Ahmedabad

'પત્નીને લગ્નજીવનમાં રસ નથી, માત્ર ભરણપોષણ માટે અરજી કરી': અમદાવાદ ફેમિલી કોર્ટે પત્નીની માગ ફગાવી, બાળક માટે ₹7 હજાર મંજૂર

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદની ફેમિલી કોર્ટે ભરણપોષણના એક કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. સ્વેચ્છાએ પિયર ગયેલી પત્નીની ₹45 હજાર માસિક ભરણપોષણની અરજી રદ થઈ. જોકે, કોર્ટે 28 વર્ષીય પતિને પોતાના માસૂમ બાળકના ઉછેર માટે દર મહિને ₹7,000 ચૂકવવા આદેશ કર્યો. પત્નીએ પતિ પર ત્રાસનો આરોપ મૂક્યો હતો, પરંતુ કોર્ટે પત્ની સ્વેચ્છાએ અલગ રહેતી હોવાથી ભરણપોષણ નામંજૂર કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

'પત્નીને લગ્નજીવનમાં રસ નથી, માત્ર ભરણપોષણ માટે અરજી કરી': અમદાવાદ ફેમિલી કોર્ટે પત્નીની માગ ફગાવી, બાળક માટે ₹7 હજાર મંજૂર

Ahmedabad Family Court Maintenance Verdict: અમદાવાદની ફેમિલી કોર્ટે ભરણપોષણના કેસમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સ્વેચ્છાએ ઘર છોડીને પિયર જતી રહેલી અને લગ્નજીવન ભોગવવામાં રસ ન ધરાવતી પત્નીની માસિક ₹45 હજારના ભરણપોષણની અરજીને કોર્ટે નામંજૂર કરી દીધી છે. જો કે, કોર્ટે 28 વર્ષીય પતિને પોતાના માસૂમ બાળકના ઉછેર માટે દર મહિને ₹7,000 ચૂકવવાનો આદેશ કર્યો છે.

શું હતો સમગ્ર કેસ?

કેસની વિગતો મુજબ, અમદાવાદની 22 વર્ષીય પરણિતાના લગ્ન વર્ષ 2022માં 28 વર્ષીય યુવક સાથે થયા હતા. પત્નીએ ફેમિલી કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો હતો કે, સાસરિયાઓ તેને કરિયાવરમાં ગાડીના બદલે બાઇક આપવા બાબતે મેણાં-ટોણાં મારતા હતા. તેનો પતિ લગ્ન જબરજસ્તી થયા હોવાનું કહી બિભત્સ ગાળો આપી, રસોઈ ન આવડતી હોવાનું કહી માનસિક-શારીરિક ત્રાસ આપતો હતો. પત્નીએ દાવો કર્યો હતો કે તેના પિતા કેન્સરથી પીડાય છે અને ગર્ભાવસ્થા તથા સુવાવડનો ખર્ચ પણ તેના પિયરિયાઓએ ઉઠાવ્યો હતો. પતિ ટ્રાવેલ્સ બુકિંગના ધંધામાંથી મહિને ₹1 લાખથી વધુ કમાતો હોઈ તેણે મહિને ₹45 હજાર ભરણપોષણ, ભાડાના રૂ.5,300 સહિત કુલ ₹55 હજારની માગ કરી હતી.

પતિના વકીલની દલીલો અને કોર્ટનો ચુકાદો

પતિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ કોર્ટ સમક્ષ રજૂઆતો કરી હતી કે, પત્નીએ પતિ પર પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. ખરેખર પત્નીના પિયર પક્ષ તરફથી લગ્નજીવનમાં વધુ પડતી દખલગીરી કરવામાં આવતી હતી અને અરજદારની પત્ની સ્વેચ્છાએ પોતાનું ઘર છોડીને પિયર જતી રહી છે. તેને લગ્નજીવન ભોગવવામાં કોઈ રસ નથી અને આ અરજી માત્ર ભરણપોષણ પડાવવા માટે કરવામાં આવી છે.

કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે, પત્ની સ્વેચ્છાએ પિયરમાં રહેવા જતી રહી હોવાથી તેને ભરણપોષણ મળે નહીં. આથી પત્નીની ભરણપોષણની અરજી રદ કરવામાં આવી હતી, જ્યારે બાળકના ભવિષ્ય અને ઉછેરને ધ્યાનમાં રાખીને પતિને દર મહિને ₹7,000 ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.