Ahmedabad

VIDEO: અમદાવાદના ડૉક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી ₹8 કરોડથી વધુની ઠગાઈ, 1 વર્ષથી ફરાર મુખ્ય આરોપી સુરતથી ઝડપાયો!

By GS Team
17 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના 88 વર્ષીય ડૉક્ટરને ED અધિકારી તરીકે ધમકાવી, 'ડિજિટલ એરેસ્ટ' કરી રૂ.8.05 કરોડની ઠગાઈ કરનાર વોન્ટેડ આરોપી અલ્તાફ મેમણને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉધના દરવાજા પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપીએ ડૉક્ટરના શેર વેચાવી RTGSથી પૈસા પડાવ્યા હતા. અગાઉ હરિયાણામાં પણ તેણે 3 કરોડની ઠગાઈ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: અમદાવાદના ડૉક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી ₹8 કરોડથી વધુની ઠગાઈ, 1 વર્ષથી ફરાર મુખ્ય આરોપી સુરતથી ઝડપાયો!

Ahmedabad Doctor Digital Arrest Case: અમદાવાદના 88 વર્ષીય વૃદ્ધ ડૉક્ટરને ED અને ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકાવીને 'ડિજિટલ એરેસ્ટ' કરી રૂ.8.05 કરોડથી વધુની મકાન-શેર વેચાણની રકમ પડાવી લેવાના બહુચર્ચિત ગુનામાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી અલ્તાફ ઉર્ફે અલ્તાફ મેમણ હબીબભાઈ પીઠડીયાને સુરતના ઉધના દરવાજા નજીકથી પકડી પાડવામાં આવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

અમદાવાદના બોડકદેવ/પાલડી વિસ્તારના જાણીતા 88 વર્ષીય ડૉ. હેમંત ભાસ્કરરાવ ઠાકોરને ઓગસ્ટ 2025 દરમિયાન અજાણ્યા નંબરો પરથી વોટ્સએપ કોલ આવ્યા હતા. ઠગોએ પોતાની ઓળખ 'એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)' મુંબઈના અધિકારી તરીકે આપી હતી.

ઠગોએ ડૉક્ટરને ડરાવતા કહ્યું કે, "જેટ એરવેઝના નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસની તપાસમાં તમારા કેનરા બેંક એકાઉન્ટમાં રૂ.5 લાખ જમા થયા છે અને તમે દેશવિરોધી ક્રાઈમ સાથે જોડાયેલા છો." આ સાથે જ દિલ્હી કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નામના બનાવટી પત્રો, બનાવટી ડેબિટ કાર્ડ અને સરકારી સીલ વાળા લેટર્સ વોટ્સએપમાં મોકલી તેમને માનસિક તણાવમાં મૂકી દીધા હતા.

ડર બતાવી શેર વેચાવી દીધા અને ₹8.05 કરોડ પડાવ્યા

આરોપીઓએ ડૉક્ટરને "આ દેશવિરોધી ગંભીર કેસ છે, કોઈને વાત કરશો તો 40 દિવસ માટે જેલમાં જવું પડશે" તેવી ધમકી આપી વીડિયો કોલ પર 24 કલાક નજર હેઠળ રાખ્યા હતા (ડિજિટલ એરેસ્ટ). ત્યારબાદ તેમના ડિમેટ એકાઉન્ટમાં રહેલા શેર વેચાવીને તથા બેંક એકાઉન્ટમાંથી RTGS મારફતે અલગ-અલગ 7 ટ્રાન્ઝેક્શનથી કુલ રૂ.8,05,50,000 (આઠ કરોડ પાંચ લાખ પચાસ હજાર) મેળવી લઈ ઠગાઈ આચરી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

સુરત શહેર પોલીસની ટીમ સર્વેલન્સમાં હતી ત્યારે મળેલી સચોટ બાતમીના આધારે ઉધના દરવાજા ચાર રસ્તા નજીકથી આરોપી અલ્તાફ ઉર્ફે અલ્તાફ મેમણ(ઉં.વ.37, રહે. સેળાવદર-તળાજા, ભાવનગર/હાલ રહે. ઉનગામ, સુરત)ને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીનો કબજો આગળની કાર્યવાહી માટે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.

અગાઉ હરિયાણામાં પણ 3 કરોડની ઠગાઈ આચરી હતી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા આરોપી સામે હરિયાણાના ગુરુગ્રામ સાયબર ક્રાઈમ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પણ એક વૃદ્ધ ડૉક્ટર સાથે રૂ.3.03 કરોડની ડિજિટલ એરેસ્ટ ઠગાઈનો ગુનો નોંધાયેલો છે.

સાવચેતીની અપીલ

યાદ રાખો કોઈપણ સરકારી એજન્સી (જેમ કે CBI, ED, કે પોલીસ) ક્યારેય વોટ્સએપ કે વીડિયો કોલ પર 'ડિજિટલ એરેસ્ટ' કરતી નથી કે નાણાંની માંગણી કરતી નથી. જો કોઈ તમને વીડિયો કોલ પર પોલીસ કે સરકારી અધિકારીની ઓળખ આપી પૈસા માગે, તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા 1930 સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કરો.