ડેન્ગ્યૂના મચ્છરો સ્વચ્છ પાણીમાં જ પેદા થાય છે! બે મહિનામાં 857 કેસ, અમદાવાદમાં બેકાબૂ રોગચાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Dengue Cases: દરવર્ષે ભારતના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવતા અમદાવાદમાં હાલમાં ડેન્ગ્યુનો રોગચાળો બેકાબૂ બન્યો હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. ફક્ત 57 દિવસમાં ડેન્ગ્યુના 857 કેસ મ્યુનિસિપલના ચોપડે સત્તાવાર રીતે નોંધાયા છે. આ સિવાય નોંધાયા નહીં હોય તેવા અનેકગણા વધારે કેસ શહેરમાં છે. ત્યારે હવે આ રોગચાળાને કાબૂમાં લેવાની જવાબદારી લોકોના શિરે નાખવામાં આવી છે. આજે મ્યુનિસિપલ કમિશનરે અપીલ કરીને લોકોને પોતાની આસપાસ ભરાયેલા પાણીનો નાશ કરવા અનુરોધ કર્યો છે.
અમદાવાદમાં બેકાબૂ રોગચાળાને ડામવાની જવાબદારી હવે લોકોના શિરે
અમદાવાદના શહેરીજનોને ડેન્ગ્યુ સામેની લડતમાં જોડાવાની અપીલ કરતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, સામાન્ય લોકો એવી માન્યતા ધરાવે છે કે, માત્ર ગંદા પાણીમાં જ મચ્છરોનો ઉપદ્રવ થાય છે. પરંતુ ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છરનું બ્રીડિંગ સ્વચ્છ પાણીમાં થાય છે. માટે ઘર, ઓફિસ, અગાશી વગેરે સ્થળોએ ભરાયેલા સ્વચ્છ પાણીને પણ ખાલી કરી નાંખવું જોઈએ. જેમાં પાણી ભરેલા વાસણો, ફ્રીઝની ટ્રે, વોટર કુલર વગેરે પાત્રોનો પણ સમાવેશ થાય છે.
ઘરની આસપાસ ક્યાંય પાણી ભરાયેલું હોય તો તેમાં બળેલું ઓઈલ અને દવાનો છંટકાવ કરવા લોકોને અનુરોધ કરાયો છે. કમિશનરે બચાવ કરતા એમ પણ ઉમેર્યું હતું કે, મ્યુનિસિપલ દ્વારા વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સામૂહિક પ્રયાસો પણ આવશ્યક છે.
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ
•ડેન્ગ્યુ, ઓગસ્ટમાં 361 કેસ, 20મી સપ્ટેમ્બરમાં 496 કેસ
•મેલેરિયા, ઓગસ્ટમાં 141 કેસ, 20મી સપ્ટેમ્બરમાં 70 કેસ
•ઝેરી મેલેરિયા, ઓગસ્ટમાં 28 કેસ, 20મી સપ્ટેમ્બરમાં 22 કેસ
•ચિકનગુનિયા, ઓગસ્ટમાં 4 કેસ. 20મી સપ્ટેમ્બરમાં 7 કેસ




