Ahmedabad

અમદાવાદ: સિલાઈકામના બાકી ₹27 હજાર સામે ₹14 લાખની ઉઘરાણી, વેપારીનું અપહરણ કરી તલવાર-દંડાથી માર માર્યો, 8 સામે ફરિયાદ

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના દાણીલીમડાના કાપડ વેપારી સાજિદ સોજતવાલાનું ₹27 હજારની સિલાઈના બાકી નીકળતા પૈસા સામે ₹14 લાખની પઠાણી ઉઘરાણી માટે 8 શખસોએ અપહરણ કર્યું હતું. 9 ઓક્ટોબરે રાત્રે જમાલપુરથી અપહરણ કરી, ગોળલીમડા 'ટાઈગર પોઇન્ટ' ખાતે તલવાર-દંડાથી હુમલો કરાયો. ભાઈઓ સમયસર પહોંચતા બચાવ થયો, ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સિલાઈકામના બાકી ₹27 હજાર સામે ₹14 લાખની ઉઘરાણી, વેપારીનું અપહરણ કરી તલવાર-દંડાથી માર માર્યો, 8 સામે ફરિયાદ

Ahmedabad Extortion Case: અમદાવાદના દાણીલીમડામાં રહેતા અને કાપડ પ્રિન્ટિંગનો વ્યવસાય કરતા વેપારી પાસે સિલાઈકામના બાકી નીકળતા રૂ.27 હજાર સામે રૂ.14 લાખની બળજબરીપૂર્વક પઠાણી ઉઘરાણી કરવા માટે 8 શખસોએ કારમાં અપહરણ કરી જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. 9 ઓક્ટોબરની રાત્રે જમાલપુર પથ્થરવાળી મસ્જિદ પાસેથી વેપારીને ઉઠાવી જઈ ગોળલીમડા સ્થિત ‘ટાઇગર પોઇન્ટ’ ખાતે તલવાર અને બેઝબોલના દંડા વડે ફટકારવામાં આવ્યા હતા. ભોગ બનનાર વેપારીના ભાઈઓ સમયસર સ્થળ પર પહોંચી જતાં તેમનો બચાવ થયો હતો. આ મામલે વેપારીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મનીષ મુંજાણી, અલ્માસ શેખ સહિત 8 શખસો સામે ફરિયાદ નોંધાવી છે.

સિલાઈકામના બાકી ₹27 હજાર સામે ₹14 લાખની ઉઘરાણી

પોલીસ ફરિયાદ મુજબ, ​દાણીલીમડા વિસ્તારમાં રહેતા સાજિદ સોજતવાલા કાપડ પ્રિન્ટિંગનો વ્યવસાય કરે છે. ગત 9 ઓક્ટોબરની રાત્રે તેઓ પોતાની ફેક્ટરી 'સિમરન ફેશન' પરથી એક્ટિવા લઈને પથ્થરવાળી મસ્જિદ ખાતે બેસણામાં જવા નીકળ્યા હતા. તે દરમિયાન રોહાન ઉર્ફે રોમાન ઝુલફીકાર શેખ નામનો શખસ આવ્યો હતો અને ‘સામે એક ભાઈ બોલાવે છે’ તેમ કહી તેમને લઈ ગયો હતો. ત્યાં ઊભેલી બ્લુ કલરની ફોર-વ્હીલર ગાડીમાંથી ઉતરેલા અજાણ્યા શખસોએ સાજિદનું અપહરણ કરી ગાડીમાં બેસાડી દીધા હતા અને તેમનો મોબાઈલ ફોન ઝૂંટવી માર માર્યો હતો.
​
વેપારીનું અપહરણ કરી તલવાર-દંડાથી માર માર્યો, 8 સામે ફરિયાદ

ત્યારબાદ અપહરણકારો સાજિદને ગોળલીમડા ખાતે આવેલી અલ્માસ શેખની 'ટાઇગર પોઇન્ટ' નામની જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં અલ્માસ શેખે તેમને ધમકાવીને કહ્યું હતું કે, "તારે મનીષ મુંજાણીને સિલાઈકામના રૂ. 14 લાખ આપવાના નીકળે છે તે આપી દેજે, નહીં તો તને જોઈ લઈશ." સાજિદે સ્પષ્ટતા કરી કે મારે મનીષને માત્ર રૂ.27 હજાર જ આપવાના થાય છે, જેથી ઉશ્કેરાયેલા અલ્માસે ગાળો ભાંડી બેઝબોલના દંડાથી માર માર્યો હતો.

"પૈસા નહીં આપે તો પગ તોડી નાખીશ"

આ દરમિયાન અન્ય એક અજાણ્યા શખસે તલવારથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. બહાર ઊભેલા મનીષ મુંજાણીએ પણ અંદર આવી સાજિદને લાફા મારી "પૈસા નહીં આપે તો પગ તોડી નાખીશ" તેવી ધમકી આપી હતી. દરમિયાન સાજિદના નાના ભાઈઓ અસ્ફાક અને મોહશીન શોધતા શોધતા ત્યાં આવી પહોંચતા તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ મામલે સાજિદભાઈએ ગાયકવાડ હવેલી પોલીસ મથકે મનીષ મુંજાણી, અલ્માસ શેખ, અલ્માસની બીજી પત્ની, રોહાન તથા અન્ય અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.