અમદાવાદ: હાથીજણમાં દોઢ વર્ષની બાળકી રૂમમાં લોક થઈ ગઈ! ફાયર બ્રિગેડે કર્યું દિલધડક રેસ્ક્યૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Fire Brigade Rescues: અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં શુક્રવારે(26 જૂન) સાંજે એક શ્વાસ અધ્ધર કરી દે તેવી ઘટના સામે આવી છે. પીએમ આવાસ યોજનાના એક મકાનમાં દોઢ વર્ષની માસૂમ બાળકી રમતા રમતા અચાનક રૂમમાં લોક થઈ ગઈ હતી. ઘરે માતા એકલી હોવાથી ભારે ગભરાટ વ્યાપી ગયો હતો, પરંતુ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમે દિલધડક રેસ્ક્યૂ કરીને ગણતરીની મિનિટોમાં જ માસૂમ બાળકીને સુરક્ષિત બહાર કાઢી માતાને સોંપી હતી.
હાથીજણમાં દોઢ વર્ષની બાળકી રૂમમાં લોક થઈ ગઈ!
ઘટનાની વિગત મુજબ, હાથીજણના વિવેકાનંદનગર પાસે આવેલા 'પંડિત દીનદયાળ-3, પીએમ આવાસ યોજના'ના ક્વાર્ટર્સમાં શુક્રવારે સાંજે એક પરિવારની દોઢ વર્ષની દીકરી ઘરના રૂમમાં રમી રહી હતી. આ સમયે તેની માતા રસોડામાં ઘરકામમાં વ્યસ્ત હતી. રમતા રમતા બાળકીએ અજાણતામાં દરવાજાની પાછળ રહેલી સ્ટોપર અંદરથી વાસી દીધી હતી.
112 હેલ્પલાઈન પર કોલ અને ત્વરિત એક્શન
માતાએ રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ અંદરથી લોક હોવાના કારણે દરવાજો ખૂલ્યો ન હતો. ઘરમાં અન્ય કોઈ સભ્ય હાજર ન હોવાથી માતા ભારે ગભરાઈ ગઈ હતી. જોકે, સમયસૂચકતા વાપરી તેમણે તાત્કાલિક ઇમરજન્સી હેલ્પલાઈન નંબર 112 પર કોલ કરીને મદદ માગી હતી. જેમાં ફાયર કંટ્રોલ રૂમને સાંજે 6:36 વાગ્યે આ અંગેનો મેસેજ મળતા જ નજીકના સ્ટેશનથી ફાયર જવાનોની ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ
ફાયર બ્રિગેડના જવાનોએ લોકેશન પર પહોંચીને અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી શરૂ કરી હતી. રૂમની અંદર માસૂમ બાળકી હોવાથી દરવાજાને એવી રીતે ખોલવામાં આવ્યો જેથી બાળકીને કોઈ ઈજા ન થાય. ફાયરના જવાનોએ ગણતરીની મિનિટોમાં જ લોક ખોલી નાખ્યું હતું. અંદર બાળકી એકદમ સુરક્ષિત મળી આવી હતી.
ફાયર ઓફિસરનું નિવેદન
અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, "બાળકી માતાની નજર ચૂકવીને રૂમમાં ગઈ હતી અને ભૂલથી સ્ટોપર વાસી દીધી હતી. માતા એકલી હોવાથી તેણે તુરંત ઇમરજન્સી સેવાઓનો સંપર્ક કર્યો હતો. અમારી ટીમે ત્વરિત રિસ્પોન્સ આપીને મિનિટોમાં જ રેસ્ક્યૂ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે."
દીકરી સહીસલામત બહાર આવતા જ આક્રંદ કરતી માતાના જીવમાં જીવ આવ્યો હતો અને અંતે તેમણે ફાયર બ્રિગેડના જવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.








