ષય નીચે પટકાયો હતો અને ત્યારબાદ તે પોતાના ઘરે જતો રહ્યો હતો.
શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) વહેલી સવારે અક્ષયને અચાનક લોહીની ઊલટીઓ થવા લાગી હતી. જેથી તેના મિત્ર નયને 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડ્યો હતો અને સવારે વટવા ખાતે રહેતી અક્ષયની બહેન તુલસીને જાણ કરી હતી. તુલસીબહેન અને તેમના પતિ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તબીબોએ અક્ષયની ગંભીર હાલત જોઈ તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું. જોકે, 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ અક્ષયનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવારે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પરેશ અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રાત્રે સામાન્ય ઝઘડો લાગ્યો, સવારે ઇન્ટરનલ ઇન્જરી જીવલેણ સાબિત થઈ
ઝઘડા બાદ અક્ષય પોતાના પગે ચાલીને ઘરે પહોંચી ગયો હોવાથી શરૂઆતમાં સામાન્ય મારામારી લાગી હતી. પરંતુ છૂટા હાથની મારામારી અને નીચે પટકાવાને કારણે શરીરના આંતરિક ભાગમાં ગંભીર ઈજા કે હેમરેજ થયું હોવાની આશંકા છે, જેના લીધે વહેલી સવારે તેને અચાનક લોહીની ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી અને બાદમાં તેનું મોત થયું હતું.




