Ahmedabad

સાવધાન!: ડિજિટલ કંકોતરી ખોલતાં જ ખાતામાંથી રૂ. 1.5 લાખ ઉપડી ગયા, લગ્નના આમંત્રણની APK ફાઇલ મોકલી કરાઈ ઠગાઈ

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સાયબર ઠગોએ 2 નાગરિકો પાસેથી કુલ 2.10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. ગોમતીપુરમાં યુવકને ટેલિગ્રામ પર શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી 59,936 રૂપિયા પડાવ્યા. જ્યારે નિકોલના યુવકને વોટ્સએપ પર કંકોત્રીના નામે APK ફાઇલ મોકલી બૅન્ક એકાઉન્ટમાંથી 1.51 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા. ગોમતીપુર અને ક્રિષ્નનગર પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાવધાન!: ડિજિટલ કંકોતરી ખોલતાં જ ખાતામાંથી રૂ. 1.5 લાખ ઉપડી ગયા, લગ્નના આમંત્રણની APK ફાઇલ મોકલી કરાઈ ઠગાઈ

Ahmedabad Cyber Crime: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સાયબર ઠગોએ બે અલગ-અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી બે નાગરિકો સાથે કુલ 2.10 લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી આચરી છે. ગોમતીપુરમાં યુવકને ટેલિગ્રામ પર શેરબજારમાં રોકાણ સામે ઊંચા વળતરની લાલચ આપી અલગ-અલગ ચાર્જીસ પેટે નાણાં પડાવી લેવાયા હતા, જ્યારે બીજા કિસ્સામાં નિકોલના યુવકને વોટ્સએપ પર લગ્નની કંકોત્રીના નામે APK ફાઇલ મોકલી તેનું આખું ડિવાઇસ હેક કરી બૅન્ક એકાઉન્ટમાંથી બારોબાર લાખો રૂપિયા ટ્રાન્સફર કરી લેવાયા હતા. આ બંને મામલે ગોમતીપુર અને ક્રિષ્નનગર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

​મિત્રના નંબર પરથી આવેલી કંકોતરીની APK ફાઇલ ખોલતાં જ ખાતામાંથી 1.51 લાખ ગાયબ

​નિકોલ રોડ પર પાવરહાઉસ સામે શ્રીનાથ પાર્કમાં રહેતા અને ઈલેક્ટ્રિકનું છૂટક કામ કરતાં 44 વર્ષીય નિલેષ ભુવા બીજી સપ્ટેમ્બરના રોજ તેના મિત્ર જયસુખના વોટ્સએપ નંબર પરથી તેના મોબાઇલમાં એક આમંત્રણ પત્રિકા આવી હતી. જોકે, તે પીડીએફ કે ઇમેજના બદલે APK ફાઇલ હતી, જેની નિલેષને જાણ ન હોવાથી તેમણે ફાઇલ ખોલી હતી.

​બીજા દિવસે બપોરે તેના મોબાઇલમાં બૅન્ક ઑફ ઇન્ડિયાના ખાતામાંથી અચાનક નાણાં ડેબિટ થવાના મેસેજ આવવા લાગ્યા હતા. તેઓ તાત્કાલિક બૅન્ક પહોંચ્યા અને ખાતું ફ્રીઝ કરાવ્યું ત્યાં સુધીમાં તેમના ખાતામાંથી 45 હજાર, 16 હજાર, 84 હજાર અને 6 હજાર રૂપિયા મળીને કુલ 1.51 લાખ રૂપિયા ઉપડી ચૂક્યા હતા.

બૅન્ક તપાસમાં બહાર આવ્યું હતું કે, મોબાઇલમાં આવેલી એપીકે ફાઇલથી ફોન હેક થઈ ગયો હતો અને તમામ એકાઉન્ટ ક્રિડેન્શિયલ ચોરી થઈ ગયા હતા. આ મામલે ક્રિષ્નનગર પોલીસે અજાણ્યા શખ્સ સામે છેતરપિંડી અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

​ટેલિગ્રામ ગ્રૂપમાં નફાનું નકલી ઇન્વોઇસ બનાવી એકાઉન્ટન્ટ પાસેથી 59,936 રૂપિયા પડાવ્યા

​ગોમતીપુરની રાજપુર પોસ્ટ ઑફિસ પાસે આવેલી અબુકસાઇની ધાબા ચાલીમાં રહેતા અને પાલડીની ખાનગી પેઢીમાં એકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા 24 વર્ષીય સાહિલ કમલેશ રાણાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાહિલના જણાવ્યાનુસાર, 12મી સપ્ટેમ્બરના રોજ તે ટેલિગ્રામ પર એક ગ્રૂપ જોઈ રહ્યો હતો, જેમાં રોકાણ સામે નફાના સ્ક્રીનશોટ્સ મૂકેલા હતા. આથી તેણે એડમિન ‘જીઘા ભાઈ’નો સંપર્ક કર્યો હતો.

​સામેવાળાએ 10 હજાર રૂપિયાના રોકાણ સામે 45 હજાર રૂપિયા નફો મળવાની વાત કરી હતી. બાદમાં 15 સપ્ટેમ્બરે સાહિલે 5 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. થોડા સમય બાદ ઠગે સાહિલના નામે નકલી ઇન્વોઇસ મોકલી તેમાં 53 હજાર રૂપિયા નફો અને 14 હજાર રૂપિયા કમિશન દર્શાવ્યું હતું. આ નફો મેળવવા માટે ઠગે કમિશન, વિથડ્રોઅલ ચાર્જ, સેન્ડિંગ ચાર્જ, પ્રોસેસિંગ ચાર્જ અને એક્સ્ટ્રા ચાર્જના નામે અલગ-અલગ યુ પીઆઈ આઈડી આપી કટકે કટકે કુલ 59,936 રૂપિયા પડાવી લીધા હતા. બીજા દિવસે નાણાં પરત ન આવતા સાહિલે મેસેજ કરતાં આરોપીએ તેને બ્લોક કરી દીધો હતો. આ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.