સરખેજ-વેજલપુર હિટ એન્ડ રન કેસમાં મોટો ઘટસ્ફોટ: 17 વર્ષની સગીરા ચલાવતી હતી ઈ-સ્કૂટર, પિતા સામે ગુનો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Minor Driving Accident : સરખેજ-વેજલપુર રોડ પર 3 ઓક્ટોબર, 2026ના રોજ થયેલા જીવલેણ અકસ્માતમાં યુવકના મોત મામલે તપાસ દરમિયાન ઈ-સ્કૂટર 17 વર્ષની સગીરા ચલાવતી હોવાનું સામે આવ્યું છે. અંબર ટાવર પાસે રસ્તો ઓળંગી રહેલા 24 વર્ષીય ભીમકુમાર હરીકિશોર મહતોને ઈ-સ્કૂટરે ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાયા હતા. આ જ સમયે પાછળથી આવતી ટ્રકનાં ટાયર તેમના શરીર પરથી ફરી વળતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. સગીર વયની દીકરી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા છતાં તેને સ્કૂટર ચલાવવા આપનાર પિતા સામે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
3 ઓક્ટોબરે સર્જાયો હતો અકસ્માત
Ahmedabad Minor Driving Accident : 3 ઓક્ટોબરના રોજ બપોરે આશરે 12 વાગ્યે 24 વર્ષીય ભીમકુમાર હરીકિશોર મહતો સરખેજ-વેજલપુર રોડ પર અંબર ટાવર પહેલાં આવેલી શીફા સ્ટીલ ટ્રેડર્સ નામની દુકાન સામેથી પગપાળા રસ્તો ઓળંગી રહ્યા હતા. આ દરમિયાન સરખેજ તરફથી આવતાં ઈલેક્ટ્રિક સ્કૂટરે તેમને ટક્કર મારતાં તેઓ રસ્તા પર પટકાયા હતા. તેઓ રસ્તા પર પડ્યા તે જ સમયે બાજુમાંથી પસાર થતી ટ્રકનાં ડાબી બાજુનાં ટાયર તેમના શરીર પરથી ફરી વળ્યાં હતાં. કમરથી માથા સુધીનો ભાગ કચડાઈ જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અકસ્માત બાદ બંન્ને વાહન ચાલકો ફરાર
અકસ્મા બાદ સ્કૂટરચાલક અને ટ્રકચાલક બંને વાહન લઈને સ્થળ પરથી જતા રહ્યા હતા. આ અંગે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન પોલીસે ઈ-સ્કૂટરના માલિક અબ્દુલ હનીફ અબ્દુલગની શેખ (ઉં.વ. 48, રહે. માશાઅલ્લાહ ડુપ્લેક્ષ, નવી ફતેવાડી, સરખેજ)ને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
આરોપી સગીરા નિકળતા પિતા વિરુદ્ધ ગુનો દાખલ
પૂછપરછમાં અકસ્માત સમયે સ્કૂટર તેમની 17 વર્ષની દીકરી ચલાવતી હોવાનું સામે આવ્યું હતું. દીકરી સગીર વયની છે અને તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી તે જાણવા છતાં પિતાએ તેને પોતાનું સ્કૂટર ચલાવવા આપ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આથી એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે અબ્દુલ હનીફ શેખ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાલીઓ માટે કાયદાની જોગવાઈ શું છે?
- મોટર વ્હીકલ એક્ટની કલમ 199(A) મુજબ, 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ વાહન ચલાવી ગુનો કરે અથવા અકસ્માત સર્જે તો વાહનના માલિક કે વાલીને જવાબદાર ઠેરવી શકાય છે.
- વાલીને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
- 25,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
- વાહનનું રજિસ્ટ્રેશન 12 મહિના માટે રદ થઈ શકે છે.




