Ahmedabad

અમદાવાદ: ધોળકા પાસેની કેનાલમાં 90 મીટરનું ભંગાણ: વિકાસના દાવાઓ સામે કેનાલની ગુણવત્તા પર સવાલો, સમારકામ શરૂ

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના દસક્રોઈ તાલુકાના કાસિન્દ્રા ગામ પાસેથી પસાર થતી ધોળકા શાખા નહેરમાં 23 જુલાઈએ ભારે વરસાદને કારણે 90 મીટરનું ગાબડું પડ્યું હતું. આ ઘટનાથી નર્મદા નિગમની નબળી કામગીરી અને ભ્રષ્ટાચાર સામે સવાલો ઉઠ્યા છે. ધારાસભ્ય સહિતના અધિકારીઓએ સ્થળ તપાસ કરી, અને હાલ યુદ્ધના ધોરણે પુરાણ કામગીરી ચાલી રહી છે. 12 ઓગસ્ટ સુધીમાં પાકા લાઇનિંગનો લક્ષ્યાંક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ધોળકા પાસેની કેનાલમાં 90 મીટરનું ભંગાણ: વિકાસના દાવાઓ સામે કેનાલની ગુણવત્તા પર સવાલો, સમારકામ શરૂ

Ahmedabad Dholka Canal: રાજ્યમાં વરસાદી આફત વચ્ચે સરકારી વિકાસ કાર્યોની પોલ ખોલતી એક મોટી ઘટના સામે આવી છે. ગત 23 જુલાઈએ અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે દસક્રોઈ તાલુકાના કાસિન્દ્રા ગામની સીમ પાસેથી પસાર થતી નર્મદા નિગમ હસ્તકની ધોળકા શાખા નહેરમાં આશરે 90 મીટર જેટલું મોટું ગાબડું (ભંગાણ) પડ્યું હતું. આ ઘટનાએ માત્ર તંત્રની દોડધામ જ મચાવી નથી, પરંતુ નર્મદા કેનાલોની નબળી ગુણવત્તા અને કામગીરી સામે પણ પિયત વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ અને સવાલો ઊભા કર્યા છે.

કેનાલની ગુણવત્તા સામે ઉઠતા ગંભીર સવાલો

ઉપરવાસમાંથી આવેલા પાણીના સામાન્ય કે ભારે પ્રવાહ માત્રથી નહેરમાં ૯૦ મીટર જેટલો લાંબો ભાગ તૂટી પડવો એ કેનાલના નિર્માણ કાર્યમાં વપરાયેલી સામગ્રી અને તેના ઈજનેરી ધોરણો પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. ખેડૂતો અને સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે જો થોડા જ વરસાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નહેરો આ પ્રકારે પત્તાના મહેલની જેમ ધરાશાયી થતી હોય, તો તેનાથી સરકારના વિકાસના દાવાઓની વાસ્તવિકતા છતી થાય છે. શું આ કામગીરીમાં ભ્રષ્ટાચાર કે વહીવટી બેદરકારી જવાબદાર છે? તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે.

તંત્રની દોડધામ અને સ્થળ નિરીક્ષણ

ભંગાણના અહેવાલ મળતા જ 24 જુલાઈના રોજ દસક્રોઈના ધારાસભ્ય, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તેમજ નર્મદા નિગમના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને કટોકટીની આ સ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પગલાં ભરવાની કવાયત હાથ ધરી હતી.

ખરીફ સિઝનને ધ્યાનમાં રાખીને યુદ્ધના ધોરણે પુરાણ કામગીરી

ચાલુ ખરીફ સિઝનમાં દસક્રોઈ અને ધોળકા તાલુકાના હજારો એકર પિયત વિસ્તારમાં સિંચાઈનું પાણી અટકી ન પડે તે અત્યારે તંત્ર માટે સૌથી મોટો પડકાર છે. ભંગાણ વધુ વિકરાળ સ્વરૂપ ન ધારણ કરે તે માટે તંત્ર દ્વારા ભારે મશીનરી અને માનવબળ કામે લગાવાયું છે. હાલમાં મોટા કાળા પથ્થરો તથા કોંક્રિટનો ઉપયોગ કરીને નહેરના ભંગાણવાળા ભાગમાં અસ્થાયી પુરાણ કામગીરી યુદ્ધના ધોરણે આગળ વધારવામાં આવી રહી છે.

આગામી 12 ઓગસ્ટ સુધી પાકા લાઇનિંગનો લક્ષ્યાંક

અસ્થાયી મરામત બાદ નર્મદા નિગમ દ્વારા ભંગાણવાળા હિસ્સામાં કાયમી ધોરણે પાકું લાઇનિંગ (Lining) કરવાનું આયોજન કરાયું છે. આગામી 12 ઓગસ્ટ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં આવા જોખમોથી બચી શકાય અને પાણીનો પ્રવાહ સુરક્ષિત રીતે આગળ વધી શકે.

ખેડૂતો અને હિતધારકોની નજર હવે માત્ર 12 ઓગસ્ટે પૂરી થનારી કામગીરી પર જ નહીં, પરંતુ કેનાલોની નબળી ગુણવત્તા માટે જવાબદાર લોકો સામે કેવા પગલાં લેવાય છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન સર્જાય તે માટે તંત્ર શું નક્કર આયોજન કરે છે તેના પર પણ રહેશે.