Ahmedabad

અમદાવાદ: સરખેજ-ધોળકા રોડ પર ફતેહવાડીમાં ક્લોરિન ગેસ ગળતરની શંકા, આંખોમાં બળતરા અને શ્વાસ રૂંધાતા અફરાતફરી

By GS Team
16 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સરખેજ પાસે ફતેહવાડીમાં શંકાસ્પદ ક્લોરિન ગેસ ગળતરથી અફરાતફરી મચી હતી. સ્થાનિકોને આંખોમાં બળતરા અને ખાંસી થતાં લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની 5-6 ગાડીઓ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ગેસ લીકેજ ક્યાંથી થયું તેની તપાસ ચાલી રહી છે, જ્યારે અસરગ્રસ્તોને પ્રાથમિક સારવાર અપાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સરખેજ-ધોળકા રોડ પર ફતેહવાડીમાં ક્લોરિન ગેસ ગળતરની શંકા, આંખોમાં બળતરા અને શ્વાસ રૂંધાતા અફરાતફરી

Suspected Gas Leak Ahmedabad: અમદાવાદના સરખેજ રેલવે સ્ટેશનથી આગળ ધોળકા રોડ પર આવેલા ફતેહવાડી વિસ્તારમાં શંકાસ્પદ ક્લોરિન ગેસ ગળતરની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. ગેસ લીકેજના કારણે આસપાસના રહીશોને આંખોમાં તીવ્ર બળતરા અને ખાંસી ઉપડતાં લોકો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા. બનાવ અંગે સ્થાનિકો દ્વારા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં જ ફાયર બ્રિગેડની 5થી 6 ગાડીઓ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિ કાબૂમાં લેવાની કવાયત હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે ક્લોરિન ગેસ લીક થયો હોવાની ચર્ચા છે, જોકે ફાયર વિભાગ અને નિષ્ણાતો દ્વારા આ અંગે સત્તાવાર તપાસ ચલાવવામાં આવી રહી છે.

સરખેજ-ધોળકા રોડ પર ફતેહવાડીમાં ક્લોરિન ગેસ ગળતરની શંકા

​સ્થાનિક સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ, સરખેજ-ધોળકા રોડ પર ફતેહવાડી વિસ્તારમાં અચાનક વાતાવરણમાં તીવ્ર વાસ ફેલાઈ ગઈ હતી. જોતજોતામાં વાસ એટલી તીવ્ર બની ગઈ કે લોકોને આંખોમાંથી પાણી નીકળવા લાગ્યા હતા અને શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. બનાવની ગંભીરતાને જોતાં 108ની ટીમો દ્વારા અસરગ્રસ્તોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા ગેસ ક્યાંથી અને કયા સ્ત્રોતમાંથી લીક થઈ રહ્યો છે તે શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે ભીડ એકત્ર ન થાય અને રાહત કામગીરીમાં અવરોધ ન આવે તે માટે વિસ્તારની ઘેરાબંધી કરી ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે.

ક્લોરિન સિલિન્ડર, સ્ક્રેપ કે ટેન્કર: લીકેજનો સ્ત્રોત શોધવા કવાયત

ક્લોરિન ગેસ સામાન્ય રીતે પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ, કેમિકલ પ્રોસેસિંગ યુનિટ્સ અથવા ઔદ્યોગિક વપરાશમાં ઉપયોગમાં લેવાય છે. ફતેહવાડી વિસ્તારમાં કોઈ સ્ક્રેપના ગોડાઉનમાં જૂનો સિલિન્ડર કાપતી વખતે આ લિકેજ થયું છે, કોઈ અનધિકૃત ફેક્ટરીમાંથી વાલ્વ લીક થયો છે કે રોડ પરથી પસાર થતાં વાહનમાંથી આ અસરો ઊભી થઈ છે તે દિશામાં ફાયર ઓફિસરો ગેસ ડિટેક્શન કીટ સાથે તપાસ કરી રહ્યા છે.