Ahmedabad

VIDEO| અમદાવાદ: માત્ર 1 દિવસ માટે ચમક્યું ભદ્ર પ્લાઝા: 364 દિવસ ગંદકી અને તૂટેલા માર્બલ, હેરિટેજ ઉત્સવના નામે પ્રજાને હાલાકી

By GS Team
18 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં 12 વર્ષ બાદ આવતીકાલે, 19 નવેમ્બરના રોજ 'ભદ્ર ફેસ્ટિવલ 2026'નું આયોજન કરાયું છે. વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણીના ભાગરૂપે આ એક દિવસીય ઉત્સવ માટે ભદ્ર પ્લાઝાને રાતોરાત ચમકાવાયું છે. જો કે, 364 દિવસ ગંદકી અને ખરાબ જાળવણી સામે એક દિવસના દેખાડાથી સ્થાનિકો અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ચાર દરવાજા બંધ કરાતા નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમદાવાદ: માત્ર 1 દિવસ માટે ચમક્યું ભદ્ર પ્લાઝા: 364 દિવસ ગંદકી અને તૂટેલા માર્બલ, હેરિટેજ ઉત્સવના નામે પ્રજાને હાલાકી

Bhadra Festival 2026 Ahmedabad: અમદાવાદ શહેરના ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે 19 નવેમ્બરના રોજ 12 વર્ષના લાંબા ગાળા બાદ 'ભદ્ર ફેસ્ટિવલ 2026'નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક દિવસીય ભવ્ય ઉત્સવ માટે સમગ્ર ભદ્ર પ્લાઝા પરિસરને રાતોરાત ચમકાવી દેવામાં આવ્યું છે. જો કે, આ એક દિવસની ચમકદમક સામે સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં તંત્રની બેવડી નીતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

364 દિવસ ગંદકી અને તૂટેલા માર્બલ પર ડામર, હવે 1 દિવસનો દેખાડો?

સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે, કરોડો રૂપિયાના ખર્ચે ભદ્ર પ્લાઝાનું નિર્માણ થયા બાદ તંત્રએ વર્ષો સુધી તેની કોઈ દરકાર લીધી નથી. અહીં નાખવામાં આવેલા મોંઘાદાટ માર્બલના પથ્થરો તૂટી જતાં તેના યોગ્ય સમારકામને બદલે ડામર પાથરીને વેઠ ઉતારવામાં આવી હતી. વર્ષના 364 દિવસ અહીં કાયમી ગંદકી, કચરાના ઢગલા અને અવ્યવસ્થા જોવા મળે છે, પરંતુ હવે માત્ર એક દિવસના ઉત્સવ માટે અઢળક ખર્ચ કરીને પરિસરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો દેખાડો કરવામાં આવી રહ્યો હોવાનો સૂર લોકો વ્યક્ત કરી રહ્યા છે.

4 દરવાજા બંધ કરી દેવાતા અમદાવાદીઓને ભારે હાલાકી

એક દિવસના આ હેરિટેજ ઉત્સવની તૈયારીઓને કારણે સામાન્ય જનતાની મુશ્કેલીમાં વધારો થયો છે. તંત્ર દ્વારા ભદ્ર પ્લાઝાની ચારેય બાજુના મુખ્ય દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જૂના અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા આ વિસ્તારમાં દરવાજા બંધ કરાતા રોજિંદી અવરજવર કરતા રાહદારીઓ, ખરીદી કરવા આવતા નાગરિકો અને સ્થાનિક વેપારીઓને ફરી-ફરીને લાંબા ચક્કર કાપવા પડી રહ્યા છે.

હેરિટેજની જાળવણી માત્ર ઉત્સવ પૂરતી જ કેમ?

એક તરફ વર્લ્ડ હેરિટેજ વીકની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ અમદાવાદીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો તંત્ર ખરેખર હેરિટેજ સ્થળો પ્રત્યે ગંભીર હોય, તો માત્ર 1 દિવસના ઉત્સવ પૂરતી સફાઈ કરવાને બદલે આખું વર્ષ ભદ્ર પ્લાઝાની આવી જ જાળવણી કેમ કરવામાં આવતી નથી? ઉત્સવના નામે સામાન્ય પ્રજાને બાનમાં લેવાને બદલે કાયમી સ્વચ્છતા અને સુવિધા આપવામાં આવે તેવી માગ ઉઠી છે.