અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલમાં શરમજનક ઘટના: પાંચ વર્ષની બાળકી પર અડપલાં કરનાર સફાઈ કામદારની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બાળકોની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી શરમજનક ઘટના સામે આવી છે. શાળામાં જ હાઉસકીપિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા 54 વર્ષીય સફાઈ કામદારે પાંચ વર્ષીય વિદ્યાર્થિની પર શારીરિક અડપલાં કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આટલું જ નહીં, આરોપીએ આ અંગે કોઈને ન કહેવા માટે બાળકીને ધમકી પણ આપી હતી. વાલીની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક એક્શન લઈ આરોપી સફાઈ કામદારને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો બહાર આવ્યો
મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર બાળકીના વાલીએ જ્યારે આ સમગ્ર મામલે બોપલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી ત્યારે આ સફાઈ કામદારની કરતૂત સામે આવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે આરોપીએ શાળાના પરિસરમાં જ બાળકી પર શારીરિક અડપલાં કર્યા બાદ તેને ધમકી પણ આપી હતી.
FIR નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપી જેલભેગો
વાલીની ગંભીર ફરિયાદના આધારે બોપલ પોલીસે 25મી જૂનના રોજ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો તેમજ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ માટેના કાયદા (POCSO એક્ટ)ની સંબંધિત કડક જોગવાઈઓ હેઠળ FIR નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સઘન તપાસ બાદ આરોપી સફાઈ કામદારની ધરપકડ કરી લીધી હતી.
પોલીસ ધરપકડમાં આવેલા આરોપીની ઓળખ 54 વર્ષીય પશા નાનુ તરીકે થઈ છે. તે ઘુમા ખાતે આવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં હાઉસકીપિંગ સ્ટાફ તરીકે નોકરી કરતો હતો. આરોપી મૂળ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડેદર ગામનો વતની છે અને હાલમાં સરખેજમાં સનાથલ ટોલ પ્લાઝા નજીક આવેલા મનમોહનનગરમાં રહેતો હતો.









