અમદાવાદના SG હાઈવે પર વધુ એક ચાર રસ્તા સિગ્નલ-ફ્રી થશે, હવે પકવાન ખાતે 'કેપ્સ્યુલ સિસ્ટમ'નો અમલ કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Pakwan Crossroads Capsule Traffic System: અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે (SG હાઈવે) પર ટ્રાફિક જામની સમસ્યા ઘટાડવા અને જંક્શનને સિગ્નલ-ફ્રી બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા 'કેપ્સ્યુલ ડિઝાઈન' અમલમાં મૂકવામાં આવી છે. જે બાદ હવે એસજી હાઈવે પર આવેલા અતિ વ્યસ્ત પકવાન ચાર રસ્તા ખાતેના ક્રોસિંગને બંધ કરીને ત્યાં નવી કેપ્સ્યુલ સિસ્ટમ કાર્યરત કરવામાં આવનાર છે.
શું છે 'કેપ્સ્યુલ સિસ્ટમ'?
આ વ્યવસ્થા હેઠળ સીધા ક્રોસિંગ અથવા જમણા વળાંક માટે વાહનોએ થોડું આગળ જઈને કેપ્સ્યુલ આકારના ડિવાઈડર/ઓપનિંગ પાસેથી યુ-ટર્ન લેવો પડે છે, જ્યારે ડાબો વળાંક ફ્રી રહે છે.
SG હાઈવે પર હાલ ક્યાં ક્યાં 'કેપ્સ્યુલ સિસ્ટમ' અમલમાં છે
- પેલેડિયમ મોલ જંક્શન
- કારગિલ પેટ્રોલ પંપ ચાર રસ્તા
- સોલા હોસ્પિટલ
કેપ્સ્યુલ સિસ્ટમના ફાયદા
- સિગ્નલ-ફ્રી અને સતત ટ્રાફિક પ્રવાહ: ચાર રસ્તા પર લાલ લાઈટ માટે વાહનોએ ઊભા રહેવું પડતું નથી, જેનાથી હાઈવે પરનો મુખ્ય ટ્રાફિક અટક્યા વગર સતત ચાલતો રહે છે.
- પીક અવર્સમાં ટ્રાફિક જામથી રાહત: ઓફિસ અને સાંજના સમયે ચાર રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગતી હતી, તેમાં ઘટાડો થાય છે અને મુસાફરીનો સમય બચે છે.
- ઇંધણનો બચાવ અને પ્રદૂષણમાં ઘટાડો: વારંવાર બ્રેક મારવી, સિગ્નલ પર એન્જિન ચાલુ રાખી ઊભા રહેવું અને ફરીથી ગિયર બદલવાની પ્રક્રિયા ઘટવાથી ઇંધણનો વપરાશ અને ધુમાડાનું પ્રદૂષણ ઓછું થાય છે.
- ગંભીર અકસ્માતોની શક્યતા ઓછી: ચાર રસ્તાની વચ્ચે સામસામે અથવા 90 ડિગ્રીના ખૂણે વાહનો અથડાવાની શક્યતા રહેતી નથી, કારણ કે તમામ વાહનો એક જ દિશામાં વળીને આગળ વધે છે.
કેપ્સ્યુલ સિસ્ટમના નુકસાન
- મુસાફરીનું અંતર વધે છે: માત્ર રસ્તો ક્રોસ કરવા કે જમણી બાજુ વળવા માટે પણ વાહનચાલકોએ 150 થી 300 મીટર આગળ જઈને યુ-ટર્ન લેવો પડે છે, જેનાથી નાના અંતરની મુસાફરી લાંબી થઈ જાય છે.
- યુ-ટર્ન પોઈન્ટ પર ટ્રાફિકની ભીડ: ચાર રસ્તા પરથી ટ્રાફિક હટે છે, પરંતુ કેપ્સ્યુલ યુ-ટર્ન લેતી વખતે વાહનો ધીમા પડવાથી અને હાઈવેની મુખ્ય લેનમાં ભળવા જતાં યુ-ટર્ન પાસે જ ટ્રાફિક જામ સર્જાવાની સમસ્યા રહે છે.
- રાહદારીઓ માટે મુશ્કેલી: સિગ્નલ બંધ થવાથી વાહનો સતત ગતિમાં રહે છે, જેના કારણે વૃદ્ધો, બાળકો અને સામાન્ય રાહદારીઓ માટે રસ્તો ક્રોસ કરવો જોખમી અને મુશ્કેલ બની જાય છે.
- રોંગ સાઈડ ડ્રાઈવિંગનું જોખમ: થોડું આગળ જઈને યુ-ટર્ન લેવાનું ટાળવા માટે ઘણા ટુ-વ્હીલર ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવે છે, જે અકસ્માતનું જોખમ વધારે છે.
અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ કેપ્સ્યુલ સિસ્ટમ છે કાર્યરત?
- કોઝી હોટેલ
- હાટકેશ્વર
- સ્વસ્તિક ચાર રસ્તા
- પીરાણા જંકશન
- ગરીબનગર
- શ્યામ શિખર
- હીરાવાડી
- પેલેડિયમ મોલ
- કારગિલ પેટ્રોલ પંપ
- સોલા સિવિલ
- નાના ચિલોડા
- રબારી કોલોની
- ઈશનપુર ક્રોસ રોડ
- કામોડ સર્કલ
- હાથીજણ સર્કલ
- નિકોલ-કઠવાડા
- દસ્તાન સર્કલ
- ઇન્દિરા બ્રિજ
- મધર ડેરી
- ભાટ જંકશન
- સીટીએમ એક્સપ્રેસ હાઈવે
- સિવિલ હોસ્પિટલ ગેટ નંબર 7
- સફલ માર્કેટ, કાગડાપીઠ
- નારોલ જંકશન
- મકરાણા બ્રિજ
- એકા ક્લબ સર્ક્યુલર રૂટ
- લાંભા
- એપોલો સર્કલ
- રૂબી ટી માર્કેટ




